તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 27th July 2025
ભારે વરસાદના કારણે પંચમહાલના શહેરા તાલુકાનો પાનમ ડેમ ઓવરફ્લો : નદીમાં છોડાયું પાણી: અનેક ગામોને એલર્ટ કરાયા
પાનમ ડેમના બે દરવાજા 4 ફૂટ સુધી ખોલવામાં આવ્યા: 10,161 ક્યુસેક પાણી પાનમ નદીમાં છોડવામાં આવ્યું

અમદાવાદ : રાજ્યમાં મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદ વરસી રહ્યો છે, તેવામાં પંચમહાલ જિલ્લામાં સતત વરસી રહેલા ભારે વરસાદને કારણે શહેરા તાલુકાના પાનમ ડેમના બે દરવાજા 4 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે. જેથી 10,161 ક્યુસેક પાણી પાનમ નદીમાં છોડવામાં આવ્યું છે. હાલ ડેમમાં 24,500 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે.
ગુજરાતમાં બનાસકાંઠા, અમદાવાદ, પંચમહાલ સહિતના વિસ્તારોમાં અતિભારે વરસાદ ખાબક્યો છે, ત્યારે પંચમહાલમાં પાનમ ડેમના કેચમેન્ટ વિસ્તાર અને ઉપરવાસમાં થયેલા સાર્વત્રિક વરસાદને લઈને પાણીની સતત આવક થઈ રહી છે. તેવામાં ડેમનું રૂલ લેવલ જાળવવા માટે વહીવટી તંત્ર દ્વારા પાણી છોડવાનો નિર્ણય લેવાયો હતો.
પાનમ ડેમમાંથી પાનમ નદીમાં પાણી છોડવામાં આવતા નદી કાંઠા વિસ્તારમાં આવેલા 28 જેટલાં ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. જેમાં શહેરા તાલુકાના કોઠા, મોર, ઉંડારા, રમજીની નાળ અને બલુજીના મુવાડા સહિત પંચમહાલ અને મહીસાગર જિલ્લાના 28 જેટલા અસરગ્રસ્ત ગામોના રહીશોને સાવચેત રહેવા અને નદી કિનારે ન જવા માટે સૂચના આપવામાં આવી છે. આ દરમિયાન વહીવટી તંત્ર દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને લોકોને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે.
ગુજરાતમાં સવારના 6થી 4 વાગ્યા સુધીના વરસાદી આંકડા મુજબ, રાજ્યના 170 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધારે અમદાવાદના દસક્રોઈમાં 9.72 ઈંચ વરસાદ ખાબક્યો છે. નડિયાદમાં 8.35 ઈંચ, મહેમદાબાદમાં 8.15 ઈચ વરસાદ, માતરમાં 6.81 ઈંચ, વસોમાં 5.39 ઈંચ વરસાદ, મહુધામાં 5.16 ઈંચ, કઠલાલમાં 5.12 ઈંચ વરસાદ, 10 તાલુકામાં સાડા ત્રણ ઈંચથી વધુનો વરસાદ નોંધાયો છે.
હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે, ગુજરાતમાં ચાર વરસાદી સિસ્ટમ સક્રિય છે, તેના કારણે આગામી 7 દિવસ રાજ્યમાં વરસાદી માહોલ રહેશે. ચાર વરસાદી સિસ્ટમને કારણે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, અમદાવાદમાં ભારે વરસાદની ચેતવણી એટલે કે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે કચ્છ, સુરેન્દ્રનગર, ગાંધીનગર, ખેડા, પંચમહાલ, દાહોદ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવાની સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
(7:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
