<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 27th July 2025

પાટણના અંબાજી નેળિયા વિસ્તારમાં સાત જેટલી સોસાયટીના મુખ્ય માંર્ગ પર કેડસમાણા પાણી ભરાતા લોકોને ભારે હાલાકી

અંબાજીનગર વિસ્તારમાં પાછળના ભાગે આવેલી 7 સોસાયટીઓમાં પ્રવેશવાના માર્ગ ઉપર વરસાદી પાણી ફરી વળતા આ સોસાયટીના રહીશોને પરેશાની

પાટણઃ શહેરમાં સવારથી ધોધમાર વરસાદની પરિસ્થિતિ સર્જાતા જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. અંબાજી નેળિયા વિસ્તારમાં આવેલી સાત જેટલી સોસાયટીના જવાના માર્ગ ઉપર તેમજ સોસાયટીઓમાં પાણી ભરાતા લોકોને ભારે હાલાકીઓનો સામનો કરવો પડ્યો છે. તંત્રની કામગીરી સામે સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે

શહેરના અંબાજી નેળિયા વિસ્તારમાં પાછળના ભાગે આવેલી સાત જેટલી સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાવવાને કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ સોસાયટીઓમાં પ્રવેશવાના મુખ્ય માર્ગો ઉપર કેડ સમા પાણી ભરાયા છે. જેથી લોકો સરળતાથી અવરજવર કરી શકતા નથી. કેડસમા પાણી ભરાયા હોવાથી વાહનો પણ જઈ શકતા નથી. જેથી લોકોની હાલત કફોડી બનવા પામી છે. દર વર્ષે આ પરિસ્થિતિ સર્જાય છે છતાં પાલિકા તંત્ર દ્વારા પાણી નિકાલ માટેની કોઈ જ વ્યવસ્થા કરવામાં આવતી નથી.

પાલિકા તંત્ર દ્વારા સોસાયટીની બહાર બનાવેલા રોડ લેવલ વગરના અને વરસાદી પાણીના નિકાલ વગરના બનાવવામાં આવ્યા છે. ત્યારે દર વર્ષે ચોમાસામાં આ વિસ્તારમાં પાણી ભરાઈ રહેતા રહીશોને ભારે હાલાકીઓ ભોગવી પડે છે.

સોપાન હોમ સોસાયટીમાં અને બહાર પાણી ભરાઈ રહેવાના કારણે લોકો ઘરની બહાર પણ નીકળી શકતા નથી. ખાસ કરીને બાળકો શાળાએ પણ જઈ શકતા નથી. બીજી તરફ ઉંમરલાયક વ્યક્તિઓ પણ ઘરમાં પુરાઈ રહેવા મજબૂર બન્યા છે. પાણી નિકાલ માટે અનેક વાર રજૂઆતો કરવામાં આવી છે. ત્યારે તંત્રના અધિકારી કર્મચારીઓ માત્ર દેખાવ પૂરતા ગાડી લઈને આવે છે.

ગાડીમાંથી બહાર પણ ઉતરતા નથી અને સ્થાન નિરીક્ષણ કરી જતા રહે છે. હાલમાં આ પાણી ભરાવવાની પરિસ્થિતિને લઈને જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ મેળવવામાં પણ રહીશોને હાલાકીઓનો સામનો કરવો પડે છે. આ વિસ્તારમાંથી પાણી નિકાલ માટેની વ્યવસ્થા તંત્ર દ્વારા ન કરવામાં આવે તો આગામી સમયમાં ચૂંટણીઓમાં કોઈ પણ પક્ષના ઉમેદવારો મત લેવા પણ ન આવે તેવો સૂર ઉઠ્યો છે.

પાટણ અંબાજીનગર વિસ્તારમાં પાછળના ભાગે આવેલી 7 સોસાયટીઓમાં પ્રવેશવાના માર્ગ ઉપર વરસાદી પાણી ફરી વળતા આ સોસાયટીના રહીશોને અવરજવર કરવામાં ભારે હાલાકીઓ વેઠવી પડે છે. તો વરસાદી પાણીના નિકાલ તાત્કાલિક અસરથી વ્યવસ્થા કરવામાં આવે તેવી માગ રહીશો કરી રહ્યા છે.

(7:54 PM IST)