<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 27th July 2025

ખેડાના વણાકબોરી પાવર સ્ટેશન પાસે તળાવ ફાટ્યું :4 થી 5 હાઈવા ટ્રકો સાથે પાંચ જેટલા ટ્રક ચાલકો પાણીમાં ફસાઈ ગયા

પાવર સ્ટેશનના અધિકારીઓ, સ્થાનિક લોકો અને રેસ્ક્યુ ટીમ સ્થળ પર પહોંચ્યા : ટ્રક ચાલકોને બચાવવા માટે તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશન

ખેડાના વણાકબોરીમાં તળાવ ફાટવાની ઘટના સામે આવી છે. વણાકબોરી પાવર સ્ટેશન પાસે તળાવ ફાટ્યું હતું. આમાં વણાકબોરી પાવર સ્ટેશનના અધિકારીઓની ગંભીર બેદરકારી સામે આવી છે.. ગઇકાલ રાતથી ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો..આમ છતા તેમણે અહીં આવતા વાહનોને અટકાવ્યા ન હતા. 

   મોડી રાતથી સતત વરસેલા ભારે વરસાદના કારણે પાવર સ્ટેશનની પાસે આવેલું ફ્લાય ઍશ ભરવાના તળાવની પાળી ફાટી હતી. તળાવ ફાટતા પાણીનો ભારે પ્રવાહ વહી ગયો અને તળાવમાં એસ ભરવા ગયેલા ચારથી પાંચ હાઈવા ટ્રકો સાથે પાંચ જેટલા ટ્રક ચાલકો પણ પાણીમાં ફસાઈ ગયા હતા. ઘટનાની જાણ થતા પાવર સ્ટેશનના અધિકારીઓ, સ્થાનિક લોકો અને રેસ્ક્યુ ટીમ સ્થળ પર દોડી આવી હતી. અને ટ્રક ચાલકોને બચાવવા માટે તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું

   ખેડા જિલ્લામાં ગત રાતથી સાર્વત્રિક વરસાદ થઈ રહ્યો છે. સતત વરસી રહેલા વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું છે. નડિયાદમાં ગરનાળામાં તેમજ યાત્રાધામ ડાકોરમાં રણછોડરાયજી મંદિર પરિસર બહાર પાણી ભરાયા છે. જીલ્લામાં ગત રાતથી ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. તમામ તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. ધીમીધારે વરસી રહેલો વરસાદ ડાંગરના પાક માટે લાભદાયી હોવાને કારણે ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે.

(8:39 PM IST)