તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Monday, 28th July 2025
અમદાવાદમાં ધોધમાર વરસાદને પગલે અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ
નારોલમાં નેશનલ હાઈવે-8 પર પાણી ફરી વળ્યા: શાહવાડી ગામ પાણીમાં ગરક :જશોદાનગર, હાટકેશ્વર, ખોખરા વિસ્તાર જળમગ્ન : BRTS રૂટમાં 1 થી 2 ફૂટ પાણી ફરી વળ્યા:વસ્ત્રાલમાં વરસાદી પાણીને લીધે લોકો મુશ્કેલીમાં મુકાયા અને વાહન ચાલકોના વાહનો ખોટકાયા

અમદાવાદમાં ગત રાતથી વરસાદ ધબધબાટી બોલાવી રહ્યો છે. આજે સવારે પણ ધોધમાર વરસાદને પગલે અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદને પગલે પૂર્વના અનેક વિસ્તારો પાણી-પાણી થઈ ગયા. અને લોકો હાલાકીમાં મુકાયા. નારોલમાં નેશનલ હાઈવે-8 પર પાણી ફરી વળ્યા હતા. તો શાહવાડી ગામ પાણીમાં ગરક થયું હતું. જશોદાનગર, હાટકેશ્વર, ખોખરા વિસ્તારમાં પણ વરસાદી જમાવટને પગલે નીચાણવાળા વિસ્તારો જળમગ્ન થયા. BRTS રૂટમાં 1 થી 2 ફૂટ પાણી ફરી વળ્યા હતા. વસ્ત્રાલમાં વરસાદી પાણીને લીધે લોકો મુશ્કેલીમાં મુકાયા હતા અને વાહન ચાલકોના વાહનો ખોટકાયા હતા. સામાન્ય વરસાદમાં મહાનગરમાં જળબંબાકારની સ્થિતિને પગલે AMCની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે.
પૂર્વ જ નહીં પશ્ચિમના વિસ્તારોમાં પણ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. વેજલપુર, જોધપુર, પ્રહલાદનગર, પ્રેરણાતીર્થ દેરાસર વિસ્તારોમાં પાણી-પાણીની પરિસ્થિતિ જોવા મળી. પ્રેરણાતીર્થ દેરાસર રોડ પાસેની અનેક સોસાયટીઓમાં વરસાદી પાણી ફરી વળ્યા. અહીં તેજધારા બંગ્લોની પાસે 2 ફૂટ જેટલાં પાણી ભરાયા હતા. વેજલપુર, જોધપુર, પ્રહ્લાદનગરમાં પણ નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા હતા. પશ્ચિમના અનેક વિસ્તારોમાં RCC રોડના કારણે પાણી ભરાતા હોવાની ફરિયાદો ઉઠી છે. પરંતુ, ફરિયાદો છતાં તંત્ર બેધ્યાન હોવાના આક્ષેપો ઉઠ્યા છે. મનપાની કામગીરી સામે લોકોમાં રોષનો માહોલ છે.
(12:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
