અખિલ ભારતવર્ષીય યાદવ મહાસભા દ્વારા ગુજરાત પ્રદેશ અધ્યક્ષ તરીકે પૂર્વ કેબિનેટ મંત્રી જવાહરભાઈ ચાવડાની નિમણૂક : સંગઠનને મજબૂત કરવા એક મહિનામાં કાર્યકારિણી રચવાનો નિર્દેશ!
જસ્ટિસ રવીન્દ્ર સિંહ 'યાદવ' (પૂર્વ ન્યાયાધીશ, અલ્હાબાદ હાઈકોર્ટ) દ્વારા કરાયેલા મનોનયનથી ગુજરાતમાં યાદવ સમાજમાં ઉત્સાહ : જવાહરભાઈના નેતૃત્વમાં સમાજમાં સમરસતા, સાંસ્કૃતિક ચેતના અને સશક્તિકરણની નવી મિસાલ કાયમ થવાની અપેક્ષા

ગાંધીનગર : અખિલ ભારતવર્ષીય યાદવ મહાસભા દ્વારા ગુજરાત રાજ્ય એકમ માટે એક મહત્વપૂર્ણ નિમણૂક કરવામાં આવી છે. મહાસભાના રાષ્ટ્રીય અધ્યક્ષ અને અલ્હાબાદ હાઈકોર્ટના પૂર્વ ન્યાયાધીશ જસ્ટિસ રવીન્દ્ર સિંહ 'યાદવ' એ એક મનોનયન પત્ર દ્વારા ગુજરાતના રાજકારણના જાણીતા ચહેરા અને ગુજરાત સરકારના પૂર્વ કેબિનેટ મંત્રી જવાહર પેથલજીભાઈ ચાવડા (નિવાસી: ડો. સુભાષ ભવન, ડો. સુભાષ રોડ, માજેવડી ગેટ, જૂનાગઢ-362001) ને પ્રદેશ અધ્યક્ષ, ગુજરાત રાજ્ય એકમ તરીકે સન્માનપૂર્વક નિયુક્ત કર્યા છે.
આ નિમણૂકથી ગુજરાતમાં યાદવ સમાજમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જસ્ટિસ રવીન્દ્ર સિંહ 'યાદવ' એ જવાહરભાઈ ચાવડા પાસેથી અપેક્ષા રાખી છે કે તેઓ આગામી એક માસની અંદર ગુજરાત પ્રદેશ કાર્યકારિણીનું ગઠન કરીને મહાસભાના રાષ્ટ્રીય સંયોજક સી. શેખર યાદવને સૂચિત કરશે.
મનોનયન પત્રમાં જણાવ્યા મુજબ, અખિલ ભારતવર્ષીય યાદવ મહાસભાને પૂર્ણ વિશ્વાસ છે કે જવાહરભાઈ ચાવડાના નેતૃત્વ હેઠળ ગુજરાત એકમ વધુ સંગઠિત, સશક્ત અને પ્રગતિશીલ બનશે. આ નિમણૂક સમાજમાં સમરસતા, સાંસ્કૃતિક ચેતના અને સશક્તિકરણની નવી મિસાલ કાયમ કરશે તેવી પણ અપેક્ષા રાખવામાં આવી છે.
જવાહરભાઈ ચાવડા ગુજરાતના રાજકારણમાં લાંબા સમયથી સક્રિય છે અને તેમની પાસે વહીવટી તેમજ સામાજિક કાર્યોનો બહોળો અનુભવ છે. ભૂતકાળમાં ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે પણ તેમણે કાર્યભાર સંભાળ્યો છે. તેમનો રાજકીય અને સામાજિક અનુભવ યાદવ મહાસભાના ગુજરાત એકમને મજબૂત બનાવવામાં મદદરૂપ થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
આ નિમણૂક ગુજરાતમાં યાદવ સમાજની સંગઠનાત્મક ગતિવિધિઓને વેગ આપશે અને સમાજને એક મજબૂત પ્લેટફોર્મ પૂરું પાડશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
