<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 28th July 2025

મલકાણા વહેરામાંથી પાણી છોડાતા જળબંબાકાર જેવી સ્થિતિ

મહેમદાવાદ તાલુકામાં જળબંબાકારઃવરસોલા, ખંભાલી, અંધેજ, મોહનપરુ ગામને જોડતો રોડ બંધ કરવાની નોબત આવી હતી

મહેમદાવાદ,તા.૨૮

ગુજરાતમાં ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયાં છે. નદી અને તળાવોમાં પાણીની આવક થવાથી રોડ અને રસ્તાઓ પર પાણી ભરાઈ ગયાં છે. ખેડાના મહેમદાવાદ તાલુકામાં ભારે વરસાદને કારણે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે.

ખેડામાં મહેમદાવાદના ખંભાલી જતા રોડ પર પાણી ફરી વળ્યાં છે. સ્ટેટ હાઈવેથી ખંભાલી જતા રોડ પર પાણી ભરાઈ ગયા હતાં. મલકાણા વહેરામાંથી પાણી છોડાતા રોડ રસ્તા ઉપર અને લોકોના ખેતરોમાં પાણી ફરી વળ્યા હતાં. જેના કારણે વરસોલા, ખંભાલી, અંધેજ, મોહનપરુ ગામને જોડતો રોડ બંધ કરવાની નોબત આવી હતી. ૫૦૦થી ૬૦૦ વીઘા જમીન પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી.ખંભાલી જતા બે કિલોમીટરના રોડ આસપાસના ચારથી પાંચ ગામોને જોડતો રોડ છે. જ્યાં પાણી ભરાઈ જવાને કારણે કેટલાક ગામોમાં જવાનો રસ્તો બંધ કરવો પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. જો આગામી સમયમાં વધુ વરસાદ પડે કે વધુ પાણી છોડાય તો આ રોડ બ્લોક થવાની શક્યતા છે. ભારે વરસાદને કારણે જળાશયોમાં પાણીની આવ થતાં જળસ્તરને જાળવી રાખવા પાણી છોડવું પડ્યું હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે.

(10:06 PM IST)