<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 29th July 2025

ધો-૯થી ૧૨ની પ્રથમ પરીક્ષા નવરાત્રિ બાદ ૩થી ૧૩ ઓક્‍ટોબર સુધીમાં લેવાશે

શૈક્ષણિક સંગઠનોની રજૂઆતને પગલે પરીક્ષાનો કાર્યક્રમ ત્રણ સપ્તાહ પાછો ઠેલાયો - શિક્ષણ બોર્ડે પરીક્ષાના કાર્યક્રમમાં ફેરફાર કર્યો, અગાઉ ૧૧ સપ્‍ટેમ્‍બરથી પરીક્ષા લેવાની હતી

અમદાવાદ,તા.૨૯: ગુજરાત માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક શિક્ષણ બોર્ડ દ્વારા અગાઉ ધોરણ-૯થી ૧૨ની પ્રથમ પરીક્ષા ૧૧ સપ્‍ટેમ્‍બરથી ૨૦ સપ્‍ટેમ્‍બર દરમિયાન લેવામાં આવનાર હતી, પરંતુ હવે આ પરીક્ષા ૩ સપ્તાહ પાછળ લઈ જવામાં આવી છે. અને આ પરીક્ષા ૩ ઓક્‍ટોબરથી શરૂ થશે અને ૧૩ ઓક્‍ટોબરના રોજ પૂર્ણ થશે. 

ગુજરાત માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક શિક્ષણ બોર્ડ દ્વારા શૈક્ષણિક વર્ષની શરૂઆતમાં જ એકેડેમિક કેલેન્‍ડર જાહેર કરી દેવામાં આવે છે. જેમાં સમગ્ર વર્ષ દરમિયાન અભ્‍યાસના દિવસો તથા પરીક્ષા ક્‍યારથી શરૂ થશે તે અંગેની વિગતો દર્શાવવામાં આવેલી હોય છે. એકેડેમિક કેલેન્‍ડર અનુસાર, રાજ્‍યમાં ધોરણ-૯થી ૧૨ની પ્રથમ કસોટી ૧૧ સપ્‍ટેમ્‍બરથી ૨૦ સપ્‍ટેમ્‍બર દરમિયાન યોજવાનો નિર્ણય કરવામાં આવ્‍યો હતો.

શૈક્ષણિક સંગઠનો દ્વારા બોર્ડને રજૂઆત કરતા આ મુદ્દો બોર્ડની ૧૭ જુલાઈના રોજ મળેલી શૈક્ષણિક સમિતિની બેઠકમાં મૂકવામાં આવ્‍યો હતો. જેથી આ બેઠકમાં પ્રથમ પરીક્ષાની તારીખમાં ફેરફાર કરવા માટે રાજ્‍ય સરકારની મંજૂરી મેળવવા અંગેનો નિર્ણય કરવામાં આવ્‍યો હતો. જેથી ધોરણ-૯થી ૧૨ની પરીક્ષાની તારીખમાં ફેરફાર કરવા માટે સરકાર પાસે મંજૂરી માગવામાં આવી હતી. સરકાર દ્વારા ૨૪ જુલાઈના રોજ પરીક્ષાની તારીખમાં ફેરફાર કરવા માટેની મંજૂરી આપવામાં આવી હતી. આ પરીક્ષા માટે જૂન માસથી સપ્‍ટેમ્‍બર માસ સુધીનો અભ્‍યાસક્રમ રહેશે. આમ, પરીક્ષા ત્રણ સપ્તાહ પાછળ લઈ જવામાં આવી છે.

 સૂત્રોના જણાવ્‍યા પ્રમાણે, બોર્ડે જાહેર કરેલા અગાઉના કાર્યક્રમ અનુસાર નવારાત્રિના તહેવારો પહેલા જ પરીક્ષા પૂર્ણ થઈ જતી હતી. જેથી પરીક્ષા પૂર્ણ થયા બાદ વિદ્યાર્થીઓ નવરાત્રિની મજા માણે અને ત્‍યારબાદ થોડાક દિવસો પછી વેકેશન પડતું હોવાથી સ્‍કૂલોમાં પાંખી હાજરી થવાની શક્‍યતા હતી. જેના પગલે હવે નવરાત્રિના તહેવારો ૨ ઓક્‍ટોબરના રોજ પૂર્ણ થયા બાદ ૩ ઓક્‍ટોબરથી પરીક્ષાનું આયોજન કર્યું છે.

(3:59 PM IST)