<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 29th July 2025

પતિએ મિત્રો સાથે મળીને પત્‍ની પર કર્યો ગેંગરેપ અને તાપી નદીમાં બાંધીને ફેંકી દીધી

સુરતમાં મહિલાના ચારિત્ર્ય પર શંકા રાખીને તેના પતિએ મિત્ર સાથે મળીને દુષ્‍કર્મ આચર્યુઃ ચાર આરોપીની ધરપકડ

સુરત, તા.૨૯: કાપોદરા વિસ્‍તારમાંથી એક હચમચાવી નાંખતી અને સંબંધો પર કલંક લગાવતો કિસ્‍સો સામે આવ્‍યો છે. એક પુરુષે તેની પત્‍ની પર ચારિત્ર્યની શંકા રાખીને તેના મિત્ર સાથે મળીને ગેંગરેપ કર્યો. મહિલાને બેરહેમીથી માર મારીને બાંધી દેવામાં આવી અને તાપી નદીમાં ફેંકવાનો પ્રયાસ કરવામાં આવ્‍યો. ગંભીર રીતે ઘાયલ મહિલા કોઈક રીતે ભાગી ગઈ અને પોલીસ સ્‍ટેશન પહોંચી અને ફરિયાદ નોંધાવી. પોલીસે થોડા કલાકોમાં જ ચારેય આરોપીની ધરપકડ કરી છે.

સુરતના કાપોદરા વિસ્‍તારમાં પતિએ તેની પત્‍ની પર ગેરકાયદેસર સંબંધોની શંકા કરીને માનવતાને શરમજનક બનાવી દીધી. જેલમાંથી છૂટેલા પતિએ તેના મિત્રને સાથે રાખીને પત્‍ની પર ગેંગરેપ કર્યો હતો. પત્‍નીને મારી નાંખવાનો પ્રયાસ કર્યો. મહિલાના હાથ-પગ બાંધીને તેને તાપી નદીમાં ફેંકવાનો પ્રયાસ કરવામાં આવ્‍યો હતો.

આ ઘટના ૨૪ જુલાઈની સાંજે શરૂ થઈ હતી જ્‍યારે આરોપી ગણેશ રાજપૂતે તેની પત્‍નીને લાકડી અને હથોડીથી નિર્દયતાથી માર માર્યો હતો. બીજા દિવસે ૨૫ જુલાઈએ મહિલાનો પતિ પોતાના મિત્ર મહેશને લઈને આવ્‍યો હતો. બન્ને જણાં મહિલાને દિનદયાળ નગર નજીક રૂમમાં લઈ ગયા હતા અને વારાફરતી દુષ્‍કર્મ આચર્યું હતુ. આરોપીઓની હેવાનિયત અહીં અટકી નહતી. તેણે નળિયા વડે મહિલાના માથામાં આડેધડ ઘા માર્યા હતા. ત્‍યારબાદ કચ્‍ચો ઉર્ફે વિજય તેમજ આપીયા નામના બીજા બે આરોપીઓ સાથે મળીને મહિલાને તાપી કિનારે આવેલી પાણીની ટાંકી પાસે લઈ ગયા હતા. ત્‍યાં પણ ચારેય જણાએ ભેગા થઈને મહિલાને ફટકારી તેની હત્‍યા કરવા માટે દોરડું મંગાવીને હાથપગ બાંધી દીધા હતા. કોઈક રીતે, મહિલાએ પોતાનો જીવ બચાવ્‍યો અને કાપોદ્રા પોલીસ સ્‍ટેશન પહોંચી અને ઘટના અંગે ફરિયાદ નોંધાવી.

પોલીસે ગંભીર રીતે ઈજાગ્રસ્‍ત મહિલાને સારવાર અર્થે હોસ્‍પિટલ ખસેડી હતી. પીડિતાએ કાપોદ્રા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ખૂનની કોશિશ અને બળાત્‍કારનો ગુનો દાખલ કર્યો હતો. પોલીસે થોડા કલાકોમાં ચારેય આરોપીઓની ધરપકડ કરી. મુખ્‍ય આરોપી ગણેશ રાજપૂત પહેલાથી જ ૨૬ કેસોમાં સંડોવાયેલો છે. બાકીના આરોપીઓ ઉત્તર પ્રદેશ, મહારાષ્‍ટ્ર અને ગુજરાતના છે. આ બધા સામે ગેંગરેપ અને હત્‍યાના પ્રયાસની કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્‍યો છે. તપાસ ચાલુ છે.

 આરોપીના નામ૧. ગણેશ ઉર્ફે ગણીયો બચુભાઈ રાજપુત - અગાઉના ૨૫થી વધુ ગુનામાં સંડોવાયેલ૨. મહેશ ઉર્ફે મુન્નો ઓમપ્રકાશ - મજૂરી કામદાર૩. વિજય ઉર્ફે કચ્‍ચો રાઠોડ - વાહન સર્વિસ કામદાર૪. અપ્‍પા જગન્નાથ વાઘમારે - રિક્ષા ડ્રાઈવર 

(4:03 PM IST)