<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 29th July 2025

આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ : વાઘની સુંદરતા-ફાયદાકારક કે નુકશાનકારક ?

ઘણાં લોકો ઘરમાં બિલાડીઓ પાળવાનાં શોખીન હોય છે. વિશ્વમાં બિલાડી કુળની ૪૧ પ્રજાતિઓ અને ૯૨ ઉપ-પ્રજાતિઓ છે. વિશ્વની સૌથી નાની બિલાડી તામ્રવર્ણ ચકતાંવાળી બિલાડી (રસ્ટી સ્પોટેડ કેટ) છે. તેનું વજન ૯૦૦ ગ્રામથી ૧૬૦૦ ગ્રામ અને કદ આશરે ૪૮ સેન્ટીમીટર નું હોય છે. જ્યારે સૌથી મોટી બિલાડી વાઘ છે. વાઘની ૯ ઉપ-પ્રજાતિઓ માંથી હાલ ૬ ઉપ-પ્રજાતિઓ અસ્તિત્વમાં છે. સાઈબેરીયન અથવા અમુર વાઘ અતિશય ઠંડા બર્ફાચ્છાદીત પ્રદેશમાં રહે છે, અને તે કદમાં સૌથી મોટો છે. તેની લંબાઈ ૩૦૫ સેન્ટીમીટર અને વજન ૩૦૦ કિલો ગ્રામ હોય છે. આપણને નવાઈ લાગે કે આટલાં મોટાં વાઘનાં પૂર્વજો આપણી પાળેલી બિલાડી કરતાં પણ નાનાં હતા! વાઘ આશરે ૨૦ લાખ વર્ષ પહેલાં ચીનમાં ઉદભવેલ. હાલનાં વાઘ જેવાં પ્રાણીનાં અશ્મિઓ દક્ષિણ એશિયા, ચીન, જાવા અને સુમાત્રા માંથી મળી આવ્યાં છે. આપણાં દેશમાં વાઘ ૧૨,૦૦૦ થી ૧૬,૫૦૦ વર્ષ પહેલાં આવ્યાં. સાયબેરીયન વાઘ -૪૦ ડિગ્રી સેલ્સિયસ અને ભારતનાં રોયલ બેંગાલ ટાઇગર ૅ૪૩ ડિગ્રી સેલ્સિયસ ધરાવતાં તદ્દન અલગ વાતાવરણમાં રહે છે! ઘણાંને મિત્રોને ખ્યાલ નહીં હોય કે રશિયાનો અડધો વિસ્તાર યુરોપ ખંડમાં અને અડધો એશિયા ખંડમાં છે. આ બર્ફાચ્છાદીત અમુર પ્રદેશ પણ એશિયામાં જ આવેલ છે.

વાઘની સુંદરતા - ફાયદાકારક કે નુકશાનકારક?

જબ્બર માથું, ૭ સેન્ટીમીટર લાંબા રાક્ષી દાંત, ગાદી વાળા મોટાં પંજા, ૧૦ સેન્ટીમીટર લાંબા નખ, એક મીટર લાંબુ પૂછડું અને પીળાશ પડતાં નારંગી રંગની લીસી રુવાટી વાળી ચમકતી ચામડી પર આકર્ષક કાળા રંગનાં ઉભાં પટ્ટા અને સ્નાાયુબદ્ધ શરીર ધરાવતાં મદ મસ્ત છટા થી વિહરતાં વાઘને ખુલ્લાં જંગલમાં જોવો એ જિંદગીનો કદી ના ભુલાય તેવો લહાવો છે. કમનસીબી ની બાબત એ છે કે તેમની આ સુંદરતા જ સેંકડો વાઘોનાં મોતનું કારણ બનેલ છે. મોગલ બાદશાહો, રાજા-મહારાજાઓ અને બ્રિટિશ અધિકારીઓએ ટ્રોફી હન્ટિંગ, સ્પોર્ટ કે ગેમ નાં નામે હજારો વાઘો નાં શિકાર કર્યા છે. તે ઓછું હોય તેમ વિએટનામ અને ચીન જેવાં દેશોમાં પારંપરિક દવાઓ બનાવવાં માટે વાઘની સૌથી વધુ માંગ છે. વન્યપ્રાણીઓની સુરક્ષા માટે આપણાં દેશમાં કડક કાયદાઓ બનેલ છે, તેમ છતાં આંતરરાષ્ટ્રીય બજારમાં વાઘનાં હાડકાં, નખ, ચામડી, વિગેરે જેવાં શરીરનાં વિવિધ અંગો માટે અઢળક નાણાં મળે છે, તેથી શિકારીઓથી વાઘો ને બચાવવાં એ હંમેશ માટેની એક પડકારરૃપ સમસ્યા છે. છેલ્લાં ૧૦૦ વર્ષોમાં ૩૦ દેશોમાંથી હાલ માત્ર ૧૦ દેશોમાં જ વાઘ બચ્યાં છે. તેની વૈશ્વિક સંખ્યા ૧,૦૦,૦૦૦ માંથી ઘટીને માત્ર ૫,૫૭૪ થઈ ગઈ છે. અનેક માનવીય પ્રવૃત્તિઓને હિસાબે વાઘને રહેવાં માટે જરૃરી કુદરતી વન વિસ્તારો ૯૩ ટકા ઘટી ગયાં છે. ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર નાં રેડ લિસ્ટ માં વાઘનું સ્ટેટ્સ ભયગ્રસ્ત (એન્ડેન્જર્ડ EN) છે, તો અમુક ઉપ-પ્રજાતિઓનું સ્ટેટ્સ અતિશય ભયગ્રસ્ત (ક્રિટીકલી એન્ડેન્જર્ડ ઘ્ય્) છે. આપણાં દેશમાં વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ - ૧૯૭૨ માં વાઘને શેડ્યુલ-૧ માં રાખી મહત્તમ સુરક્ષા આપેલ છે. તેનાં શિકાર માટે સાત વર્ષની સખત કેદની સજા ની જોગવાઈ છે.

ગ્લોબલ ટાઈગર ડે  અને પ્રોજેકટ ટાઈગર

રશિયામાં અમુર કે સાયબેરીયન વાઘ ની સંખ્યા ખૂબ જ ઘટી ગઈ હતી. તેથી તેનાં અને વાઘની બીજી ઉપ-પ્રજાતિઓ નાં સંરક્ષણ માટે વિશ્વભરમાં જાગૃતિ ફેલાવવા ૨૯ જુલાઈ ૨૦૧૦ ના રોજ રશિયાનાં પીટસબર્ગ શહેરમાં વ્લાડીમીર પુટીન નાં પ્રમુખ સ્થાને અધિવેશન યોજાયેલ, અને તે દિવસને જ આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ તરીકે ઉજવવાનો નિર્ણય લેવાયો. ભારતમાં તો તારીખ ૧ લી એપ્રિલ ૧૯૭૩ નાં રોજ કેન્દ્ર સરકાર દ્વારા  પ્રોજેકટ ટાઈગર શરૃ કરવામાં આવ્યો હતો. સ્વ. શ્રી કૈલાશ સંખાલા પ્રોજેકટ ટાઈગર નાં પિતામહ કહેવાય છે.

ભારતમાં વાઘની વસ્તી  અને હોમ રેન્જ

આપણાં દેશમાં વાઘનો સર્વ પ્રથમ વસ્તી અંદાજ ૨૦૦૬ માં કરવામાં આવેલ. ત્યારે ૧,૪૧૧ વાઘ હતાં. ૨૦૨૨ માં પાંચમી વાઘ ગણતરી વખતે ૩,૬૮૨ ની સંખ્યા થઈ હતી. આમ વિશ્વનાં આશરે ૭૫્રુ વાઘ ભારતમાં વસે છે. ૧૮ રાજ્યોમાં ૫૮ ટાયગર રિઝર્વસ જાહેર થયેલ છે. આ બધાં ટાઈગર રિઝર્વસનો કુલ વિસ્તાર ૭૮,૦૦૦ વર્ગ કિલોમીટર છે. જો કે તેમાંથી પાંચ ટાઈગર રિઝર્વસ માં એક પણ વાઘ નથી. મધ્યપ્રદેશનાં ૯ આરક્ષિત વિસ્તારોમાં સૌથી વધારે ૭૮૫ વાઘ છે. કર્ણાટક, ઉત્તરાખંડ અને મહારાષ્ટ્ર રાજ્યમાં અનુક્રમે ૫૬૩, ૫૬૦ અને ૪૪૪ વાઘ છે. ઉત્તરાખંડ નાં જીમ કોર્બેટ રાષ્ટ્રીય ઉદ્યાનમાં સૌથી વધારે ૨૬૦ વાઘ છે. વાઘનાં જંગલોમાં વાઘ અમ્બ્રેલા સ્પીસીસ એટલે કે જંગલનું રક્ષણ કરતી સુરક્ષા છત્ર સમાન પ્રજાતિ છે.

મનુષ્ય સાથે ઘર્ષણનાં બનાવો

વાઘની વધતી જતી વસ્તી આરક્ષિત વિસ્તારોની બહાર મનુષ્ય વસાહતો ની અંદર પણ ફેલાઈ રહી છે, તેથી મનુષ્ય સાથે ઘર્ષણનાં બનાવો પણ બને છે. હાઇવે અને રેલ્વેનાં પાટાઓ પર અકસ્માતે વાઘો નાં મૃત્યુ થાય છે. ક્યારેક વૃદ્ધાવસ્થા કે ઈજાને કારણે વાઘ શિકાર ન કરી શકતો હોય, ત્યારે તે હુમલાખોર કે માનવભક્ષી બની જાય, તો તેને પકડીને પ્રાણી સંગ્રહાલયમાં રાખી દેવો પડે છે. વાઘ આપણું ખૂબ જ પ્રિય પ્રાણી છે. જ્યારે તેને ઉપર જણાવ્યાં મુજબનાં સંયોગોમાં અલાયદો કરવો પડે કે કાયમ માટે પાંજરામાં પૂરી દેવો પડે, અથાગ પ્રયાસો છતાં જો ન પકડી શકાય તો મારવો પણ પડે, ત્યારે સ્વાભાવિક રીતે જ લોકોમાં સખત આક્રોશ જોવાં મળે છે. હુમલાખોર કે માનવભક્ષી વાઘથી બચવા કે બદલો લેવા માટે ગામનાં લોકો દ્વારા મૃત પશુ પર ઝેર છાંટી કે અન્ય રીતે તેને મારી નાંખવાના બનાવો પણ બને છે. જો આવાં વાઘને વન વિભાગ દ્વારા સત્વરે પકડવામાં ન આવે તો આવાં બનાવોમાં સામેલ ન હોય તેવાં નિર્દોષ વાઘો પણ લોકોનાં રોષનો ભોગ બની શકે છે. તેથી મનુષ્ય તેમજ વાઘ એ બંનેની સુરક્ષા માટે આવાં ઙ્કપ્રોબ્લેમેટિકઙ્ખ વાઘને પાંજરે પુરવા અત્યંત જરૃરી છે. આ પ્રકારનાં કપરાં નિર્ણયો નેશનલ ટાઇગર કન્ઝર્વેશન ઓથોરિટી ની માર્ગદર્શિકા પ્રમાણે નિષ્ણાંતો દ્વારા લેવાય છે, તેથી તેમનાં નિર્ણયોમાં વિશ્વાસ રાખવો જોઈએ.

શું વાઘ પાણીમાં તરી શકે?

પ્રાણીઓનાં માથાનું વજન ઓછું હોય છે, તેથી દરેક પ્રાણી તરી શકે છે. સિંહ, દીપડા જેવાં બિલાડી કુળનાં પ્રાણીઓ સામાન્ય રીતે પાણીથી દૂર રહે છે, પરંતુ વાઘને પાણી ખૂબ જ પ્રિય છે, અને તેને ઘણી વખત પાણીમાં બેસેલ જોવાં મળે છે. તેનાં નાનાં બચ્ચાંઓ પણ પાણીમાં રમતાં હોય છે.

કુદરતે વાઘને પ્રચંડ શકિતશાળી શિકારી બનાવેલ છે. તે ૧૦ મીટર લાંબી છલાંગ અને ૬ મીટર ઊંચો કુદકો મારી શકે છે. જ્યારે ટેરિટરી માટે કે બીજાં કોઈ કારણોસર બે વાઘો વચ્ચે ખૂંખાર લડાઈ થાય, ત્યારે મુહમ્મદ અલી (માઈક ટાઇસન) અને જો ફ્રેઝિયર જેવાં હેવી વેઇટ મુક્કાબાજો બોકિંસગ કરતાં હોય, તેવી રીતે પાછળનાં બે પગે ઊભાં થઈ એકબીજાં પર પ્રહાર કરે ત્યારે સમગ્ર જંગલ ગાજી ઉઠે છે.

ધરતીનું સૌથી મોટું પ્રાણી હાથી છે અને સામાન્ય રીતે બીજાં કોઈ પ્રાણીઓ તેનાં પર હુમલો કરવાની હિંમત કરતાં નથી, પરંતુ મધ્યપ્રદેશના બાંધવગઢ રાષ્ટ્રીય ઉદ્યાન માં એક વાઘ ઘણી વખત હાથી સામે પણ ચાર્જ કરતો, તેથી તેનું નામ ચાર્જર પડી ગયું હતું. મુલાકાતઓ, વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફર્સ અને સિનેમેટોગ્રાફર્સ માં ચાર્જર ખૂબ જ પ્રિય હતો. ઘણી ટેલિવિઝન ચેનલો પર ડોક્યુમેન્ટરીઝ માં આવી ચાર્જર હંમેશ માટે અમર થઈ ગયો છે.

ભારતનું રાષ્ટ્રીય પ્રાણી

ભૂતકાળમાં એશિયાઈ સિંહ ભારતનું રાષ્ટ્રીય પ્રાણી હતો. ઇન્ડિયન બોર્ડ ફોર વાઇલ્ડલાઇફ (હાલ નેશનલ બોર્ડ ફોર વાઇલ્ડલાઈફ) દ્વારા નવેમ્બર ૧૯૭૨ માં સિંહ નાં સ્થાને વાઘને રાષ્ટ્રીય પ્રાણી બનાવવાનો નિર્ણય લેવાયો. ૧ લી એપ્રિલ ૧૯૭૩ થી પ્રોજેકટ ટાઈગર ની જાહેરાત સાથે આ નિર્ણયનું અમલીકરણ થયું.

ગ્લોબલ ટાઈગર ડે - ૨૦૨૫ ની થીમ

આંતરરાષ્ટ્રીય કક્ષાએ સ્થાનિક લોકોમાં જાગૃતિ ફેલાવી, તેમનાં સહયોગથી વાઘોનું સંરક્ષણ અને સંવર્ધન વધારે સારી રીતે કરવાની છે.

અકિલા દૈનિક નાં વન્યપ્રાણી પ્રેમી વાંચકોને આંતરરાષ્ટ્રીય વાઘ દિવસની અનેક શુભેચ્છાઓ. 

આલેખનઃ ભૂષણ પંડ્યા

પૂર્વ સભ્ય, સ્ટેટ બોર્ડ ફોર વાઇલ્ડલાઇફ,

વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફર.

મો. ૯૧ ૯૪૨૮૨ ૦૩૧૧૭

ઈ-મેલ: [email protected]

સાભાર તસ્વીર સૌજન્યઃ

શ્રી કાકુભાઈ કોઠારી

સાભાર સૌજન્યઃ  શ્રી જયદેવસિંહ જાડેજા

(4:00 PM IST)