<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 29th July 2025

વડોદરામાં પણ 40 જેટલી સરકારી ઇમારતોમા ચકાસણી : દરરોજ સેંકડો લોકોની અવરજવર ધરાવતી નર્મદા ભવન ઇમારત અત્યંત જર્જરિત હોવા છતા માત્ર રીપેરીંગની જરૂરિયાત હોવાનુ સૂચવાતા સવાલો ઉઠ્યા

વર્ષો જુની આ બહુમાળી નર્મદા ભવન બિલ્ડીંગનું સ્ટ્રક્ચર અત્યંત નબળું,ઇમારતમાં પોપડા ખરી રહ્યા છે કાટ ખવાઇ ગયેલા સળિયા દેખાઇ રહ્યાં છે બિલ્ડિંગની આટલી નબળી પરિસ્થિતિ હોવાથી સરકારી કામો માટે આવતાં નાગરિકોને દુર્ઘટનાનો ડર

અમદાવાદ તા.૨૯ : ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ રાજ્ય સરકાર રાજ્યભરમાં આવેલ સરકારી બાંધકામોની ચકાસણી કરવામાં લાગી છે. રાજ્યનાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા વડોદરામાં પણ 40 જેટલી સરકારી ઇમારતો ચકાસવામાં આવી છે. જેમાં દરરોજ સેંકડો લોકોની અવરજવર ધરાવતી નર્મદા ભવન ઇમારતને અત્યંત જર્જરિત હોવા છતા માત્ર રીપેરીંગની જરૂરિયાત હોવાની સૂચવાતા સવાલો ઉઠ્યા છે.

ગંભીરા દુર્ઘટના બાદ રાજ્યભરમાં આવેલ જૂના સરકારી બાંધકામો સવાલોના ઘેરામાં છે. ફરી કોઈ દુર્ઘટનાનું પુનરાવર્તન ન થાય તે માટે રાજ્ય સરકારે તાકીદે તમામ જૂના સરકારી બાંધકામોનું ચેકિંગ શરૂ કરી દીધું છે. જેમાં વર્ષો જુના બ્રિજો પર તો ભાર મુકવામાં આવી રહ્યો છે પણ સાથે સરકારી ઇમારતોની સ્થિતિ પણ ચકાસવામાં આવી રહી છે. સરકારની સુચના બાદ વડોદરા માર્ગ અને મકાન વિભાગે તેનાં તાબા હેઠળ આવતી 40 સરકારી ઇમારતોની ચકાસણી કરી, જે પૈકી બે ઇમારતો અત્યંત જર્જરિત હોવાથી તેને ખાલી કરાવી તોડી પાડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

 

જો કે માર્ગ અને મકાન વિભાગે ચકાસેલી આ 40 સરકારી ઇમારતો પૈકી સૌથી વધુ પબ્લિક અવરજવર ધરાવતી વડોદરાની બે મુખ્ય સરકારી બહુમાળી ઇમારતો પ્રત્યે તંત્ર ઉદાસીનતા દાખવી રહ્યું હોય તેવું લાગે છે. કારણ કે, R&B વિભાગે આ બંને પૈકી કુબેર ભવન ઈમારતને વપરાશ લાયક જાહેર કરી છે. જ્યારે રાજ્ય સરકારનાં જુદા-જુદા વિભાગોની સંખ્યાબંધ ઓફિસો ધરાવતી નર્મદા ભવન બિલ્ડીંગ જર્જરિત થઇ ગઇ હોવા છતા તેને માત્ર રીપેરીંગની જરૂરિયાત હોવાનો રિપોર્ટ કરાયો છે. વર્ષો જુની આ બહુમાળી નર્મદા ભવન બિલ્ડીંગનું સ્ટ્રક્ચર અત્યંત નબળું પડી ગયું છે.ઇમારતમાં પોપડા ખરી રહ્યા છે. ખરી ગયેલાં પોપડામાંથી કાટ ખવાઇ ગયેલા સળિયા દેખાઇ રહ્યાં છે. બિલ્ડિંગની આટલી નબળી પરિસ્થિતિ હોવાથી અહીં સરકારી કામો માટે આવતાં નાગરિકોને દુર્ઘટનાનો ડર સતાવી રહ્યો છે.

(4:47 PM IST)