<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 29th July 2025

અમદાવાદના વસ્ત્રાલમાં આતંક મચાવનાર ગેંગનો મુખ્ય સાગરીત પંકજ ભાવસાર આખરે ઝડપાયો

જાહેર રોડ પર હાથમાં લાકડી અને તલવારો લઈને અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો અને રસ્તે જતા રાહદારી પર જીવલેણ હુમલો કર્યો હતો

અમદાવાદના વસ્ત્રાલમાં થોડા મહિનાઓ પહેલા હોળીની આગલી રાત્રે બનેલી ઘટનાઓ સમગ્ર રાજ્યને હચમચાવી નાખ્યું હતું. જાહેર રોડ પર હાથમાં લાકડી અને તલવારો લઈને અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો અને રસ્તે જતા રાહદારીઓ પર પણ જીવલેણ હુમલો કર્યો હતો. જે કેસમાં પોલીસે અનેક આરોપીઓને પકડ્યા અને કોર્પોરેશને તેઓનાં ઘર પર બુલડોઝર પણ ફેરવી નાખ્યું, પરંતુ મુખ્ય આરોપી ફરાર હતો જેને 4 મહિના બાદ પકડી પાડવામાં આવ્યો છે. વિસ્તારમાં ચાલતા ગેંગ વોર અને વર્ચસ્વની લડાઈમાં આ બનાવ બન્યો હતો.

4 મહિનાં પહેલા હોળીની આગલી રાત્રે વસ્ત્રાલ વિસ્તારમાં જાહેર રોડ પર લુખ્ખા તત્વોએ તાંડવ મચાવ્યો હતો. હાથમાં હથિયારો લઈને જે વાહન કે વ્યક્તિ સામે દેખાય તેનાં પર ધોકાબાજી કરવામાં આવી હતી, જે ઘટનાની ગૂંજ વિધાનસભા સુધી પહોંચી હતી, જેમાં જે તે સમયે પોલીસે અનેક આરોપીઓની ધરપકડ કરી તેનો વરઘોડો પણ કાઢ્યો હતો. પોલીસની તપાસમાં સામે આવ્યું હતું કે વિસ્તારમા રહેલા બે શખ્સો જેમનાં નામ સંગ્રામ સીકરવાર અને પંકજ ભાવસાર છે તે બન્ને વચ્ચે કોલ્ડ ગેંગ વોર ચાલતો હતો અને તે બાબતને લઈને પંકજ ભાવસારની ગેંગે આ બનાવને અંજામ આપ્યો હતો. જોકે આ ઘટના બાદ મુખ્ય આરોપી પોલીસ પકડથી દૂર રહેતા અમદાવાદ ક્રાઈમ બ્રાંચ સહિતની એજન્સીઓ તેની શોધખોળ કરી રહી હતી, તેવામાં ક્રાઈમ બ્રાંચે ઉત્તરપ્રદેશથી આ ગેંગનાં મુખ્ય સુત્રધાર પંકજ ઉર્ફે સરકાર ભાવસાર, અશ્વિન નાડિયા અને આશુતોષ પિલ્લેને પકડી પાડ્યા છે.

આરોપી પંકજ ઉર્ફે સરકાર ભાવસારનો માસીનો દીકરો સોનું ઉર્ફે ટેકા નામદાર રાજસ્થાન ખાતેથી વેપાર કરવા અમદાવાદ આવ્યો હતો. તેણે વસ્ત્રાલ, સુરેલીયા શાશ્વત મહાદેવ, લંકાધીશ પાનના ગલ્લા પાસે અલગ અલગ વેપાર કરતાં લારીઓ વાળા પાસે પકોડીની લારી મુકતાં સંગ્રામ સિકરવારએ લારી મુકવાની ના પાડી હતી. જેથી 12મી માર્ચ 2025નાં રોજ પંકજ ભાવસારે સંગ્રામ સિકરવારને ફોન કરી વાત કરતાં તેણે લારી મુકવાની ના પાડી અને જગ્યા ઉપર બોલાવતાં પંકજ ભાવસાર ત્યાં ગયો હતો અને દુરથી જોતો સંગ્રામ સિકરવાર તેની સ્કોર્પીયો કારમાં કેટલાક માણસો સાથે બેઠેલો જોયો હતો. જેથી પંકજ તેની પાસે ગયો ન હતો અને સંગ્રામ સિકરવારે પંકજ ભાવસારને ફોન કરી બીજા દિવસે સવારે મળવા આવવાનું કહી નહીં આવે તો તારા ધરમાં ઘુસીને મારીશ એ રીતેની ધમકી આપી હતી. પંકજ ભાવસારે પોતાના મિત્રોને વાત કરતાં 13મી માર્ચનાં રોજ કામદારના મેદાનની આગળ આવેલ એક ખુલ્લા મેદાનમાં સવારના દશ વાગે પંકજ ભાવસાર અને તેના મિત્રો ભેગા થયા હતા.

13મી માર્ચે પંકજ ભાવસાર અને તેના મિત્રો ભેગા થયેલ જ્યાં અલદીપ મોરીયા, રોહિત ઉર્ફે દુર્લભ, આશુતોષ ઉર્ફે આશુ, અશ્વિન ઉર્ફે ખાટુ, ગોવિંદ ઉર્ફે દદ્દા, રવિ ગડરીયા, રાજીવ તોમર ઉર્ફે બી.આર.એસ. તોમર જેની પાસે રિવોલ્વર હતી, પ્રદીપ, અલ્કેશ યાદવ, રાજવીર બિહોલા, સોનુ ઠાકોર, પ્રશાંત ઉર્ફે વિકી ચૌહાણ, સુરજ રામધારી ગુપ્તા, દિપુ સિંધી, સાહિલ ચૌહાણ, સાહિલ પરિહાર, વિકાસ પરીહાર, આયુષ રાજપુત, આશિષ મકવાણા, મયુર, અંકિત, નરેશ પરમાર, રાજ ઉર્ફે ભુરો, નિગમ, કેયુર રબારી, શ્યામ કામલે, નિખીલ ચૌહાણ, રાકેશ પંડિત, વિમલ શર્મા, ગોવિંદ યાદવ, મહેશ યાદવ, પ્રદીપનો ભાઈ ગુજ્જર, ભાવેશ પરમાર, આશુ કથારીયા એ રીતેના ભેગા થયેલ હતા. ત્યાં ગોવિંદ ઉર્ફે દદ્દાએ પંકજ ભાવસારને ચિંતા કરતો નહીં હું બધુ જોઈ લઈશ. એ રીતે તેને ઉશ્કેર્યો હતો.

પંકજ ભાવસારે રાત્રે સંગ્રામને ફોન કરી બાદમાં વિસ્તારમા બોલાવ્યો હતો અને તમામ આરોપીઓએ તલવાર, ચપ્પુ, લાકડીઓ વિગેરે હથીયારો સાથે સુર્યમ વસ્ત્રાલ આર.ટી.ઓ. આગળ રોડ ખાતે ગયા હતા.ત્યાં સંગ્રામ સિકરવાર નહીં મળતાં પંકજ ભાવસાર તથા તેની સાથે આવેલ તમામ માણસોએ ત્યાં લારી ગલ્લા, દુકાનો બંધ કરાવવાનું ચાલુ કર્યું તેમજ રોડ રસ્તાઓ બંધ કરી તોડફોડ કરેલ આ વખતે રાજીવ ઉર્ફે બી.આર.એસ. તોમરે તેની પાસેની રિવોલ્વરથી ફાયરીંગ પણ કર્યું હતું. બાદમાં પોલીસ આવતા તમામ આરોપી ત્યાંથી ભાગી ગયા હતા.

પંકજ અલગ અલગ રાજ્યોમાં નાસતો ફરતોઆ બનાવ સમયે પંકજ ભાવસાર ઘટના સ્થળ પાસે એક ગાડીમાં જ બેઠો હતો, જોકે બનાવ ગંભીર બનતા તે રાત્રે વટવા કેનાલ ખાતે પોતાના મિત્ર હિમાંશુ તોમરના ઘરે સુઈ ગયો હતો અને બાદમાં ઈન્સ્ટાગ્રામ આઈડીથી અશ્વિન ઉર્ફે ખાટુને ફોન કરી અશ્લાલી બ્રીજ પાસે બોલાવી બંને જણા એક્સેસ ઉપર વડોદરા ગયા હતા. ત્યાંથી બસમાં ભીલવાડા અને બાદમાં ટ્રેનમાં યુ.પી.નાં સુલતાનપુર ઢકવા ગામ ખાતે બિમલ પંડિતના ઘરે પહોંચ્યો હતો. ત્યારબાદ કાનપુર જયેન્દ્રના ઘરે, એમ.પી. ભીંડ, ગોરેગાંગ ગોવિંદ યાદવના ઘરે, દિલ્હી, મીઠાપુર ખાતે રાહુલના ઘરે, રાહુલના મામાના લગ્નમાં વારાણસી ખાતે, છેલ્લે યુ.પી. ઝાંસી મોઢ ગામ ખાતે ભાડાના મકાનાં રહ્યો હતો. આરોપી પાસે બચતના 50 હજાર રોકડા હતા. જે રૂપીયા પુરા થતાં પોતે પોતાની એક્ટીવા વેચાણ કરી નાખી હતી.

આરોપીઓ એકબીજાનો સંપર્ક કરવા ઈન્સ્ટ્રાગ્રામ એપ્લીકેશનથી મેસેજ અને કોલ કરતા હતા. આ આરોપીઓમાં પંકજ ભાવસાર સામે અગાઉ 11 થી વધુ ગુના નોંધાયેલા છે, આશુતોષ અને અશ્વિન પણ ગુનાહિત ઈતિહાસ ધરાવે છે, તેવામા આ કેસની તપાસ હવે ક્રાઈમ બ્રાંચને સોંપવામાં આવતા આરોપીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરવામાં આવશે.

(7:38 PM IST)