તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Wednesday, 30th July 2025
સૌરાષ્ટ્ર-કચ્છને ભારે વરસાદ માટે હજુ રાહ જોવી પડશે: રવિવારથી છૂટાછવાયા ઝાપટા જ પડશે: પરેશ ગોસ્વામી
બંગાળની ખાડીમાં સક્રિય થયેલી સિસ્ટમ ધીમે-ધીમે ગુજરાતથી દૂર નીકળીને નબળી પડતા આગામી બે દિવસ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને મધ્ય પ્રદેશની સરહદને અડીને આવેલા જિલ્લાઓમાં સારો એવો વરસાદ પડશે

અમદાવાદ : બંગાળની ખાડીમાં સક્રિય થયેલી સિસ્ટમ ગુજરાત પરથી પસાર થતાં ગત શનિવારે રાતથી રાજ્યમાં મેઘરાજા તોફાની બેટિંગ કરી રહ્યાં હતા. ખાસ કરીને ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ વરસ્યો હતો. જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છને માત્ર છૂટાછવાયા ઝાપટાથી જ સંતોષ માનવો પડ્યો હતો. આમ પણ આ વર્ષે સૌરાષ્ટ્રમાં સરેરાશ કરતાં એકંદરે ઓછો વરસાદ વરસ્યો છે, ત્યારે જાણીતા હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ આવનારા દિવસોમાં સૌરાષ્ટ્ર-કચ્છ ભારે વરસાદથી વંચિત રહેશે તેવી આગાહી કરી છે.
પરેશ ગોસ્વામીના જણાવ્યા પ્રમાણે, બંગાળની ખાડીમાં સક્રિય થયેલી સિસ્ટમ ધીમે-ધીમે ગુજરાતથી દૂર નીકળીને નબળી પડતી જાય છે. જેના કારણે આગામી બે દિવસ એટલે કે 31 જુલાઈ સુધી રાજ્યમાં વરસાદનું જોર રહેશે. આ બે દિવસ દરમિયાન ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને મધ્ય પ્રદેશની સરહદને અડીને આવેલા જિલ્લાઓમાં સારો એવો વરસાદ પડશે. જ્યારે પહેલી અને બીજી ઓગસ્ટ દરમિયાન ઉત્તર-મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં હળવા સામાન્ય ઝાપટા જોવા મળી શકે છે.
ચોમાસાના આ રાઉન્ડમાં સૌરાષ્ટ્ર-કચ્છમાં માત્ર છૂટાછવાયા ઝાપટા જ પડી શકે છે. આગામી 2 દિવસ સુધી સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદની હાલ કોઈ શક્યતા દેખાતી નથી.
વધુમાં હવામાન નિષ્ણાંતે જણાવ્યું કે, અગાઉ આપણે આગાહી કરી હતી. જેમાં સ્પષ્ટ જણાવ્યું હતું કે, બંગાળની ખાડીમાંથી જે સિસ્ટમ આવી રહી છે, તે દક્ષિણ ગુજરાત ઉપર થઈ સૌરાષ્ટ થઈને પસાર થશે અથવા તો મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના ભાગોને અસર કરે, તેમ બે પૈકી કોઈ એક ટ્રેક પર જશે. ગત શનિવારે રાતે જે સિસ્ટમ આવી તે, મધ્ય પ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારમાંથી મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના ટ્રેક પર આગળ વધી હતી. જેના પરિણામે આ ભાગોમાં સારો એવો વરસાદ નોંધાયો અને સૌરાષ્ટ્ર-કચ્છને આ સિસ્ટમનો ખાસ લાભ નથી થયો.
(12:53 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
