<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 30th July 2025

ગાંધીયુગના કવિ અને સાક્ષર પ્રેમશંકર ભટ્ટ : ૪૯ મી પુણ્‍યતિથિ

 

રાજસીતાપુર, ગુજરાત : ગુજરાતી સાહિત્‍ય જગતના અગ્રણી કવિ, નવલકથાકાર, વિવેચક અને પ્રાધ્‍યાપક પ્રેમશંકર ભટ્ટનો જન્‍મ ૩૦ ઓગસ્‍ટ, ૧૯૧૪ ના રોજ રાજસીતાપુર ખાતે થયો હતો. તેમનું કાવ્‍ય ‘ભૂકંપોના લાખ હૈયે બળે દા' ખોળો ખૂંદે ઘોર સંહાર યજ્ઞ નિત્‍યે આવા વેદના ઘાવ રહેતા શેં દિસે માં નેત્રપદમો પ્રસન્ન?' તેમની ગહન વિચારધારા અને સંવેદનશીલતાનો પરિચય કરાવે છે.

શૈક્ષણિક અને કારકિર્દી પ્રવાસ

પ્રેમશંકર ભટ્ટે ૧૯૩૮ માં મુંબઈ યુનિવર્સિટીમાંથી સુવર્ણચંદ્રક સાથે બી.એ.ની ડિગ્રી મેળવી હતી, ત્‍યારબાદ ૧૯૪૦ માં શામળદાસ કોલેજ, ભાવનગરથી એમ.એ.ની ડિગ્રી પ્રાપ્ત કરી. તેમણે શરૂઆતમાં બર્મા શેલ કંપનીમાં કાર્ય કર્યું, પરંતુ અધ્‍યાપન પ્રત્‍યેના તેમના લગાવને કારણે તેઓ મુંબઈની ખાલસા કોલેજ, સિદ્ધાર્થ કોલેજ, અને ત્‍યારબાદ અમદાવાદની સ્‍વામિનારાયણ આર્ટસ અને સાયન્‍સ કોલેજ, ધાંગધ્રા કોલેજ, અને દહેગામ કોલેજના પ્રિન્‍સિપાલ તરીકે ૩૦ થી વધુ વર્ષો સુધી સેવા આપી ગુજરાતી શિક્ષણ ક્ષેત્રે અમૂલ્‍ય યોગદાન આપ્‍યું.

સાહિત્‍યિક પ્રદાન

આ ગાંધીયુગના કવિનો પ્રથમ કાવ્‍યસંગ્રહ 'ધરીત્રી' ૧૯૪૩ માં અને અંતિમ કાવ્‍યસંગ્રહ 'દીપ બુઝાયો' ૧૯૭૬ માં પ્રગટ થયો. તેમના અન્‍ય નોંધપાત્ર કાવ્‍ય પ્રકાશનોમાં 'તીર્થોદક', 'ચયનિકા', 'મહારથી કર્ણ', અને 'અગ્નિ જ્‍યોત' નો સમાવેશ થાય છે. પરંપરાગત કાવ્‍ય પ્રણાલી ઉપરાંત, છંદ પરનું તેમનું પ્રભુત્‍વ, લાલિત્‍ય અને ચારુતા અદભુત હતા.

તેમના વિવેચન અને સાહિત્‍યિક લેખોનો સંગ્રહ 'મધુપર્ક' મુંબઈ યુનિવર્સિટીના ગુજરાતી બી.એ. અભ્‍યાસક્રમમાં પાઠ્‍યપુસ્‍તક તરીકે પ્રકાશિત થયેલ છે. તેમના કાવ્‍યો અને પદ્ય રૂપકો વિવિધ શાળાઓના પાઠ્‍યપુસ્‍તકોમાં પણ સ્‍થાન પામ્‍યા છે. 'શ્રી મંગલ-નાટ્‍ય રૂપકો' મુંબઈના ભારતીય વિદ્યાભવનમાં વારંવાર રજૂ થયા હતા. આ ઉપરાંત, તેમના વિવેચન સંગ્રહમાં 'આચમન', 'સુદામાચરિત્ર', 'પ્રેમામૃત', અને નવલકથા 'આછા ઉજાસ ઘેરા અંધકાર' નો સમાવેશ થાય છે.

વહીવટી અને સલાહકાર ભૂમિકાઓ

પ્રેમશંકર ભટ્ટે ગુજરાત યુનિવર્સિટીના સેનેટ સભ્‍ય, એકેડેમિક કાઉન્‍સિલ, ગુજરાતી અભ્‍યાસ સમિતિ, ગુજરાત સરકારની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સલાહકાર સમિતિ અને ગુજરાત યુનિવર્સિટી સાથે સંલગ્ન કોલેજોના આચાર્ય મંડળના પ્રમુખ તરીકે પણ સેવા આપી હતી.

આવા નિષ્‍ઠાવાન પ્રાધ્‍યાપક અને સાક્ષર પ્રેમશંકર ભટ્ટનું અવસાન ૩૦ જુલાઈ, ૧૯૭૬ ના રોજ થયું. તેમનું પ્રદાન ગુજરાતી સાહિત્‍ય અને શિક્ષણ ક્ષેત્રે હંમેશા યાદ રહેશે.

ભૂકંપોના લાખ હૈયે બળે દા',

ખોળો ખૂંદે ધોર સંહાર યજ્ઞ

નિત્‍યે આવા વેદના ધાવ રહેતાં,

શે દીસે મા નેતપદમો પ્રસન્ન ?

વર્ષા કેરું બાજતું જયાં મૃદંગ,

વેણી મધ્‍યે ગૂંથીને ઈન્‍દ્ર ચાપ,

ઢાંકી અંગો સર્વ લીલા દુફુલે,

નતે હૈયે થી ઘરી હર્ષ છાબ ?

તું હૈયામાં વેદના ગૂઢ ભારી

વહાવે ધારા અમૃતા પ્રાણ દાત્રી,

મા! દે એવો મંત્ર તું કે શિખાવી,

જેથી હૈયે ધાવ ઊંડા રૂઝાવી

અર્યું કે જે હોય માંગલ્‍યકારી

થાયે ટૂંકી જિદગી ધન્‍ય મારી.(૩૭.૩)

પ્રેમશંકર ભટ્ટ

: આલેખન : પ્રેમલ ભટ્ટ

મો. ૯૮૨૧૪ ૨૪૯૯૬/ +૧(૭૧૪)૭૪૫-૩૫૬૨

ઈમેઈલ-[email protected]

(11:40 AM IST)