તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Wednesday, 30th July 2025
રાજયસભાની ૪ બેઠકો ખાલી થશે : ગુજરાતમાંથી કોંગ્રેસનું પ્રતિનિધિત્વ જ નહિ રહે
ભાજપના નરહરિ અમીન, રામભાઇ, રમીલાબેન અને કોંગ્રેસના શકિતસિંહ ગોહિલ સાંસદ પદેથી નિવૃતિ તરફ : એપ્રિલ-મે માં ચૂંટણી : રાજયમાંથી રાજયસભામાં કોંગ્રેસના એકેય સભ્ય જ ન રહે તેવું અભૂતપૂર્વ સ્થિતિ સર્જાશે : ર૦ર૬ પછી ર૦ર૯માં રાજયસભાની ચૂંટણી

રાજકોટ, તા., ૩૦: ગુજરાતની રાજયસભાની ૪ બેઠકો પર ચુંટાયેલા સભ્યોની મુદત ર૧ જુન ર૦ર૬ના દિવસે પુરી થઇ રહી છે. તેની ચુંટણી એપ્રિલ -મેમાં આવવાપાત્ર છે. નિવૃત થતા સભ્યોમાં ભાજપના નરહરી અમીન, રામભાઇ મોકરીયા, રમીલાબેન બારા અને કોંગ્રેસના શકિતસિંહ ગોહીલનો સમાવેશ થાય છે. રાજયસભાના સભ્ય પદની મુદત ૬ વર્ષની હોય છે. હાલ કોંગ્રેસ પાસે માત્ર ૧ર ધારાસભ્યો અને ભાજપ પાસે ૧૬૧ ધારાસભ્યો છે. કોંગ્રેસ રાજયસભા માટે ઉમેદવારી જ ન કરી શકે તેવી સ્થિતિ છે. જુન ર૦ર૬ પછી ગુજરાતમાંથી રાજયસભામાં કોંગ્રેસના એક પણ સભ્ય ન રહે તેવી અભુતપુર્વ સ્થિતિ સર્જાશે.
ભાજપ દર વખતે રાજયસભાની ચુંટણીમાં મોટાભાગે નો-રીપીટ થીયરી અપનાવે છે. હવે પછીની ચુંટણીમાં ચારેય બેઠકો ભાજપના જ ફાળે જાય તેવા સ્પષ્ટ સંજોગો છે. ચુંટણી વખતે નરહરી અમીન, રામભાઇ અને રમીલાબેન બારાનું રાજકીય ભાવિ નક્કી થઇ જશે. ગુજરાતમાં રાજયસભાની ૧૧ અને લોકસભાની ર૬ બેઠકો છે.
રાજયસભામાં એક માત્ર શકિતસિ઼હ ગોહીલ સભ્ય છે. લોકસભામાં એક માત્ર ગેનીબેન ઠાકોર (બનાસકાંઠા) ચુંટાયા છે. ર૦૦૬ પછી ઓગષ્ટ ર૦ર૯ માં ભાજપના ૩ સભ્યો એસ.જયશંકર, કેસરીસિંહ ઝાલા અને બાબુભાઇ દેસાઇ નિવૃત થશે. ર૦ર૭ની ધારાસભાની ચુંટણીનું પરીણામ ત્યાર પછીની રાજયસભાની ચુંટણીમાં અસર કરશે. હાલ તો જુન ર૦ર૬ થી ઓગષ્ટ ર૦ર૯ સુધી રાજયસભામાં કોંગ્રેસ ગુજરાતમાંથી પ્રતિનિધિ વગરની રહે તેવા સ્પષ્ટ સંજોગો છે. ગુજરાતની સ્થાપના પછી આવુ પ્રથમ વખત બનશે તેવું રાજકીય પંડીતોનું કહેવું છે.
(3:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
