તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 30th July 2025
સુરતથી શરૂ થયેલા અભિયાનથી ગુજરાતમાં 'બાંગ્લાદેશી ઘૂસણખોરો' વિરુદ્ધ લાલ આંખ : ૪૦૦ થી વધુને સુરતથી પરત મોકલાયા!
સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતની ઝુંબેશની રાજ્ય સરકારે નોંધ લીધી : રાજ્યવ્યાપી અભિયાનમાં ૧૦૦૦ થી વધુ ગેરકાયદે બાંગ્લાદેશીઓને પરત મોકલાયા : પશ્ચિમ બંગાળના આધાર કાર્ડ અને વોટિંગ કાર્ડનો ઉપયોગ કરી વસવાટ કરતા હોવાનો ખુલાસો

રાજકોટ : ગુજરાત રાજ્યમાં ગેરકાયદેસર રીતે વસવાટ કરતા બાંગ્લાદેશીઓ સામે રાજ્યવ્યાપી ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. આ અભિયાનની શરૂઆત સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા કરવામાં આવેલી મોહિમથી થઈ હતી. તેમની આગેવાની હેઠળ, સુરત શહેરમાંથી ૪૦૦ થી વધુ પુરુષો, મહિલાઓ અને બાળકો સહિતના ગેરકાયદેસર બાંગ્લાદેશી નાગરિકોને પૂછપરછ બાદ ઝડપી પાડી, તેમને બાંગ્લાદેશ પરત મોકલવામાં આવ્યા છે. રાજ્ય ગૃહ મંત્રાલય દ્વારા સુરત પોલીસ કમિશનરના આ અભિયાનની નોંધ લેવામાં આવતા, રાજ્યવ્યાપી ધોરણે બાંગ્લાદેશીઓને પકડવાનું અભિયાન શરૂ કરાયું હતું, જેમાં ગુજરાતમાંથી કુલ ૧૦૦૦ થી વધુ ગેરકાયદેસર બાંગ્લાદેશીઓને તેમના વતન પરત મોકલવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. આ સંદર્ભે સત્તાવાર માહિતી આગામી સમયમાં ગૃહ મંત્રી દ્વારા આપવામાં આવશે.
સુરતથી શરૂઆત અને રાજ્યવ્યાપી વ્યાપ:
સુરત શહેરમાં છેલ્લા કેટલાક સમયથી વસવાટ કરતા બાંગ્લાદેશીઓ માટે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા એક વિશેષ મોહિમ ચલાવવામાં આવી હતી. આ ઝુંબેશની નોંધ રાજ્ય સરકારે લીધી, જેના આધારે રાજ્યવ્યાપી બાંગ્લાદેશી પકડવાનું અભિયાન શરૂ કરવામાં આવ્યું. સુરતથી શરૂ થયેલી આ ઝુંબેશ રાજ્યભરમાં વિસ્તરી હતી. જાણવા મળ્યું છે કે ઘણા બાંગ્લાદેશીઓ પશ્ચિમ બંગાળના આધાર કાર્ડ અને વોટિંગ કાર્ડના આધારે ગુજરાતના અલગ અલગ શહેરોમાં વસવાટ કરતા હતા.
આ ગંભીર બાબતને ધ્યાનમાં રાખીને, રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ રાજ્યના ડીજીપી વિકાસ સહાયને ગેરકાયદેસર રીતે રહેતા બાંગ્લાદેશીઓને પકડવાનું અભિયાન ચલાવવાનો આદેશ આપ્યો હતો. આ અભિયાનના ભાગરૂપે, સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા સમગ્ર કાર્યવાહી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) ના ડીસીપી રાજદીપસિંહ નકુમ ના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી.
SOG ની સઘન કામગીરી અને કેન્દ્રીય એજન્સીઓની મદદ:
SOG ના પીઆઈ, અધિકારીઓ અને કર્મચારીઓએ સુરત શહેરના ખાસ કરીને ઊન, લાલ ગેટ, સોની ફળિયા, અંબાજી રોડ, રામપુરા વગેરે વિસ્તારોમાં બાંગ્લાદેશીઓ માટે મોહિમ શરૂ કરી હતી. આ કામગીરીમાં પશ્ચિમ બંગાળના સેન્ટર આઈબી (IB) ના અધિકારીઓની પણ મદદ લેવામાં આવી હતી. સુરત શહેરમાંથી પુરુષ, મહિલા અને બાળકો મળીને ૪૦૦ થી વધુ બાંગ્લાદેશીઓને પકડી પાડવામાં આવ્યા હતા અને ભારત સરકાર દ્વારા તમામ બાંગ્લાદેશીઓને તેમના વતન પરત પહોંચાડવામાં આવ્યા હતા.
આ સંદર્ભે, રાજ્યમાંથી સમગ્ર બાંગ્લાદેશીઓને મોકલવા માટે ગૃહ મંત્રાલય અને ભારત સરકાર દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, જેના પરિણામે ગુજરાતમાંથી હજારથી વધુ બાંગ્લાદેશીઓને બાંગ્લાદેશ ખાતે મોકલવામાં આવ્યા હતા. આ બાબતે વધુ માહિતી સત્તાવાર રીતે રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી દ્વારા આપવામાં આવશે. ઉલ્લેખનીય બાબત એ છે કે, સુરતમાંથી પકડાયેલા બાંગ્લાદેશીઓનો રિપોર્ટ ડીજીપી વિકાસ સહાયને કરવામાં આવ્યો હતો, જેના આધારે સમગ્ર ગુજરાતમાં ગેરકાયદેસર રીતે વસવાટ કરતા બાંગ્લાદેશીઓ પકડવાનું અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું અને આ અભિયાનમાં ગુજરાત પોલીસને મહત્વની સફળતા પ્રાપ્ત થઈ હતી.
(8:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
