<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 31st July 2025

દસ્‍તાવેજમાં બે લાખથી વધુની રોકડ હશે તો આઇટીને હવે રોજ જાણ કરાશે

સબ રજિસ્‍ટ્રારો સૂચનાનું પાલન નહીં કરે તો શિક્ષાત્‍મક કાર્યવાહી થશે

 

અમદાવાદ તા.૩૧: સ્‍થાવર મિલકતની તબદિલી કે તેને લગતા દસ્‍તાવેજોમાં અવેજ બે લાખ રૂપિયા કે તેથી વધુ રોકડ સ્‍વરૂપે આપવાનો ઉલ્‍લેખ હોય તો તેની તમામ માહિતી ઈન્‍કમટેક્‍સ વિભાગને સબ રજિસ્‍ટ્રારે રોજ દૈનિક ધોરણે મોકલવાની રહેશે. આ સૂચનાનું પાલન નહીં કરાય તો તે સબ રજિસ્‍ટ્રાર સામે શિક્ષાત્‍મક કાર્યવાહી કરાશે તેવી ચીમકી પણ સ્‍ટેમ્‍પ્‍સ કચેરી દ્વારા ઉચ્‍ચારવામાં આવી છે.

મહેસૂલ વિભાગ હસ્‍તકના નોંધણી સર નિરીક્ષક અને સુપ્રિન્‍ટેન્‍ડન્‍ટની કચેરી દ્વારા સબ રજિસ્‍ટ્રારની કામગીરી વધુ ચૂસ્‍ત બને તે માટે અનેક પગલાં લેવાઈ રહ્યા છે. ૨૯ જુલાઇએ સ્‍ટેમ્‍પ્‍સ કચેરી દ્વારા જારી કરાયેલા પરિપત્રમાં જણાવાયું છે કે, સ્‍થાવર મિલકતની તબદિલી અથવા તબદિલીને અસર કરતા દસ્‍તાવેજો કે જેમાં અવેજનો ઉલ્‍લેખ બે લાખ કે તેથી વધુની રોકડ સ્‍વરૂપે આપવાનો ઉલ્‍લેખ હોય તો તે દસ્‍તાવેજની માહિતી જેમાં દસ્‍તાવેજનો પ્રકાર, અવેજની વિગત, મિલકતનું વર્ણન, આપનારા-લેનારા પક્ષકારનાં નામ અને સરનામા સહિતની વિગતો ઈન્‍કમટેક્‍સ ડિપાર્ટમેન્‍ટના ઈ-મેઈલ આઇડી ઉપર તમામ સબ રજિસ્‍ટ્રાર દૈનિક ધોરણે મોકલી આપવાની રહેશે

અત્રે ઉલ્‍લેખનીય છે કે, મે મહિનામાં તેવી સૂચના જારી કરાઈ હતી કે સુપ્રીમ કોર્ટ દ્વારા બે લાખ કે તેથી વધુની રકમને રોકડ સ્‍વરૂપે અવેજ તરીકે વેચાણ દસ્‍તાવેજમાં દર્શાવે કે આપે તો તેની જાણ ઇન્‍કમટેક્‍સ અધિકારીને કરવાની રહેશે. જોકે, કેટલાક કિસ્‍સામાં સબ રજિસ્‍ટ્રાર દ્વારા આ વિગતો સમયસર કે મોકલાતી ન હોવાનું ધ્‍યાન પર આવતા હવે દૈનિક ધોરણે મોકલવા નિર્ણય કરવામાં આવ્‍યો છે.(૩૮.૫)

 

(10:05 AM IST)