<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 31st July 2025

ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં હવે ACBએ તપાસમાં ઝુકાવ્યું : ACBએ સસ્પેન્ડેડ અધિકારીઓને જવાબ લેવા બોલાવ્યા

4 સસ્પેન્ડેડ ઇજનેરો પૈકી ત્રણ ઈજનેર ACB સમક્ષ હાજર થયા: સસ્પેન્ડેડ ઇજનેરોની સંપત્તિની ACB દ્વારા તપાસ

મધ્ય ગુજરાતથી સૌરાષ્ટ્રને જોડતો મહીસાગર નદી પરનો 45 વર્ષ જૂનો ગંભીરા બ્રિજ તૂટી પડ્યો હતો. આ ઘટનામાં બ્રિજ ઉપરથી પસાર થતી 3 ટ્રક, 1 રિક્ષા, 1 ઈકો, 1 પિકઅપ ડાલું સાથે જ 2-3 બાઇક બે કાંઠે વહેતી મહીસાગર નદીમાં ખાબક્યાં હતાં. આ દુર્ઘટનામાં અનેક લોકોના મોત થયા હતા.  ગંભીરા બ્રિજ દુર્ઘટના મામલે માર્ગ-મકાન વિભાગના 4 અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ત્યારે ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં હવે ACBની એન્ટ્રી થઇ છે. 

મળતી માહિતી મુજબ, વડોદરાના ગોઝારી ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. આ ગંભીરા બ્રિજ દુર્ઘટના મામલે સસ્પેન્ડેડ ઇજનેરો સામે એન્ટી કરપ્શન બ્યુરોની તપાસ શરૂ કરી છે. ACBએ સસ્પેન્ડેડ અધિકારીઓને જવાબ લેવા બોલાવ્યા છે. 4 સસ્પેન્ડેડ ઇજનેરો પૈકી ત્રણ ઈજનેર ACB સમક્ષ હાજર થયા હતા. સસ્પેન્ડેડ ઇજનેરોની સંપત્તિની ACB હાલ તપાસ કરી રહી છે. અધિકારીઓએ વસાવેલી મિલકતોની ACB દ્વારા તપાસ હાલ ચાલી રહી છે. જોકે કાર્યપાલક ઇજનેર નૈનેશ નાયકાવાલાને ન બોલાવાતા અનેક તર્કવિતર્કના સવાલો પ્રજાજનોમાં સેવાઇ રહ્યા છે. નૈનેશ નાયકાવાલાને તપાસ માટે ન બોલાવાતા ગણગણાટ શરૂ થયો છે. 

    અત્રે ઉલ્લેખનીય છે કે, ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી  હતી. ગંભીરા બ્રિજ દુર્ઘટના મામલે  માર્ગ-મકાન વિભાગના 4 અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જેમાં  કાર્યપાલક ઇજનેર, બે નાયબ કાર્યપાલક ઇજનેર,  મદદનીશ ઇજનેર સહિતના અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. કાર્યપાલક ઇજનેર એન.એમ.નાયકાવાલા,નાયબ કાર્યપાલક ઇજનેર યુ.સી.પટેલ, નાયબ કાર્યપાલક આર.ટી.પટેલ, મદદનીશ ઇજનેર જે.વી.શાહને તાતકાલીક ધોરણે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પ્રાથમિક તપાસ અવલોકનને આધારે કાર્યવાહી કરવામાં આવી છે. રાજ્યના અન્ય જૂના બ્રિજની તાત્કાલિક ધોરણે ચકાસણી કરવા આપી મુખ્યમંત્રીએ સૂચના આપવામાં આવી છે. 

(7:39 PM IST)