<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 3rd August 2025

રક્ષાબંધન અને જન્માષ્ટમીમાં મુસાફરોની ભારે ભીડને પહોંચી વળવા માટે ST વધારાની ૬પ૦૦ ટ્રીપ દોડાવશે

અમદાવાદ, રાજકોટ, સુરત, મહેસાણા અને વડોદરા તેમજ ડાકોર, દ્વારકા અને શામળાજી જેવા પ્રસિદ્ધ કૃષ્ણ મંદિરોમાં જતાં મુસાફરો માટે અને અમદાવાદથી સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત, તેમજ દાહોદ, ગોધરા અને પંચમહાલ જેવા વિસ્તારોમાં જવા માટે પણ વધારાની બસો ઉપલબ્ધ રહેશે

ગાંધીનગર: નજીકમાં આવી રહેલા રક્ષાબંધન અને જન્માષ્ટમીના તહેવારોને ધ્યાનમાં રાખીને, ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ (GSRTC) દ્વારા મુસાફરોની સુવિધા માટે વધારાની બસો દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. મુસાફરોની ભારે ભીડને પહોંચી વળવા માટે કુલ 6,500 વધારાની ટ્રીપોનું આયોજન કરવામાં આવ્યું છે.
આ વધારાની બસો મુખ્યત્વે અમદાવાદ, રાજકોટ, સુરત, મહેસાણા અને વડોદરા જેવા વિભાગોમાં દોડાવવામાં આવશે. ખાસ કરીને, જન્માષ્ટમીના તહેવાર માટે ડાકોર, દ્વારકા અને શામળાજી જેવા પ્રસિદ્ધ કૃષ્ણ મંદિરોમાં જતાં મુસાફરો માટે વિશેષ બસોનું સંચાલન કરવામાં આવશે. આ ઉપરાંત, રક્ષાબંધન નિમિત્તે અમદાવાદથી સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત, તેમજ દાહોદ, ગોધરા અને પંચમહાલ જેવા વિસ્તારોમાં જવા માટે પણ વધારાની બસો ઉપલબ્ધ રહેશે.
ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે પણ આ તહેવારો દરમિયાન 6,000 થી વધુ ટ્રીપો દોડાવવામાં આવી હતી, જેનો લાભ 3.15 લાખથી વધુ મુસાફરોએ લીધો હતો. આ વર્ષે પણ GSRTC એ વધુ મુસાફરોને સુવિધા આપવા માટે આયોજન કર્યું છે.

(11:53 AM IST)