<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 3rd August 2025

બ્લૂ ઈકોનોમીને વેગ આપવાના પ્રયાસો ફળ્યા : ગુજરાત દરિયાઈ મત્સ્ય ઉત્પાદનમાં દેશમાં બીજા સ્થાને : 2024-25માં ઉત્પાદન 10 લાખ મેટ્રિક ટનથી વધુ થવાની સંભાવના

માછીમારો માટે સુવર્ણ અવસર : ગુજરાતમાં છેલ્લા ૪ વર્ષમાં સરેરાશ ૮.૫૬ લાખ મેટ્રિક ટન મત્સ્ય ઉત્પાદન : પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના હેઠળ ₹૫૦ કરોડની ગ્રાન્ટ મંજૂર

ગાંધીનગર : વડાપ્રધાન નરેન્દ્રભાઈએ બ્લૂ ઈકોનોમીના વિકાસ પર ભાર મૂક્યો છે. તેમના કહેવા મુજબ, ભવિષ્યમાં બ્લૂ ઈકોનોમી ગ્રીન પ્લેનેટના નિર્માણનું માધ્યમ બનશે. દેશનો સૌથી લાંબો ૨૩૪૦.૬૨ કિલોમીટરનો દરિયાકિનારો ધરાવતું ગુજરાત, આ વિઝનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈના નેતૃત્વ હેઠળ, ગુજરાત સરકારે મત્સ્ય ઉત્પાદનમાં વધારો કરવા અને માછીમારોની આર્થિક સ્થિતિ સુધારવા માટે અનેક પ્રોત્સાહક પગલાં લીધાં છે, જેના પરિણામે રાજ્ય દરિયાઈ માછલીના ઉત્પાદનમાં સમગ્ર દેશમાં બીજા ક્રમે પહોંચ્યું છે.
ઉત્પાદનમાં સતત વધારો અને ભવિષ્યની સંભાવનાઓ
છેલ્લા ચાર વર્ષમાં ગુજરાતનું વાર્ષિક સરેરાશ મત્સ્ય ઉત્પાદન ૮.૫૬ લાખ મેટ્રિક ટન રહ્યું છે. નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ (ઓક્ટોબર-સપ્ટેમ્બર)માં રાજ્યનું કુલ મત્સ્ય ઉત્પાદન ૯.૦૮ લાખ મેટ્રિક ટન જેટલું હતું, જેમાં ૭,૦૪,૮૨૮ મેટ્રિક ટન દરિયાઈ અને ૨,૦૩,૦૭૩ મેટ્રિક ટન આંતર્દેશીય માછલીઓનો સમાવેશ થાય છે. આગામી વર્ષ ૨૦૨૪-૨૫માં આ આંકડો ૧૦.૩૭ લાખ મેટ્રિક ટન સુધી પહોંચવાની શક્યતા છે, જેમાં દરિયાઈ માછલીનું ઉત્પાદન ૭.૬૪ લાખ મેટ્રિક ટન અને આંતર્દેશીય માછલીનું ઉત્પાદન ૨.૭૨ લાખ મેટ્રિક ટન થવાનો અંદાજ છે.
પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના (PMMSY) હેઠળ મોટી ગ્રાન્ટ
માછીમારોની આવક વધારવા અને મત્સ્યઉદ્યોગને આધુનિક બનાવવાના હેતુથી કેન્દ્ર સરકારે PMMSY યોજના શરૂ કરી છે. આ યોજના હેઠળ ટેક્નોલોજી, પોસ્ટ-હાર્વેસ્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને માર્કેટિંગ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. વર્ષ ૨૦૨૦-૨૧ થી ૨૦૨૪-૨૫ દરમિયાન ગુજરાતને આ યોજના હેઠળ ₹૮૯૭.૫૪ કરોડના પ્રોજેક્ટ્સ મંજૂર કરવામાં આવ્યા છે. વધુમાં, વર્ષ ૨૦૨૫-૨૬ માટે કેન્દ્ર સરકારે ગુજરાતને ₹૫૦ કરોડની ગ્રાન્ટ ફાળવી છે, જે મત્સ્યોદ્યોગ ક્ષેત્રને વધુ વેગ આપશે.
ગુજરાત સરકારની નવી પહેલો
મત્સ્યપાલન ક્ષેત્રે વિકાસ માટે રાજ્ય સરકારે ડીઝલના વેટ દરમાં ઘટાડો, કેરોસીન અને પેટ્રોલ પર સબસિડી, ઝીંગા પાલન માટે જમીન, રસ્તા, વીજળી, અને નાના બંદરોની સુવિધાઓમાં વધારો જેવા અનેક પગલાં લીધા છે. માઢવાડ, નવાબંદર, વેરાવળ-૨ અને સૂત્રાપાડામાં નવા મત્સ્ય બંદરોનું નિર્માણ પણ ચાલી રહ્યું છે. ચાલુ વર્ષ ૨૦૨૫-૨૬ માટે બાયોફ્લોક, રિસર્ક્યુલેટિંગ એક્વાકલ્ચર સિસ્ટમ (RAS), ઝીંગા પાલન, કેજ કલ્ચર, આધુનિક બોટ બિલ્ડિંગ યાર્ડ, કોલ્ડસ્ટોરેજ, ફિશ બાય-પ્રોડક્ટ યુનિટ, સી-વીડ કલ્ચર જેવી વિવિધ પ્રવૃત્તિઓ માટે પણ સહાય જાહેર કરવામાં આવી છે, જે આ ક્ષેત્રને નવી ઊંચાઈઓ પર લઈ જશે.

 

(12:12 PM IST)