<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 3rd August 2025

નવસારીનો દેવેશ્વર મહાદેવ મંદિરમાં 800 કિલો બરફથી બનાવાયું શિવલિંગનું નિર્માણઃ 12 વર્ષથી ચાલી રહી પરંપરા

શ્રાવણ માસ દરમિયાન બાબા અમરનાથની પ્રતિકૃતિ રચાઇ છેઃ ભાવિકો અભિભૂત

નવસારીઃ શહેરના મધ્યમાં આવેલા પૌરાણિક દેવેશ્વર મહાદેવ મંદિરમાં શ્રાવણ માસ દરમિયાન બાબા અમરનાથની પ્રતિકૃતિ બનાવવામાં આવે છે. આ વર્ષે પણ મંદિર ટ્રસ્ટ દ્વારા આશરે 800 કિલો બરફનો ઉપયોગ કરીને આ શિવલિંગ તૈયાર કરવામાં આવ્યું છે. છેલ્લા 12 વર્ષથી અહીં બાબા અમરનાથની પ્રતિકૃતિ બનાવવાની પરંપરા ચાલી રહી છે. આ વર્ષે પણ હજારો ભક્તોએ આ શિવલિંગના દર્શનનો લાભ લીધો છે. અહીં સવારે 8:00 વાગ્યાથી રાત્રિ સુધી ભક્તો દર્શન કરી શકે છે. 

 નવસારીમાં બિરાજમાન સ્વયંભૂ દેવેશ્વર મહાદેવનું મંદિર અતિ પૌરાણિક છે. અહીં શ્રાવણ માસ દરમિયાન સવાર-સાંજ મહાદેવની આરતી અને શણગાર કરવામાં આવે છે. મંદિરના મુખ્ય પૂજારી શ્યામ મહારાજને 12 વર્ષ પહેલા વિચાર આવ્યો હતો કે જે ભક્તો કોઈ કારણોસર જમ્મુ-કાશ્મીરમાં બાબા અમરનાથના દર્શન કરવા જઈ શકતા નથી, તેઓ નવસારીમાં જ આ દર્શનનો લાભ લઈ શકે. 

 આ વર્ષે જમ્મુ-કાશ્મીરમાં બાબા અમરનાથનું બરફનું શિવલિંગ વહેલું ઓગળી જતાં ભક્તો નિરાશ થયા હતા. પરંતુ નવસારીના દેવેશ્વર મહાદેવ મંદિરમાં બનાવાયેલા મનમોહક બરફના શિવલિંગથી ભક્તોમાં આનંદની લાગણી પ્રસરી છે. દર્શન કરવા આવેલા યુવાન પુનિતે જણાવ્યું કે બરફનું શિવલિંગ જોઈને તેમને ખૂબ આનંદ થયો છે. તેઓ દર શ્રાવણ માસમાં મંદિરના દર્શન કરે છે અને બાબા અમરનાથની પ્રતિકૃતિના દર્શન કરી ધન્યતા અનુભવે છે.

(4:31 PM IST)