News of Sunday, 3rd August 2025
સુરતમાં ફ્રેન્ડશિપ ડેની પૂર્વ સંધ્યાએ બે ગાઢ મિત્રોએ જીવનથી કંટાળી દવા પી તાપી નદીમાં કુદયા : એકનું મોત : એક ગંભીર
24 વર્ષીય કૌસ્તુભ વિકાસ બાવને અને 18 વર્ષીય સમીર રાજુ મંહતો બંને ડિંડોલી વિસ્તારના રહેવાસી:વર્ષોથી ગાઢ મિત્રતા હતી: બંને મિત્રોએ નિરાશા અને તણાવ એકબીજા સાથે વહેંચ્યા અને અંતે જીવનનો અંત લાવવાનો નિર્ણય કર્યો

સુરતઃ શહેરમાં મિત્રતાના પવિત્ર સંબંધ પર એક કરુણ ઘટનાનો પડછાયો પડ્યો છે. ફ્રેન્ડશિપ ડેની પૂર્વ સંધ્યાએ જ બે ગાઢ મિત્રોએ જીવનથી કંટાળીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેમાં એક મિત્રનું કરુણ મોત થયું છે. આ ઘટનાએ સમગ્ર શહેરમાં શોક અને આશ્ચર્યનો માહોલ સર્જ્યો છે.
24 વર્ષીય કૌસ્તુભ વિકાસ બાવને અને 18 વર્ષીય સમીર રાજુ મંહતો બંને ડિંડોલી વિસ્તારના રહેવાસી હતા અને તેમની વચ્ચે વર્ષોથી ગાઢ મિત્રતા હતી. કૌસ્તુભ પરિવારને આર્થિક રીતે મદદ કરવા માટે ઓનલાઈન ડિલિવરી બોય તરીકે કામ કરતો હતો, પરંતુ છેલ્લા કેટલાક સમયથી ધંધો બરાબર ચાલતો નહોતો. આર્થિક સંકડામણ અને નિરાશાને કારણે તે ભારે તણાવમાં હતો.
બીજી તરફ, સમીર ધોરણ 10ની પરીક્ષામાં નાપાસ થયો હતો. તેના પિતાનું પણ વર્ષ 2019માં અવસાન થયું હતું, જેના કારણે પરિવારની જવાબદારીનો બોજ પણ તેના પર હતો. પરીક્ષામાં નિષ્ફળતાના તણાવ અને ભવિષ્યની ચિંતાએ તેને હતાશ કરી દીધો હતો
આ બંને મિત્રોએ નિરાશા અને તણાવ એકબીજા સાથે વહેંચ્યા અને અંતે જીવનનો અંત લાવવાનો નિર્ણય કર્યો હતો. શુક્રવારે સાંજે તેઓ રાંદેર ચંદ્રશેખર આઝાદ બ્રિજ પર પહોંચ્યા હતા. ત્યાં તેમણે સૌપ્રથમ ઝેરી દવા પીધી અને ત્યારબાદ તાપી નદીમાં છલાંગ લગાવી હતી. પરંતુ, વિધાતાને કદાચ આ મંજૂર નહોતું. નદીમાં પાણીનું પ્રમાણ ઓછું હોવાથી તેઓ જમીન પર પટકાયા.
આ ઘટના જોઈને રાહદારીઓએ તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરી હતી. ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને બંને મિત્રોને બહાર કાઢી સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા. જો કે, સારવાર દરમિયાન આજે સવારે કૌસ્તુભનું દુઃખદ અવસાન થયું છે. એકના એક દીકરાના મોતના સમાચારથી તેના પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.
ફ્રેન્ડશિપ ડેની ઉજવણી કરતા આજના દિવસમાં જ આ બે મિત્રોની જોડી તૂટી ગઈ છે. સમીર હજુ પણ હોસ્પિટલમાં જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે. આ ઘટના સમાજમાં યુવાનોની હતાશા, તણાવ અને જીવન પ્રત્યેના નકારાત્મક વલણ અંગે ગંભીર પ્રશ્નો ઊભા કરે છે. મિત્રતા જીવનમાં ટેકો અને હિંમત આપવા માટે હોય છે, પરંતુ અહીં મિત્રતાએ જ જીવનનો અંત લાવવાનો નિર્ણય લીધો હતો, જે ખરેખર હૃદયદ્રાવક છે. આ ઘટના સમાજને એ સંદેશ આપે છે કે યુવાનોના માનસિક સ્વાસ્થ્ય પર ધ્યાન આપવું કેટલું જરૂરી છે
(6:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
