તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Monday, 4th August 2025
વડોદરામાં સાંઢણીની આંખમાંથી ઘી વહેવાની ઘટના નર્યુ તુત પૂરવાર : વિજ્ઞાન જાથાએ કર્યો પર્દાફાશ
દશામાના વ્રતના બીજા દિવસથી હજારો દર્શનાર્થીઓએ લાઇનો લગાવી દીધી હતી : અંતે સત્ય સામે આવ્યુ : વનસ્પતિ ઘી પહેલા જ ગોઠવી દેવાયુ હતુ : કોઇ ચમત્કાર નહોતો : ભુઇમાં સીતાબા અને પુત્ર સતિષસિંહે ભુલ કબુલી માફી માંગી

રાજકોટ તા. ૪ : વડોદરામાં દશામાના મઢમાં સાંઢણીની આંખોમાંથી ઘી વહેતુ હોવાના ચમત્કારની વાતો વહેતી થતા દુર દુરથી વડોદરાના વાઘોડીયામાં આવેલ સીતાબા ગણપતસિંહ ગોહીલના ઘરે લોકો ઉમટી રહ્યા હતા.
વિજ્ઞાન જાથાની પાસે આ વાત પહોંચતા તુરંત ખરાઇ કરવા ટીમો મોકલાઇ હતી. જેમાં ઘરના જ સભ્યોનું કારસ્તાન હોવાનું જાણવા મળતા પર્દાફાશનું આયોજન ઘડી કઢાયુ હતુ.
જાથાના ચેરમેન એડવોકેટ જયંત પંડયાએ રાજયના મુખ્યમંત્રી, ઉચ્ચ પોલીસ અધિકારીઓને વિગતે પત્ર લખી પોલીસ બંદોબસ્તની માંગણી કરી હતી. બાદમાં પોલીસને સાથે રાખી જાથાની ટીમના સભ્યો વડોદરા પહોંચ્યા હતા. ધાર્મિક સ્થળે આશરે એક હજાર શ્રધ્ધાળુઓની લાઇન હતી. દશામાની મૂર્તી પાસે ઘી થી ધરેલી અનેક ડીસ જોવા મળી હતી. જાથાના સભ્યોએ સાંઢણીની આંખો લુછી નાખ્યા બાદ ઘી નીકળતુ બંધ થઇ ગયુ હતુ. નકકરતા સામે આવી ગઇ હતી. ગળામાં અસંખ્ય દોરા બાંધવામાં આવ્યા હતા. ઘી કઇ રીતે નીકળે છે કયાંથી નીકળે છે તે અંગે પુછપરછ કરાતા ભુઇમાં કઇ બોલી શકયા નહોતા.
હકીકતમાં દશામાના વ્રતના બીજા દિવસે આ ચમત્કાર ઉભો કરાયો હોવાની વાતો ખુલ્લી પડી ગઇ હતી. રાત્રીના બે થી ચારના સમયમાં વનસ્પતિ ઘી લગાવી દેવાયુ હતુ. જે સાંઢણીની આંખોમાંથી ટપકતુ હતુ. બધુ જ ઉપજાવી કાઢેલુ હતુ. ટુંકમાં માનવ સર્જીત ચમત્કાર હોવાનું ખુલ્લુ પડી ગયુ હતુ.
જાથાની ટીમ અને પોલીસ સ્ટાફે આકરી પુછપરછ કરતા ભુઇમાં સીતાબા ભાંગી પડયા હતા. ભુઇમાં અને તેમના પુત્ર ડ્રાઇવર સતિષસિંહને પોલીસ સ્ટેશને લઇ જવાયા હતા. સીતાબાએ કબુલાત આપી હતી કે હું છેલ્લા ૩૫ વર્ષથી દશામાની ભુઇ તરીકે સેવા કરૂ છુ. ધુણીને જોવાનું કામ કરૂ છુ. આજથી આ બધુ બંધ કરૂ છુ. સાંઢણીમાંથી ઘી નિકળવાની વાત ચમત્કાર નહીં ષડયંત્રનો ભાગ હતો. આવા પરચા થતા નથી તેવું જાહેરમાં નિવેદન આપી આવા ધતીંગ કાયમ માટે બંધ કરવાની જાહેરાત કરી હતી.
આમ વિજ્ઞાન જાથાનો આ ૧૩૭૩મો પર્દાફાશ સફળ રહ્યો હતો. આ પર્દાફાશમાં જાથાના ચેરમેન જયંત પંડયાની આગેવાની હેઠળ ભક્તિબેન રાજગોર, રોમિત રાજદેવ, ગુલાબસિંહ ચૌહાણ, રવિ પરબતાણી, સાહીલ રાજદેવ, સ્થાનિક કાર્યકરો તેમજ પાલીગેટ પોલીસ સ્ટેશનના પી.આઇ. એ. બી. પટેલ, પી.એસ.આઇ. આર.એસ. ભરવાડ, એ.એસ.આઇ. હર્ષદભાઇ કાનજીભાઇ, એ.એસ.આઇ. ગનાભાઇ દામાભાઇ, હેડ કોન્સ. ઇશ્વરભાઇ ચંદુભાઇ, હેડ કોન્સ. રાકેશભાઇ રમેશભાઇ, હેડ કોન્સ. વર્ષાબેન ધનસુખભાઇ, હેડ કોન્સ. સવિતાબેન હિરાભાઇ, પો. કોન્સ. મુકેશભાઇ રામભાઇ, પો. કોન્સ. કમલેશભાઇ બાબુભાઇ, મનીષાબેન નારણભાઇ હરેશભાઇ બાબુભાઇ, અજયભાઇ બુધાભાઇ, શૈલેષભાઇ નાનજીભાઇ, ઇશ્વરભાઇ રાણાભાઇ, ડી.સી.પી.ની ટીમનો ડી સ્ટાફ સાથે જોડાયો હતો. તેમ ભારત જન વિજ્ઞાન જાથા (મો.૯૮૨૫૨ ૧૬૬૮૯)ની યાદીમાં જણાવાયુ છે.
(2:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
