<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 5th August 2025

અમદાવાદના ઓઢવમાં યુવકની હત્યા : છેલ્લા 24 કલાકમાં ત્રીજી હત્યા

યુવતીનો ફોટો ડિલિટ કરાવવા બાબતે હત્યા : જીગ્નેશ નામના યુવકે બે ભાઇઓ સાથે મળી યુવકની હત્યા કરી

અમદાવાદના ઓઢવમાં એક યુવકની હત્યાનો બનાવ સામે આવ્યો છે. શહેરમાં 24 કલાકમાં હત્યાના ત્રણ બનાવ સામે આવ્યા છે. ઓઢવમાં યુવતીનો ફોટો ડિલિટ કરાવવા બાબતે હત્યા કરવામાં આવી છે. જીગ્નેશ નામના યુવકે બે ભાઇઓ સાથે મળી યુવકની હત્યા કરી છે. યુવતીના કાકા મિત્રોને લઇ ફોટો ડિલિટ કરાવવા ગયા હતા. ત્રણ આરોપીઓએ સુનિલ નામના યુવકની હત્યા કરી હોવાનો બનાવ સામે આવ્યો છે. પોલીસે ત્રણેય આરોપીઓને ઝડપી તપાસ હાથ ધરી છે

    ઓઢવમાં રહેતા 27 વર્ષીય રવિભાઈ પટણી હીરા ઘસવાની નોકરી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. ગત 3 ઓગસ્ટે સાંજના સમયે તેઓ ઘરે હતા. ત્યારે તેનો મિત્ર સુનિલ ઉર્ફે ભોપો પટણીનો ફોન આવ્યો અને બ્લોકમાં નીચે બોલાવ્યો હતો. જેથી રવિ નીચે જતા સુનિલ ફોનમાં સ્પીકર પર કોઈ મહિલા સાથે વાત કરતો હતો. તે સમયે મહિલાએ સુનિલને ઓઢવ રામનગર આવી ફોટા ડીલીટ કરવાનું જણાવ્યું હતું. જે બાદ સુનિલને પૂછતા કહ્યું કે જીગ્નેશ પટણીના મોબાઇલમાં મારી ભત્રીજીના ફોટા હોવાથી તે હેરાન કરે છે. તે ફોટા ડિલિટ કરવા મારે તેની માતા લક્ષ્મીબેન સાથે વાત થતી હતી કહીને રવિને સહિત ત્રણ મિત્રોને રિક્ષામાં બેસાડીને સુનિલ લક્ષ્મીબેનના ઘરે ગયો હતો. ત્યાં લક્ષ્મીબેન, તેમના ત્રણ પુત્રો જીગ્નેશ, અરુણ અને વિક્કી તથા બે મહિલાઓ હાજર હતા. જે બાદ સુનિલે જીગ્નેશ પાસે ભત્રીજીના ફોટા ડિલિટ કરવા ફોન માંગ્યો હતો. ના પાડી દેતા ઝઘડો કર્યો હતો. જેથી સુનિલે જીગ્નેશને લાફો મારતા બંને વચ્ચે મારામારી થઈ હતી.

   આ દરમ્યાન ત્રણેય ભાઈઓએ ભેગા મળીને સુનિલને ચપ્પુના ઉપરાછાપરી ઘા મારીને લોહીલુહાણ કર્યો હતો. તેમજ રવિ વચ્ચે પડતા તેને પણ ચપ્પુના ઘા માર્યા હતા. બાદમાં રવિ સહિત ત્રણેય ત્યાંથી નાસી ગયા હતા. જે બાદ ઇજાગ્રસ્ત રવિ અને સુનિલને સારવારઅર્થે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં સુનિલનું મોત નિપજ્યું હતું. આ અંગે રવિએ જીગ્નેશ, અરુણ અને વિક્કી સામે ઓઢવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવતા પોલીસે આરોપીઓની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે.

(12:09 AM IST)