<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 5th August 2025

પ્રેમલગ્ન બાદ મળતી ધમકીઓથી કંટાળીને પરિવારે સામૂહિક આત્મહત્યાનો પ્રયાસ કર્યો

સામૂહિક આત્મહત્યાની ઘટનાઃહાલ હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી છે. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ પણ તાત્કાલિક ઘટનાસ્થળે અને હોસ્પિટલ ખાતે પહોંચી

પાટણ , તા.૫

પાટણ જિલ્લાના વડાવલી ગામમાં પ્રેમલગ્નના મુદ્દે એક જ પરિવારના ચાર સભ્યોએ સામૂહિક આત્મહત્યાનો પ્રયાસ કરતા ચકચાર મચી ગયો હતો. આ પરિવારના સભ્યો મા-બાપ, દીકરા અને વહુએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. આ પરિવારે ઝેરી દવા પીને પોતાનું જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો. આ રાવળ સમાજના પરિવારે આક્ષેપ કર્યો હતો કે પ્રેમલગ્ન કર્યા બાદ તેમને સતત જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી હતી.

મળતી ધમકીઓથી કંટાળીને અને કોઈ રસ્તો ન મળતા તેમણે આ અંતિમ પગલું ભર્યું હતું. સામૂહિક આત્મહત્યાના પ્રયાસની જાણ થતાં જ ગ્રામજનોએ તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરી હતી. ચારેય સભ્યોને પહેલા ચાણસ્મા ખાતેના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. ત્યારબાદ તેમની ગંભીર હાલતને જોતા તેમને વધુ સારવાર માટે ધારપુર મેડિકલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

હાલ હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી છે. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ પણ તાત્કાલિક ઘટનાસ્થળે અને હોસ્પિટલ ખાતે પહોંચી હતી.પોલીસે આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી. પરિવારને ધમકી આપનાર લોકો કોણ હતા અને શા માટે આ ધમકીઓ આપવામાં આવતી હતી તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી હતી. આ ઘટનાએ સમાજમાં પ્રેમલગ્નને લઈને થતા વિવાદો અને તેના ગંભીર પરિણામો પર ફરી એકવાર પ્રકાશ પાડ્યો હતો.

(9:19 PM IST)