News of Tuesday, 5th August 2025
પડતર માંગણીઓને લઈને રેલી સ્વરૃપે ગાંધીનગર પહોંચ્યા માજી સૈનિકો
માજી સૈનિકોનું આંદોલન ઉગ્ર બન્યું :લાંબા સમયથી સરકારી ભરતીમાં અનામત બેઠક સહિતની વિવિધ પડતર માંગણીઓને લઈને લડત ચલાવી રહ્યા છે

ગાંધીનગર, તા.૫
ગાંધીનગરમાં પડતર માંગોને લઈને ચાલી રહેલું માજી સૈનિકોનું આંદોલન ઉગ્ર બન્યું હતું. એક અઠવાડિયાથી વધુ સમયથી ચાલતા આ આંદોલનમાં માજી સૈનિકોએ મંગળવારે (૫ ઓગસ્ટ) રેલી કાઢી વિધાનસભા ચરફ કૂચ કરી હતી. પરંતુ, પોલીસ દ્વારા તેમને બસ સ્ટેશન પાસે જ અટકાવી દેવાયા હતા. નોંધનીય છે કે, માજી સૈનિકો લાંબા સમયથી સરકારી ભરતીમાં અનામત બેઠક સહિતની વિવિધ પડતર માંગણીઓને લઈને લડત ચલાવી રહ્યા છે. તેમનો મુદ્દો હતો કે, તેમના માટે અનામત રાખવામાં આવેલી બેઠકો કોઈ અન્ય કેટેગરીમાં ફાળવવામાં ન આવે. આ વિશે તેમણે અનેકવાર સરકારમાં રજૂઆત કરી પરંતુ, કોઈ નક્કર ઉકેલ ન મળતા અંતે આંદોલનનો રસ્તો અપનાવ્યો છે.
મંગળવારે (૫ ઓગસ્ટ) વહેલી સવારથી માજી સૈનિકોએ વિધાનસભા તરફ પોતાની માંગો સાથે કૂચ કરી હતી. જોકે, આ આંદોલનને લઈને પરિસ્થિત કાબૂમાં રહે તે માટે પોલીસે અગાઉથી જ બંદોબસ્ત ગોઠવી દીધો હતો અને ગાંધીનગર બસ સ્ટેશનથી જ તેમને અટકાવી દેવાયા હતા. આ દરમિયાન પોલીસ અને આંદોલનકારીઓ વચ્ચે ઘર્ષણ પણ જોવા મળ્યું હતું. જોકે, આ મુદ્દે માજી સૈનિકોએ ચેતવણી આપી છે કે, જો તેમની માંગ સ્વીકારવામાં નહીં આવે તો આ આંદોલન વધુ ઉગ્ર બનશે.
(9:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
