<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 6th August 2025

વિસાવદર,ભેસાણ,જુનાગઢ તાલુકાનો સરકારી અનાજનો જથ્‍થો બારોબાર પગ કરી જાય છેઃ ગોપાલ ઇટાલીયા

ગઈકાલે ગાંધીનગર પુરવઠા મંત્રી કુંવરજીભાઈને પત્ર આપી અને મૌખિક રજૂઆત કરી માથાભારે અને રાજકીય વગ ધરાવતા લોકો દ્વારા બેરોકટોક રેકેટ ચલાવવામાં આવે છેઃ કડક પગલાં લેવા માંગ

(વિજય વસાણી દ્વારા) ગાંધીનગર, તા.૬: વિસાવદર,ભેસાણ અને જુનાગઢ તાલુકાની સરકારી અનાજની દુકાનોમા લાભાર્થીઓને પહોંચાડવામાં આવતો અનાજનો જથ્‍થો બારોબાર પગ કરી જતો હોવાની લેખિત અને મૌખિક રજૂઆત ગોપાલ ઇટાલીયાએ પુરવઠા મંત્રી કુંવરજીભાઈને કરી હતી.

વિસાવદરનાં ધારાસભ્‍ય ગોપાલ ઇટાલીયાએ પુરવઠા મંત્રીને લખેલ પત્રમાં જણાવવામાં આવ્‍યું છે કે સસ્‍તા અનાજની દુકાનના માધ્‍યમથી સરકાર જરૂરિયાતમંદ પરિવારોને અનાજ પૂરું પાડે છે તે ખરેખર સારી બાબત છે સરકારની યોજનાથી ગરીબ પરિવારોનુ પેટ ભરાય તેનાથી મોટું પુણ્‍ય કાર્ય બીજું શું હોઈ શકે. ?

તેમણે પત્રમાં દુઃખ સાથે જણાવ્‍યું છે કે મારે આ પ્રશ્ને આપને રજૂઆત કરવી પડે છે કે સરકાર દ્વારા મોકલેલ ગરીબો માટેનો અનાજનો પુરવઠો ગરીબો સુધી પહોંચવાને બદલે સગેવગે થઈ જાય છે મરા લોક સંપર્ક દરમિયાન મને લોકો પાસેથી આવી ફરિયાદ આવી છે.

તેમણે પત્રમાં વધુમાં જણાવ્‍યું છે કે વિસાવદર ભેસાણ અને જુનાગઢ તાલુકામાં આવતા સરકારી અનાજની બાબતમાં લાભાર્થી પાસેથી બે મહિનાના પુરવઠો મળ્‍યાના અંગૂઠો લીધા બાદ માત્ર એક મહિનાનું જ અનાજ વિતરણ કરી બાકીનું અનાજ સગેવગે કરી દેવામાં આવે છે એવી ફરિયાદ પણ મારી સામે આવેલ છે.

વિસાવદર તાલુકાના અનેક ગામના લોકોએ મામલતદાર સમક્ષ અમોને એક મહિનાનું જ અનાજ મળ્‍યું હોવાનું નિવેદન લખાવ્‍યું હોવા છતાં આવા દુકાન ધારકો સામે આ જ દિવસ સુધી કોઈ ફોજદારી કાર્યવાહી કરવામાં આવી નથી.

વિસાવદર ભેસાણ અને જુનાગઢ તાલુકામાં આવતી દુકાનો પૈકી મોટાભાગની દુકાનો મુખ્‍ય લાઇસન્‍સ ધારક દ્વારા ચલાવવાને બદલે માથાભારે શખ્‍સો ચલાવી રહ્યા છે આ અંગે પણ અનેક ગ્રામજનો દ્વારા નિવેદન પણ લખાવવામાં આવ્‍યા છે છતા સ્‍થાનિક તંત્ર દ્વારા યોગ્‍ય કાર્યવાહી કરવામાં આવતી નથી. તેમણે અંતમાં જણાવ્‍યું હતું કે અનાજ ચોરી કરીને સગેવગે કરવું એ કાયદાકીય અપરાધ છે તો ગરીબના મોઢાનો કોળીઓ છીનવી લેવો એ પણ ઈશ્વરનો અપરાધ છે આ અપરાધ રોકવામાં આવે તેવી મારી માંગણી છે.(૬.૯)

કૌભાંડમાં રાષ્‍ટ્રીય પક્ષના આગેવાનની સંડોવણી

અનાજ સગેવગે કરવાના કૌભાંડમાં રાષ્‍ટ્રીય પક્ષના જિલ્લાના ટોચના એક આગેવાનની સંઙોવણી હોવાનું ગોપાલ ઇટાલીયાએ અકિલાને જણાવ્‍યું હતું. અકિલા સાથે વાતચીત કરતા ગોપાલ ઇટાલીયાએ કહ્યું હતું કે અનાજ બારોબર લઈ જવાનું કૌભાંડ તંત્રની મીલીભઞતથી ઘણા વખતથી આ વિસ્‍તારમાં ચાલી રહ્યું છે. આ કૌભાંડ રાષ્‍ટ્રીય પક્ષના જિલ્લાના એક ટોચના નેતા દ્વારાજ ચલાવવામાં આવે છે અને એ નેતાનુ હિત ધરાવતી મિલમાં અનાજનો જથ્‍થો બેરોકટોક પહોંચાડવામાં આવે છે અને ત્‍યાંથી લોટ બનાવી ખુલ્લા બજારમાં જાજો નફો રળી પહોંચાડવામાં આવે છે.

(1:40 PM IST)