<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 7th August 2025

ગ્રાન્‍ટેડ શૈક્ષણિક સંસ્‍થાના ફિક્‍સ પગારના કર્મીને ૨૦ દિવસની મેડિકલ રજા અપાશે

૧૫ ખાસ રજા પણ અપાશે, ૧૨૮૨ જેટલા કર્મચારીઓને લાભ મળશે.

અમદાવાદ,તા.૦૭: રાજ્‍ય સરકારે, રાજ્‍યની ૩૫૭ જેટલી ગ્રાન્‍ટ-ઈન-એઈડ સંસ્‍થાઓના શૈક્ષણિક અને બિન-શૈક્ષણિક ફિક્‍સ પગારનાં કર્મચારીઓને માટે ૨૦ મેડિકલ રજા અને ૧૫ ખાસ રજા આપવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણયનો લાભકુલ ૧૨૮૨ કર્મચારીઓને મળશે. જેમાં ૧૧૬૭ શૈક્ષણિક અને ૧૧૫ બિન-શૈક્ષણિક કર્મચારીઓનો સમાવેશ થાય છે. પ્રવક્‍તા મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું હતું કે, રાજ્‍યની બિનસરકારી અનુદાનિત કોલેજમાં ફરજ બજાવતા શૈક્ષણિક અને બિન-શૈક્ષણિક ફિક્‍સ પગારનાં કર્મચારીઓને સરકારી ફિક્‍સ પગારના કર્મચારીઓને પ્રાપ્ત મેડિકલ લીવ આપવામાં આવશે. કર્મચારીની પોતાની અથવા કુટુંબના સભ્‍યોની બીમારી કે અકસ્‍માતના કારણે થયેલ ગંભીરઈજાના સંજોગોમાં વર્ષ દરમિયાન ૧૦ રજાઓ પુરા પગારમાં અથવા ૨૦ રજા અડધા પગારમાં નિયમ મુજબ મેડિકલ પ્રમાણપત્રને આધારે મળવાપાત્ર થશે.

ફિક્‍સ પગારના સમયગાળા દરમિયાન એકઠી થયેલી માંદગી અંગેની રજાઓ નિયમિત નિમણૂક બાદ આગળ ફોરવર્ડ પણ કરી શકાશે. આ ઉપરાંત ગ્રાન્‍ટ-ઈન-એઈડ સંસ્‍થાઓના બિન-શૈક્ષણિક ફિક્‍સ પગારનાં નોન-વેકેશનલ કર્મચારીઓને ફિક્‍સ પગારના કર્મચારીઓને મળતી ૧૫ ખાસ રજાઓમળવાપાત્ર થશે. ખાસ રજાઓ નિયમિત નિમણૂક બાદ આગળ ફોરવર્ડ કરી શકાશે નહીં.

રાજ્‍ય સરકારે આ નિર્ણય શા માટે લીધો ?

અહીં નોંધવું ઘટે કે, આ નિર્ણયનો મુખ્‍ય હેતુ ગ્રાન્‍ટ-ઇન-એઇડ સંસ્‍થાઓના કર્મચારીઓને સરકારી કર્મચારીઓ જેવી જ સુવિધાઓ પૂરી પાડવાનો છે. આ પગલાથી આ કર્મચારીઓની નોકરીની સુરક્ષામાં વધારો થશે અને તેમને બીમારી કે અંગત કારણોસર રજા લેવામાં સરળતા રહેશે. અત્‍યાર સુધી આ કર્મચારીઓ આ પ્રકારની રજાઓના લાભથી વંચિત હતા, જેના કારણે તેમને મુશ્‍કેલીઓનો સામનો કરવો પડતો હતો. સરકારે આ નિર્ણયથી તેમના હિતોનું રક્ષણ કરવાની પ્રતિબદ્ધતા દર્શાવી છે.

(10:07 AM IST)