<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 7th August 2025

ભાજપના તમામ ધારાસભ્યોને કાલે ગાંધીનગર પહોંચવા સૂચના

હર ઘર તિરંગા યાત્રા અનુસંધાને કમલમ ખાતે સી.આર.પાટીલની અધ્યક્ષતામાં યોજાનાર બેઠકમાં હાજર રહેવા આદેશ:તિરંગા યાત્રા સિવાયનું પણ ધારાસભ્યોને લેસન અપાશે

(વિજય વસાણી દ્વારા)ગાંધીનગર તા.7 : ભાજપના તમામ ધારાસભ્યોને આવતીકાલે તારીખ 8 ના રોજ બપોરે કમલમ ખાતે યોજાનાર બેઠકમાં ઉપસ્થિત રહેવા સૂચનાઓ આપવામાં આવી છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ આગામી 15 ઓગસ્ટની ઉજવણીના ભાગરૂપે ભાજપ દ્વારા હર ઘર તિરંગા યાત્રા યોજવામાં આવે છે જેના ભાગરૂપે આ બેઠક બોલાવવામાં આવી છે.

પ્રદેશ ભાજપના નવા અધ્યક્ષની નિમણુંકની અટકળો વચ્ચે કેન્દ્રીય જળ શક્તિ મંત્રી અને પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં આ બેઠક યોજવામાં આવી છે.હર ઘર તિરંગા યાત્રાના નામે બોલાવવામાં આવેલ આ બેઠકમાં તિરંગા યાત્રા સિવાય ધારાસભ્યોને બીજા લેસન પણ આપવામાં આવશે જેમાં ખાસ કરીને ઓપરેશન સિંદૂર વિશે પણ પ્રજાને અવગત કરાવવા ધારાસભ્યોને પ્રેઝન્ટેશન આપવામાં આવશે.

અમુક ધારાસભ્યો આ બાબતે બળાપો ઠાલવતા કહ્યુ હતુ મંગળવાર અને બુધવારે ગાંધીનગર કામ પતાવ્યા બાદ મતવિસ્તારમાં આવ્યા છીએ ત્યારે શુક્રવારે ફરી વખત ફરજિયાત ગાંધીનગર પહોંચવાની સૂચના આપતા નારાજગી વ્યક્ત કરી હતી.તેમણે જણાવ્યુ હતુ કે શુક્રવારે ગાંધીનગર આવશું શનિવારે રક્ષાબંધન છે અને રવિવારે વિશ્વ આદિવાસી દિવસની રાજ્યભરમાં ઉજવણી કરવાના કાર્યક્રમના આયોજન માટે  પણ દોડાદોડી કરી થાકી જવાશે તેઓ કચવાટ જોવા મળ્યો હતો.

(3:40 PM IST)