News of Thursday, 7th August 2025
લાંચ વિરોધી અભિયાનની મોટી સફળતા : સુરતમાં PSI ૪૦,૦૦૦ની લાંચ લેતા ઝડપાયા : એસીબીએ સરથાણા પોલીસ સ્ટેશનમાં જ છટકું ગોઠવ્યું
સુરતના સરથાણા પોલીસ સ્ટેશનના PSI એમ.જી. લીંબોલા લાંચ કેસમાં સપડાયા : ગુનાની તપાસમાં આરોપીને ન મારવા અને વહેલા જામીન અપાવવા માટે લાંચ માંગી હતી : એસીબીએ રંગેહાથ ઝડપી પાડતા કાયદેસરની કાર્યવાહી શરૂ

રાજકોટ, તા. ૬ ઓગસ્ટ, ૨૦૨૫: એસીબી (એન્ટિ કરપ્શન બ્યુરો) દ્વારા ભ્રષ્ટાચાર સામે ચલાવવામાં આવતા અભિયાનને વધુ એક મોટી સફળતા મળી છે. સુરત શહેરના સરથાણા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ સબ-ઇન્સ્પેક્ટર (PSI) એમ.જી. લીંબોલાને ૪૦,૦૦૦ રૂપિયાની લાંચ લેતા રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા છે. આ સમગ્ર ઓપરેશન સરથાણા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફની ઓફિસમાં જ પાર પાડવામાં આવ્યું હતું.
કેસની વિગતો:
આ કેસની વિગત મુજબ, એક જાગૃત નાગરિકના માસીના દીકરા અને તેના મિત્ર વિરુદ્ધ સરથાણા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો હતો. આ ગુનાની તપાસ PSI એમ.જી. લીંબોલા કરી રહ્યા હતા. તેમણે ફરિયાદી પાસે, આરોપીઓને નહીં મારવા અને વહેલામાં વહેલી તકે જામીન પર મુક્ત કરવાના બદલામાં, ૪૦,૦૦૦ રૂપિયાની લાંચની માંગણી કરી હતી. ફરિયાદી લાંચ આપવા ઈચ્છતા ન હોવાથી તેમણે ભરૂચ એસીબીનો સંપર્ક કર્યો હતો.
એસીબીની કાર્યવાહી:
ભરૂચ એસીબી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.જે. શિંદે અને વડોદરા ગ્રામ્ય એસીબી પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એ.જે. ચૌહાણની ટીમોએ સાથે મળીને છટકું ગોઠવ્યું હતું. તા. ૬ ઓગસ્ટ, ૨૦૨૫ના રોજ ગોઠવવામાં આવેલા આ છટકા દરમિયાન આરોપી એમ.જી. લીંબોલાએ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરીને લાંચના નાણાં સ્વીકાર્યા હતા અને તે જ સમયે તેને રંગેહાથ ઝડપી લેવામાં આવ્યો હતો. આરોપીને ડીટેઇન કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ સમગ્ર ઓપરેશનનું સુપરવિઝન વડોદરા એસીબી એકમના ઇન્ચાર્જ નાયબ નિયામક બી. એમ. પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.
(12:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
