<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 7th August 2025

અમદાવાદના શાહપુર વિસ્તારમાં મકાનમાં દરોડો : મેફેડ્રોનના જથ્થા સાથે બે આરોપીઓ ઝડપાયા

ઘીકાંટા વિસ્તારના એક મકાનમાં નશીલા પ્રદાર્થોનું વેચાણ થતું હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડ્યો

અમદાવાદ શહેરમાં નશીલા પદાર્થોની હેરાફેરી રોકવા માટેની ઝુંબેશ હેઠળ LCB ઝોન-2ની ટીમે મોટી સફળતા મેળવી છે. બાતમીના આધારે પોલીસે શાહપુર વિસ્તારના એક મકાનમાં દરોડો પાડી બે યુવકોને 4.640 ગ્રામ મેફેડ્રોન અને એમ્ફેટામાઈન સાથે ઝડપી પાડ્યા છે. આ નશીલા પદાર્થની બજાર કિંમત રૂપિયા 46,400 આંકવામાં આવી છે, જ્યારે કુલ રૂપિયા 62,400નો મુદ્દામાલ જપ્ત કરાયો છે. પૂછપરછ દરમિયાન આરોપીઓએ કબૂલ્યું કે આ જથ્થો તેઓ રાજસ્થાનના સાંચોરથી લાવ્યા હતા, જેના કારણે હવે આ રેકેટના મૂળ સુધી પહોંચવા માટે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

 

પોલીસને ગુલામમહંમદ ઈદ્રીશમિયાં નામના હેડ કોન્સ્ટેબલ દ્વારા ચોક્કસ બાતમી મળી હતી કે, ઘીકાંટા વિસ્તારમાં એક મકાનમાં બે યુવકો નશીલા પદાર્થનું છૂટકમાં વેચાણ કરે છે. આ બાતમીના આધારે, કાયદાકીય પ્રક્રિયાઓ પૂર્ણ કરીને બે સરકારી પંચોની હાજરીમાં પોલીસ ટીમે મકાન પર દરોડો પાડ્યો હતો. રેઈડ દરમિયાન ભરત ચૌધરી (ઉંમર 23) અને રાહુલ પરમાર (ઉંમર 21) નામના બે યુવકો ઝડપાયા હતા. FSL અધિકારી દ્વારા સ્થળ પર જ પ્રાથમિક પરીક્ષણ કરવામાં આવતા, મળી આવેલો સફેદ પાવડર મેફેડ્રોન હોવાની પુષ્ટિ થઈ હતી, જે બાદ તેની ડિજિટલ વજનકાંટાથી માપણી કરવામાં આવી હતી.

 

પોલીસની પૂછપરછમાં આરોપીઓએ કબૂલ્યું કે તેઓ સાંચોરના વલીરજદ નામના વ્યક્તિ પાસેથી આ નશીલા પદાર્થનો જથ્થો લાવીને વેચાણ કરતા હતા. તેમની પાસે આ ગેરકાયદેસર પ્રવૃત્તિ માટે કોઈ કાયદેસરની પરવાનગી ન હતી. આથી, બંને આરોપીઓ વિરુદ્ધ NDPS એક્ટની કલમ 8(c), 21(b), અને 29 હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસ હવે રાજસ્થાનના મુખ્ય સપ્લાયરને પકડવા માટે વધુ તપાસ કરી રહી છે. આ સમગ્ર કાર્યવાહીની વિડીયોગ્રાફી પણ કરવામાં આવી છે, જે કાયદેસરના પુરાવા તરીકે ઉપયોગમાં લેવાશે.

(1:43 PM IST)