News of Thursday, 7th August 2025
અમદાવાદ સિવિલ હોસ્પિટલ ફરી વિવાદમાં :સિક્યુરિટી ગાર્ડ અને ડોક્ટર દ્વારા એક દર્દીને માર માર્યાનો આક્ષેપ
દર્દીની માતાની ડોક્ટર અને ગાર્ડને સસ્પેન્ડ કરીને કડક કાર્યવાહી કરવા માંગણી : સુપરિન્ટેન્ડન્ટ ડૉ. રાકેશ જોશીએ કહ્યું -ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તપાસ શરૂ કરાઈ

અમદાવાદની સિવિલ હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં સપડાઈ છે. હોસ્પિટલના સિક્યુરિટી ગાર્ડ અને ડોક્ટર દ્વારા એક દર્દીને માર મારવામાં આવ્યો હોવાનો ગંભીર આક્ષેપ થયો છે. ઘટના મુજબ, પરાગ પટેલ નામના દર્દીને તાવની સારવાર માટે ટ્રોમા સેન્ટરના G-10 વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો હતો. ચેકિંગ દરમિયાન ડોક્ટરે પરાગને અન્ય બેડ પર જવાનું કહ્યું. જોકે, અન્ય બેડની આસપાસ ઝાડા-ઉલટીના દર્દીઓ હોવાથી પરાગે ત્યાં જવાની ના પાડી, જેથી ડોક્ટરે સિક્યુરિટી ગાર્ડને બોલાવ્યા.
ડોક્ટરના કહેવા પર આવેલા સિક્યુરિટી ગાર્ડે પરાગને અન્ય બેડ પર જવા કહ્યું, પરંતુ જ્યારે પરાગ ન ગયો, ત્યારે તેને માર મારવામાં આવ્યો. આ સમયે પરાગના માતા મનીષા પટેલ ત્યાં હાજર હતા, અને તેમની સામે જ પરાગને વધુ માર મારવામાં આવ્યો. મનીષા પટેલે આ ઘટનાનો વીડિયો બનાવવાનો પ્રયાસ કર્યો તો સિક્યુરિટી ગાર્ડે તેમનો મોબાઈલ પણ ઝૂંટવી લીધો હતો. આ ઘટના બાદ મનીષા પટેલે શાહીબાગ પોલીસ સ્ટેશનમાં ડોક્ટર અને સિક્યુરિટી ગાર્ડ વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે અરજી આપી છે.
મનીષા પટેલે આ ઘટના અંગે જણાવ્યું કે, પેશન્ટને માર મારવાનો કોઈને અધિકાર નથી. તેઓ દાદાગીરી કરીને દર્દીઓ પર ગુસ્સો કાઢી શકે નહીં. મારા દીકરાને માર મારનાર સિક્યુરિટી ગાર્ડ અને આ ઘટનામાં સંડોવાયેલા તમામ ડોક્ટરો અને ગાર્ડને સસ્પેન્ડ કરીને કડક કાર્યવાહી થવી જોઈએ. આ મામલે સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ ડૉ. રાકેશ જોશીએ જણાવ્યું છે કે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તપાસ શરૂ કરવામાં આવી છે.
(1:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
