News of Thursday, 7th August 2025
ઉત્તરાખંડમાં વાદળ ફાટતા આવેલ આફતમાં ફસાયેલા તમામ 141 ગુજરાતી સહીસલામત: ઋષિકેશ પટેલ
અમદાવાદના 99 અને ભાવનગરના 15 લોકોને ગેસ્ટહાઉસમાં રખાયા :વડોદરાના 5 લોકોને આર્મી કેમ્પમાં આશરો

ઉત્તરાખંડમાં આકાશી આફતે હાહાકાર મચાવ્યો છે. ઉત્તરાખંડમાં આભ ફાટતાની સાથે ઉત્તરકાશી જિલ્લાના ધારાલી ગામમાં અચાનક પૂર આવ્યું હતું. આ દુર્ઘટનામાં મોટી સંખ્યામાં ઘરો અને હોટલો ધ્વસ્ત થયા હતા. આ અચાનક પ્રચંડ પૂર પછી ધારાલીમાં ચારેબાજુ ફક્ત વિનાશનો માહોલ જોવા મળ્યો હતો. ધારાલીમાં NDRFની ટીમ અને સેના દ્વારા રાહત અને બચાવ કામગીરી કરી રહી છે. અત્યાર સુધીમાં 70 લોકોને બચાવી લેવામાં આવ્યા હોવાની માહિતી સેનાએ આપી છે. ત્યારે ઉત્તરાખંડમાં ફસાયેલા તમામ 141 ગુજરાતી પ્રવાસી સલામત હોવાની ઋષિકેશ પટેલે માહિતી આપી છે.
મળતી માહિતી મુજબ, ઉત્તરાખંડમાં આવેલી આફતમાં ફસાયેલા તમામ 141 ગુજરાતી સહીસલામત હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. ઉત્તરકાશી જિલ્લામાં વાદળ ફાટતા અનેક ગુજરાત પ્રવાસીઓ ફસાયા હતા. તમામ ગુજરાતી પ્રવાસી સલામત હોવાની ઋષિકેશ પટેલે માહિતી આપી છે. ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, અમદાવાદના 99 અને ભાવનગરના 15 લોકોને ગેસ્ટહાઉસમાં રાખવામાં આવ્યા છે. વડોદરાના 5 લોકોને આર્મી કેમ્પમાં આસરો આપવામાં આવ્યો છે. ઉત્તરાખંડના વાતાવરણમાં સુધારો આવતા તમામ લોકોને એરલિફ્ટ કરવામાં આવશે. ઉત્તરાખંડ સરકાર અને ગુજરાત સરકારનું ઈમરજન્સી વિભાગ સતત સંપર્કમાં છે.
ગુરુવારે, ઉત્તરકાશીના ધારાલી ગામમાં બચાવ કામગીરીના ત્રીજા દિવસે, સેનાએ મહત્વપૂર્ણ માહિતી આપી છે. સેનાએ કહ્યું છે કે ધારાલીમાં આવેલી આપત્તિ બાદ અત્યાર સુધીમાં 70 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. તે જ સમયે, 50 થી વધુ લોકો હજુ પણ ગુમ હોવાના અહેવાલ છે. આ ઉપરાંત, અકસ્માતમાં ચાર લોકોના મોતની માહિતી સામે આવી છે.
ઉત્તરાખંડ ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેક્રેટરી વિનોદ કુમાર સુમનએ માહિતી આપી છે કે ગંગોત્રી અને તેની આસપાસના વિસ્તારોમાં ફસાયેલા લગભગ 300 લોકોને હર્ષિલ લાવવામાં આવ્યા છે. આ બધા લોકો સુરક્ષિત છે. તેમણે જણાવ્યું છે કે આ મુસાફરોમાં ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, દિલ્હી, રાજસ્થાન, આસામ, કર્ણાટક, તેલંગાણા અને પંજાબ જેવા વિવિધ રાજ્યોના યાત્રાળુઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, આ દુર્ઘટના પછી એક અધિકારી અને 8 સૈન્ય કર્મચારીઓ ગુમ થયાના અહેવાલ છે. તે જ સમયે, હેલિકોપ્ટરની મદદથી 9 સૈન્ય કર્મચારીઓ અને ત્રણ નાગરિકોને દહેરાદૂન લાવવામાં આવ્યા છે.
ધારલીમાં આધુનિક સાધનો લાવવાના પ્રયાસો તેજ કરવામાં આવ્યા છે. કાટમાળ નીચે ફસાયેલા લોકોની શોધખોળ ઝડપી બનાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ધારલી અને નજીકના હર્ષિલમાં માનવતાવાદી સહાય અને આપત્તિ રાહત કામગીરી તેજ કરવામાં આવી છે. ઘણી જગ્યાએ ભૂસ્ખલન અને રસ્તા તૂટી પડવાના કારણે આ વિસ્તાર હજુ પણ અન્ય વિસ્તારોથી કપાયેલો છે. એન્જિનિયરો અને તબીબી ટીમો સહિત 225 થી વધુ બચાવ કાર્યકરો ઘટનાસ્થળે હાજર છે અને રાહત કામગીરી હાથ ધરી રહ્યા છે. શોધ અને બચાવ કૂતરાઓને પણ ઘટનાસ્થળે તૈનાત કરવામાં આવ્યા છે.
ઉતરાખંડમાં ફસાયેલા ગુજરાતી પ્રવાસી
જિલ્લો સંખ્યા
અમદાવાદ 99
પાટણ 24
ભાવનગર 15
બનાસકાંઠા 10
વડોદરા 5
(6:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
