<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 7th August 2025

અમદાવાદના મણીનગરમાં જવેલર્સમાં 12 કરોડથી વધુની ઠગાઈ કેસનો મુખ્ય આરોપી રવિ રામીના સાત દિવસના રિમાન્ડ મંજુર

આરોપીએ ઉચાપત કરીને મેળવેલી કરોડોની રકમ કઈ જગ્યાએ વાપરી અને તેનાથી કોઈ મિલકત ખરીદી છે કે કેમ એ દિશામાં તપાસ શરૂ

અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલા એક જ્વેલર્સ શો રૂમમાં લાંબા સમયથી નોકરી કરતા કર્મચારીએ છેતરપિંડી આચરી છે. વેપારીએ એકાઉન્ટન્ટ પર ભરોસો થતા તેને શો રૂમનું સંચાલય સોંપ્યું હતું, જોકે તે વાતનો જ ગેરલાભ લઈને આરોપીએ એક બે નહીં પરંતુ 12 કરોડથી વધુની કિંમતના દાગીનાની ઉચાપત કરી નાખી. વેપારીની જાણ થતાં આ મામલે ફરિયાદ નોંધાવી હતી અને પોલીસે આરોપીની ધરપકડ કરી છે. 

આર્થિક ગુના નિવારણ શાખાએ રવિ વસંતભાઈ રામી નામનાં યુવકની ધરપકડ કરી છે. આ યુવકે પોતાના નોકરીના સ્થળે જ મોટી ઉચાપત કરી નાખતા એને જેલમાં જવાનો વારો આવ્યો છે. ઘટનાની વાત કરીએ તો મણિનગર વિસ્તારમાં આવેલી આર.એસ ઝવેરી શો રૂમના માલિક શૈલેષકુમાર જૈન દ્વારા આ આરોપી સામે મણિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જેમાં આ રવિ રામી તેઓના સોના ચાંદીના શો રૂમમાં એકાઉન્ટ હેડ તરીકે દસ વર્ષથી નોકરી કરતો હોય ફરિયાદીને તેના પર વિશ્વાસ આવતા મણિનગર ખાતેના શો રૂમનો સંચાલન રવિ રામીને સોંપ્યું હતું. જોકે આરોપીએ તે વાતનો ગેરલાભ લઈને શો રૂમમાં આવતા સોનાના હિસાબમાં ગોટાળા કરી 11 કરોડ 73 લાખના સોનાની અને રોકડ સહિત 12 કરોડથી વધુની ઠગાઈ આચરી હતી.

આ મામલે આરોપીની ધરપકડ કરી તપાસ કરવામાં આવતા સામે આવ્યું કે રવિ રામી તેમજ તેનો ભાઈ કશીશ રામી બંને જણાએ ભેગા મળીને આર.એસ ઝવેરી અને આર.એસ ઝવેરી LLP બંનેના ખાતામાંથી એક મહિનામાં બે વાર બેંક મારફતે તેમજ રોકડમાં પગાર પેટે રકમ મેળવી ઉચાપત કરી હતી. જે પૈસા કશીશ રામી મુખ્ય આરોપી રવિ રામીના બેંક ખાતામાં અને રોકડમાં પૈસા આપી દેતો અને બાકીની રકમ અંગત ઉપયોગમાં વાપરી નાખતો હતો. આરોપી રવિ રામીએ તેની પત્ની ફરિયાદીની કંપનીમાં નોકરી ન કરતી હોવા છતાં તેને પગારદાર બતાવી કંપનીના લેટરપેડ અને અન્ય દસ્તાવેજનો દુરુપયોગ કરી પત્નીના નામે ₹ 20 લાખ રૂપિયા ની લોન પણ મેળવી હતી. 

આ ગુનામાં સામેલ સહ આરોપી કશીશ રામીની પહેલી ઓગસ્ટ 2025ના રોજ ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે મુખ્ય આરોપી રવિ રામીની પાંચમી ઓગસ્ટે ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરી સાત દિવસના રિમાન્ડ મેળવ્યા છે. આરોપીએ ઉચાપત કરીને મેળવેલી કરોડોની રકમ કઈ જગ્યાએ વાપરી અને તેનાથી કોઈ મિલકત ખરીદી છે કે કેમ એ દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે

 

(6:43 PM IST)