<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 7th August 2025

સુરતના વરિયાવ રિંગ રોડ પર બાઈક સવાર દંપતીને ડમ્પરે ટક્કર મારતા પત્નીનું ઘટનાસ્થળે જ કરુણ મોત

પતિને ગંભીર ઈજાઓ સાથે હોસ્પિટલ ખસેડાયા :અકસ્માત બાદ સમગ્ર વિસ્તારમાં શોક અને રોષની લાગણી

સુરત શહેરમાં બેફામ ડમ્પર ચાલકોનો આતંક ફરી એકવાર જોવા મળ્યો છે. વરિયાવ રિંગ રોડ પર એક ગમખ્વાર અકસ્માતમાં ડમ્પરની ટક્કરે બાઈક પર જઈ રહેલા એક દંપતીને ગંભીર ઈજાઓ થતાં પત્નીનું ઘટનાસ્થળે જ કરુણ મોત થયું છે, જ્યારે પતિને ગંભીર ઈજાઓ સાથે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં શોક અને રોષની લાગણી ફેલાઈ છે.

મળતી માહિતી મુજબ, મૃતક મહિલાનું નામ ગીતાબેન જૈયાવાળા છે. તેઓ પોતાના પતિ સાથે બાઈક પર જઈ રહ્યા હતા ત્યારે પાછળથી પૂરઝડપે આવી રહેલા એક ડમ્પરે તેમને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી ભયંકર હતી કે ગીતાબેનનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. તેમના પતિને પણ ગંભીર ઈજાઓ પહોંચી છે, જેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે. અકસ્માત બાદ ડમ્પર ચાલક પોતાનું વાહન ઘટનાસ્થળે મૂકીને ફરાર થઈ ગયો હતો.  
ઘટનાની જાણ થતાં જ જહાંગીપુરા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે અને ફરાર ડ્રાઈવરને પકડવા માટે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે આસપાસના CCTV ફૂટેજ પણ ચકાસવાનું શરૂ કર્યું છે.

(8:59 PM IST)