<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 7th August 2025

વડોદરાના સુરાશામળ ગામમાં રહેણાંક વિસ્તારમાં 15 ફૂટ લાંબો મહાકાય મગર દેખાતા ખળભળાટ

વસાવા ફળીયા પાસે ગટરવાળી કોતરમાંથી અચાનક મગર ધસી આવતા રહેવાસીઓમાં ફફડાટ: ટ્રેક્ટરની મદદથી રેસ્ક્યુ કરાયો

વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના સુરાશામળ ગામમાં રહેણાંક વિસ્તારમાં 15 ફૂટ લાંબો મહાકાય મગર દેખાતા ખળભળાટ મચી ગયો હતો. વસાવા ફળીયા પાસે આવેલી ગટરવાળી કોતરમાંથી અચાનક મગર ધસી આવતા આસપાસના રહેવાસીઓમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. સ્થાનિક લોકોએ તાત્કાલિક વાઈલ્ડલાઈફ ટ્રસ્ટના કાર્યકર ભરતભાઈ મોરેને જાણ કરી હતી.

મહાકાય મગરના રેસ્ક્યૂ માટે વાઈલ્ડલાઈફ ટ્રસ્ટના સભ્ય સંજય ખત્રી અને ઋતિક તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ભારે વજન અને મોટા આકારના મહાકાય મગરને પકડવા માટે ટીમે વધુ સાવચેતી અને જહેમતથી કામગીરી હાથ ધરી હતી.

મહાકાય મગરનું કદ અત્યંત મોટું હોવાથી તેને પાંજરામાં કેદ કરવું સરળ નહતું. આખી કામગીરીમાં 10થી વધુ લોકોએ ભારે જહેમત ઉઠાવી હતી. મગરને પાંજરામાં મૂકીને પાંજરાને ટ્રેક્ટરની મદદથી સ્થળ પરથી હટાવવામાં આવ્યું હતું. રેસ્ક્યૂ કામગીરી દરમિયાન ગામના અનેક લોકો ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા અને આખું દ્રશ્ય જોઈ રહ્યાં હતા.

જ્યારે મગરને સુરક્ષિત રીતે પાંજરામાં કેદ કરીને ટ્રેક્ટર દ્વારા સ્થળાંતર કરાયું, ત્યારે ગામના લોકોને હાશકારો થયો હતો. વાઈલ્ડલાઈફ ટ્રસ્ટની ટીમે મગરને શિનોર વન વિભાગના અધિકારી ઓને સોંપી દેવામાં આવ્યો હતો, જ્યાંથી તેને નદીનાં કુદરતી નિવાસમાં છોડવામાં આવશે.

(9:50 PM IST)