<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 7th August 2025

સરકારી તંત્રએ જીવતા માણસને મૃત જાહેર કરી દીધો

સરકારી તંત્રની ગંભીર બેદરકારીઃરેશનકાર્ડ ખોવાઈ જતાં વેપારી કચેરીએ ગયા હતાં જ્યાં તેઓ પોતે મૃત હોવાની જાણકારી મળી હતી

વડોદરા, તા.૭

ગુજરાતમાં સરકારી તંત્રના સારા અને નરસા અનેક અનુભવો લોકોને થતા હોય છે. ત્યારે એક વેપારીને સરકારી સિસ્ટમનો કડવો અનુભવ થયો છે. કાપડના વેપારીને તંત્રએ મૃત જાહેર કરી દેતા અનેક સવાલો ઉભા થયાં છે. સરકારી ચોપડે કાપડના વેપારી હનિફ કચ્છીને મૃત જાહેર કરવામાં આવ્યા છે. રેશનકાર્ડ ખોવાઈ જતાં વેપારી કચેરીએ ગયા હતાં જ્યાં તેઓ પોતે મૃત હોવાની જાણકારી મળી હતી.પ્રાપ્ત વિગતો પ્રમાણે વડોદરામાં હનીફ કચ્છી નામના કાપડના વેપારીનું રેશનકાર્ડ ખોવાઈ ગયું હતું. જેથી તેઓ રેશનકાર્ડ કઢાવવા માટે સરકારી કચેરીમાં ગયા હતાં. જ્યાં સરકારી ચોપડે તેઓ મૃત હોવાનું જાણવા મળતા તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. પોતે જીવીત હોવા છતાં સરકારી તંત્રએ તેમને મૃત જાહેર કર્યા હતાં. તેમનો દીકરો જરૃરી કાગળો લઈને ગયો તો અધિકારીએ એવું કહ્યું હતું કે, તમારા પિતાનું નિધન થઈ ગયું છે.

કાપડના વેપારી હનીફ કચ્છીએ કહ્યું હતું કે, હું જીવતો છું એવું મારે પુરવાર કરવું પડશે. કર્મચારીએ કહ્યું હતું કે, આ માટેની પ્રોસેસમાં ૨૦ દિવસનો સમય લાગશે. સરકારી તંત્રના છબરડાને કારણે અનેક લોકોને મોટી મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે. જીવતા માણસને તંત્રના કર્મચારીઓની બેદરકારી મૃત જાહેર કરી નાંખે છે. વડોદરામાં કાપડના વેપારીને હવે પોતે જીવીત છે એવું પુરવાર કરવા ભારે મુસીબતનો સામનો કરવો પડશે એવું તેમનું કહેવું છે.

આ અંગે વડોદરાના ડેપ્યુટી મામલતદાર ફાલ્ગુની ચંદાવરાનું કહેવું છે કે, મારી સાસુ મરી જતા હું રજા પર હતી આજે જ ફરજ પર આવી છું.૨૦૧૭-૧૮ના ડેટામાં સમસ્યા થઇ છે. રેશનકાર્ડ અપડેટ ન થતા તેમનું નામ મૃતકમાં જતું રહ્યું છે. કોઈ કર્મચારીએ ગેરવર્તન કર્યું હશે તો હું માફી માંગુ છું. આ સમસ્યાનો એક કલાકમાં અંત આવશે.

(10:20 PM IST)