<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 8th August 2025

જેટકોની બલીહારીઃ જે પોસ્ટ જ નથી તેની ભરતીની કાર્યવાહી કરીઃ ૧૫૩ ઉમેદવારોની પસંદગી બાદ ભોપાળુ છતું...

જેટકો કહે છે....મામલો કોર્ટમાં હોય એટલે અમે ભરતી રદ કરી છે... : હવે આખરે ભરતી રદ કરી નખાઇઃ ફી પાછી આપવાની જાહેરાતઃ સેંકડો ઉમેદવારોમાં પ્રચંડ રોષ...

રાજકોટ તા.૮ : ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ (જેટકો) દ્વારા વેબસાઈટ પર એવી જાહેરાત કરી કે પ્લાન્ટ એટેન્ડન્ટની પોસ્ટ માટે સીલેકટ થયેલા ૧૫૩ ઉમેદવારોની ભરતી કેન્સલ કરવામાં આવી છે અને તેમને પરીક્ષા ફી હવે ૧૫ દિવસમાં પાછી આપવામાં આવશે. આ જાહેરાતના પગલે પસંદગી પામેલા ઉમેદવારોમાં ભારે રોષ વ્યાપ્યો છે, જો કે જેટકોના સૂત્રો કહે કે મામલો કોર્ટમાં છે એટલે આ નિર્ણય લેવો પડયો છે. જેટકોમાં થયેલ આ ગંભીર બાબતની વિગતો એવી છે કે દોઢ વર્ષ પહેલાં જેટકો દ્વારા પીએ વનની પોસ્ટ માટે વીજ કંપનીના અને અન્ય ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામા આવી હતી. જેના આધારે લેખિત પરીક્ષા લેવામાં આવી હતી. દસ હજાર અરજદારો પૈકી લેખિત પરીક્ષા આપવા માટે અંદાજે ૪૭૨ ઉમેદવારો પરીક્ષા માટે બોલાવાયા હતા જે પૈકી ૧૫૩ ઉમેદવારોની પસંદગી કરવામાં આવી હતી. ૧૫૩ ઉમેદવારોના તબીબી પરીક્ષણ પણ થઈ ચુકયા હતા પણ પસંદ નહી થયેલા કેટલાક ઉમેદવારો કોર્ટમા ગયા હતા અને રજૂઆત કરી હતી કે,જેટકોમાં આ પ્રકારની કોઈ પોસ્ટ જ નથી તો જેટકો આ પ્રકારે કેવી રીતે સીલેકશન કરી શકે ત્યારે કોર્ટમાં જેટકોએ એવો જવાબ આપ્યો હતો. કે, જેટકોમાં આ પ્રકારની કોઈ પોસ્ટ જ નથી. મામલો કોર્ટમાં જતાં જેટકોએ આખી સીલેકશન પ્રોસેસને રદ કરી નાંખી છે અને નવેસરથી સીલેકશન પ્રક્રિયા કરવાની વાત કરી છે પણ કઈ પોસ્ટ માટે ભરતી કરાશે તેનો કોઈ ઉલ્લેખ કરાયો નથી પણ ઉમેદવારોને તેમની પરીક્ષા ફ્રી ૧૫ દિવસમાં આપી દેવામાં આવશે તેવી વાત કરી છે જેના પગલે વિવાદ વધુ વકર્યો છે.

(3:58 PM IST)