News of Friday, 8th August 2025
વિશ્વ સિંહ દિવસ : સિંહ, સાવજ, વનરાજ, કેસરી, મૃગેન્દ્ર, ડાલામથ્થો... જંગલ ગજાવતી ગર્જના, લાંબી કેશવાળી, સ્નાયુબધ્ધ શરીર, મદમસ્ત ચાલનો માલીક ગિરનો રાજા

૧૦ મી ઓગષ્ટ વિશ્વ સિંહ દિવસ... સિંહ, સાવજ, વનરાજ, કેસરી, મૃગેન્દ્ર, ડાલામથ્થો - આવું એક પણ નામ સાંભળીએ ત્યારે જંગલનો રાજા એવો સિંહ બેફિકરાઈ થી મદમસ્ત રીતે ચાલતો દેખાય! જાણે આખા જંગલમાં નવો પ્રાણ ફૂંકાયો હોય તેવું લાગે! કોઈ સંત મહાત્મા જેવી પ્રભાવશાળી અને રાત્રિના સાવ ઓછાં પ્રકાશમાં પણ સારી રીતે જોઈ શકતી મોટી આંખો, આઠ કિલોમીટર સુધી જંગલ ગજાવતી ગર્જના, લાંબી કેશવાળી અને સ્નાયુબદ્ધ શરીર! ધીમે ધીમે ચાલતો હોય તેવું લાગે, પરંતુ તેણે એક દિવસમાં ૫૬ કિલોમીટર દૂર સુધી ચાલી નાખ્યું હોવાનું નોંધાયેલ છે.
સિંહની ઉત્પત્તિ પૂર્વ આફ્રિકાનાં ટાન્ઝાનિયા માં આશરે ૨૦ લાખ વર્ષ પહેલાં થયી હતી. આદિમાનવ (હોમો સેપિયન) ની ઉત્પત્તિ આશરે ત્રણ લાખ વર્ષો પહેલાં આફ્રિકામાં જ થઈ. કાળક્રમે હાલનો અર્વાચીન હોમો સેપિયન ૧,૬૦,૦૦૦ વર્ષો પહેલાં અસ્તિત્વમાં આવ્યો. લેટિન ભાષામાં હોમો એટલે મનુષ્ય અને સેપીયન એટલે ડાહ્યો.
સિંહનું વૈજ્ઞાનિક નામ ફેલીસ લીયો Felis leo રાખવામાં આવેલ, પછી બદલાવીને પેન્થેરા લીયો Panthera leo કરવામાં આવ્યું. હીમ યુગ (Ice age) દરમિયાન સિંહોનું આફ્રિકાથી - ઉત્તર પશ્ચિમ તરફથી - દક્ષિણ તરફ માઇગ્રેશન શરૃ થયું. તેઓ આશરે ૫૫,૦૦૦ વર્ષ પહેલાં ઉત્તર અમેરિકા અને યુરોપમાં થઈ, આશરે ૨૦,૦૦૦ વર્ષો પહેલાં એશિયા માઇનોર, અરેબીયા અને પર્શિયા થઈ દક્ષિણ એશિયા અને હાલનાં ભારતમાં આવ્યાં. ભૂતકાળમાં ભારતમાં ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા, રાજસ્થાન, મધ્યપ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ અને તત્કાલીન બોમ્બે રાજ્યોમાં સિંહો હતાં.
૧૮ મી અને ૧૯મી સદીમાં કેટલીક માનવીય પ્રવૃત્તિઓને કારણે સિંહોના કુદરતી રહેઠાણ એટલે કે વન વિસ્તારો અને આહાર માટે નાં તૃણાહારી પ્રાણીઓ ઝડપથી ઘટવા લાગ્યાં. સિંહોની વસ્તી ઘટવા પાછળ આ મુખ્ય કારણો છે. ઉપરાંત મોગલ બાદશાહો, રાજા-મહારાજાઓ અને બ્રિટિશ અધિકારીઓ દ્વારા ગેમ, સ્પોર્ટ્સ કે ટ્રોફી હન્ટિંગનાં નામે બેરોકટોક કરવામાં આવતાં શિકાર, વેપાર, વિગેરે કારણોસર બધાં રાજ્યોમાંથી સિંહો વિલુપ્ત થયાં. માત્ર પિ?મ ભારતનાં તત્કાલીન જૂનાગઢ રાજ્યનાં ગીર જંગલ અને આસપાસનાં વિસ્તારોમાં ૬૦ડ્ડ૧૦૦ જેટલાં સિંહ બચી ગયાં હતાં. કાઠીયાવાડ/સૌરાષ્ટ્ર ની બહાર છેલ્લો સિંહ ૧૮૮૪ માં મધ્ય ભારતમાં ગ્વાલિયર રાજ્યની સીમા પર જોવાં મળ્યો હતો.
સન ૧૯૦૦ માં બ્રિટિશ વાઇસરોય હીઝ એકસેલેન્સી લોર્ડ જ્યોર્જ નથાનીઅલ કર્ઝન ગીરમાં સિંહનો શિકાર કરવા માટે આવવાના હતા. તે સમયે બોમ્બે નાં એક અંગ્રેજી દૈનિકમાં એક જાગૃત નાગરિકે ઊંડી ચિંતા દર્શાવતો પત્ર લખ્યો હતો. ૅવાઇસરોય ઓર વંડાલ?ૅ (વાઇસરોય કે વિધ્વંસક?) શીર્ષક નીચે પ્રસિદ્ધ થયેલ પત્રમાં ચિંતા દર્શાવેલ કે જો આ રીતે શિકાર ચાલુ રહેશે તો પૃથ્વી પર એક પણ એશિયાઈ સિંહ નહીં બચે. લોર્ડ કર્ઝન નાં ધ્યાનમાં આ સમાચાર આવતાં તેઓ શ્રીએ સાસણ ગીરની મુલાકાત રદ કરી અને જૂનાગઢથી જ પાછાં ફરી ગયાં. જતી વખતે જુનાગઢ રાજ્યનાં આઠમાં નવાબ હીઝ હાઈનેસ મોહમ્મદ રસુલખાનજી બાબી બીજાં ને સિંહોનું સંરક્ષણ કરવાનું સૂચન કરતાં ગયાં. ત્યાર બાદ નવાબસાહેબ દ્વારા સિંહ તથાં બીજાં વન્યપ્રાણીઓનાં શિકાર પર કાયદાકીય નિયંત્રણો મુકાયાં અને સિંહ સંરક્ષણની શરૃઆત થઈ. રાજ્ય અને કેન્દ્ર સરકારો, વૈજ્ઞાનિકો, બિનસરકારી સંસ્થાઓ, જાગૃત મીડિયા અને સ્થાનિક લોકોનાં સંયુકત અને સતત પ્રયત્નોથી એક સમયે અશક્ય લાગતું સિંહોનું સફળ સંરક્ષણ અને સંવર્ધન હકીકત બન્યાં છે.
છેલ્લાં સવાસો વર્ષોમાં સિંહોની સંખ્યા લગભગ ૧૦ ગણી વધીને ૮૯૧ થઈ છે, અને તેની રોમિંગ રેન્જ ૨૦ ગણી વધીને ૩૫ હજાર વર્ગ કિલોમીટર થઈ છે. આ કુદરતી પ્રક્રિયા હજી ચાલુ જ છે. મેં ૨૦૨૫ નાં સિંહ વસ્તી અંદાજ મુજબ ગીર અને પાણીયા આરક્ષિત વિસ્તારો અને તેની આજુબાજુમાં ૩૮૪ એશિયાઈ સિંહોની સ્ત્રોત/મૂળ વસ્તી છે. તે ઉપરાંત ગિરનાર, મીતીયાળા, અને બરડા આરક્ષિત વિસ્તારો તથાં બૃહદ ગીરનાં જિલ્લાઓમાં ૧૦ વિસ્તારોમાં સેટેલાઈટ પોપ્યુલેશન્સ નોંધાયેલ છે.
આ બાબત ભારત અને ખાસ કરીને ગુજરાત માટે ગર્વ લેવા જેવી છે. આનાથી વિપરીત સન ૧૯૦૦ માં આફ્રિકાનાં ૫૪ દેશોમાં બે લાખથી વધારે સિંહ હતાં. હાલ તેમાંથી અડધાથી વધુ એટલે કે ૨૩ દેશોમાંથી સિંહો સંપૂર્ણપણે વિલુપ્ત થઈ ગયા છે. બાકીનાં ૨૧ દેશોમાં માત્ર ૨૩,૦૦૦-૨૪,૦૦૦ જેટલાં જ સિંહો બચ્યાં છે. આપણાં દેશમાં પ્રવર્તમાન છે, તેવાં વન્યપ્રાણી સંરક્ષણનાં કડક કાયદાઓનાં અભાવે ત્યાં સંખ્યા હજુ પણ ઘટી રહી છે. દક્ષિણ આફ્રિકાનાં અમુક દેશોમાં સિંહોનું ર્ફામિંગ (ખેતી) કરવામાં આવે છે. રૃપાળા નર સિંહોને મોટાં કરી, વિદેશનાં શોખીનો અઢળક નાણા આપી, તેમનો શિકાર કરી આ ૅશૂરવીરોૅ ટ્રોફી પોતાનાં દેશમાં લઈ જાય છે! અમુક જગ્યાએ સિંહોને ડ્રગ્સ આપી પ્રવાસીઓ સાથે ચાલવાનો અને તેમનાં પર હાથ ફેરવવાનો મિથ્યા આનંદ લેવડાવવામાં આવે છે! આ બંને પરિસ્થિતિઓ ઘણી ચિંતાજનક છે. જાણ્યે-અજાણ્યે ગુજરાતનાં નાગરિકો સહિત અનેક પ્રવાસીઓ આ દુઃખદ બાબતમાં સહભાગી થાય છે!
સિંહનાં અસ્તિત્વ સામે ગંભીર ખતરારૃપ આવી અનેક બાબતો સામે વિશ્વમાં જાગૃતિ ફેલાવવા માટે અમેરિકાનાં એક યુગલ ડેરીક અને બેવર્લી હ્યુબર્ટ અને નેશનલ જિયોગ્રાફીક સોસાયટી એ સાથે મળીને ૨૦૦૯ માં બીગ કેટ ઈનિશિયેટિવ નામની બિનસરકારી સંસ્થા ની રચના કરી. તેનાં દ્વારા ૧૦ મી ઓગસ્ટ ૨૦૧૩ થી વિશ્વ સિંહ દિવસ ની ઉજવણી કરવાનું શરૃ થયું. અનેક દેશોની સાથે આપણાં દેશમાં પણ વિવિધ સંસ્થાઓ દ્વારા વિશ્વ સિંહ દિવસની ઉજવણી થાય છે. ગીરમાં અને તેની આજુબાજુનાં ગામોમાં તો શાળા-કોલેજો નાં સેંકડો વિદ્યાર્થીઓ તથાં ગામોનાં લોકો, વન વિભાગ સાથે મળીને સિંહો અને તેમનાં કુદરતી હેબિટટાટસ નાં સંરક્ષણ વિશે જાગૃતિ ફેલાવે છે.
ગુજરાતમાં સિંહ સંરક્ષણ નાં સતત અને સહિયારા પ્રયાસો નાં પરિણામે તેમની વસ્તી અને રોમિંગ રેન્જ વધી રહી છે. સાથો સાથ મનુષ્યની વસ્તી પણ વધી રહી છે. સ્વાભાવીક રીતે જ કુદરતી વન વિસ્તારો નાનાં પડે છે, તેથી આશરે ૪૪્રુ સિંહો ગીચ માનવ વસ્તી ધરાવતાં વિસ્તારો આસપાસ રહે. છે. કેટલાંક લોકોને ખ્યાલ નથી કે સિંહની નજીક જવું, તેની સાથે સેલ્ફી લેવી કે તેની પજવણી કરવી તે એક સજાપાત્ર ગંભીર ગુનો છે. તેમાં જાનનું જોખમ પણ રહેલું છે. તાજેતરમાં ભાવનગર જિલ્લાનાં તળાજા તાલુકાનાં બાંભોર - તલ્લી ગામની સીમ પાસે એક વ્યકિતએ મારણ આરોગી રહેલ સિંહની નજીક જઈ પોતાની બહાદુરીૅ દર્શાવતો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો.
વન વિભાગની શેત્રુંજી વન્યપ્રાણી રેંજના જાગૃત અધિકારીઓ અને ફિલ્ડ સ્ટાફ દ્વારા આરોપીની ધરપકડ કરી, વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ - ૧૯૭૨ હેઠળ કુલ ૯ કલમો લગાવી, ગુનો નોંધીને તેને કોર્ટમાં રજૂ કરાતાં, નામદાર કોર્ટે પણ ગુનાની ગંભીરતા જોતાં સખત વલણ અપનાવ્યું અને જામીન ન આપ્યાં, તેથી આ ૅબહાદુરઁ ને જેલમાં ધકેલવામાં આવ્યો.
નામ મુજબ જો હોમો સેપિયન - ડાહ્યો મનુષ્ય - શાણપણથી રહે, અને હોમો સ્ટુપીડસ એટલે કે મૂર્ખ મનુષ્ય બની ઉપર મુજબનાં સ્ટંટ ન કરે તો મનુષ્ય અને વનરાજ બંનેનું શાંતિપૂર્ણ સહઅસ્તિત્વ જળવાઈ રહેશે.
વૈશ્વિક કક્ષાએ સંગઠિત પ્રયાસો થી સિંહો અને તેમનાં કુદરતી રહેઠાણો નું સંરક્ષણ અને સંવર્ધન કરવું એ આ વર્ષનાં વિશ્વ સિંહ દિવસની થીમ છે.
લોકપ્રિય અકિલા દૈનિક નાં સિંહ પ્રેમી વાંચકોને વિશ્વ સિંહ દિવસની અનેક શુભેચ્છાઓ. (૪.૩૩)
જય ગીર! જય કેસરી!
- ભૂષણ પંડ્યા
પૂર્વ સભ્ય, સ્ટેટ બોર્ડ ફોર વાઈલ્ડલાઇફ,
વાઈલ્ડલાઈફ ફોટોગ્રાફર
મો.૯૪૨૮૨ ૦૩૧૧૭
આલેખનઃ ભૂષણ પંડ્યા
તસ્વીરોઃ પ્રીતિ પંડ્યા તથા
ભૂષણ પંડ્યા
સાભાર સૌજન્યઃ
શ્રી જયદેવસિંહ જાડેજા

(3:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
