<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 9th August 2025

૨૦૦૦થી વધુ સાપને બચાવનાર યુવકનો કાળ સાપ જ બન્‍યોઃ સર્પદંશથી કરુણ મોત

 

વડોદરાઃ શિનોર તાલુકાના અવાખલ ગામે ઝેરી સાપ નીકળતા પ્રાણી ફાઉન્‍ડેશનના અશોક પટેલ સાપને રેસ્‍ક્‍યુ કરવા માટે પહોંચ્‍યા હતા. તેમણે સાપનું સફળતાપૂર્વક રેસ્‍ક્‍યુ કરી લીધુ હતું, પરંતુ આ દરમિયાન ચૂક થતાં સાપે રેસ્‍ક્‍યુઅરના હાથ પર દંશ માર્યો હતો. સ્‍થાનિકોએ તાત્‍કાલિક ૧૦૮ એમ્‍બ્‍યુલન્‍સ બોલાવીને તેમને સરકારી હોસ્‍પિટલ પહોંચાડ્‍યા હતા. ટૂંકી સારવારમાં તેમનું મોત નીપજ્‍યું હતું.

મળતી માહિતી મુજબ, વડોદરા જિલ્‍લામાં લગભગ ૨૦૦૦થી વધુ સાપ, મગર અને અન્‍ય ઝેરી જીવોનું સફળતાપૂર્વક રેસ્‍ક્‍યુ કરનાર અશોક પટેલને સાપ દંશ મારતા મોત નીપજ્‍યું હતું. ૪ ઓગસ્‍ટના રોજ સાધલી સ્‍કૂલમાં રેસ્‍ક્‍યુઅર અશોક પટેલે સાપનું રેસ્‍ક્‍યુ કર્યું હતું. ત્‍યારબાદ સાંજના પોતાના ગામ અવાખલમાં સાપનું રેસ્‍ક્‍યુ કરતી વખતે સાપે દંશ માર્યો હતો.

રેસ્‍ક્‍યુઅર અશોક પટેલે હોસ્‍પિટલ જતાં પહેલા એક વીડિયો બનાવીને સમગ્ર ઘટના અંગે જાણકારી આપી હતી. જ્‍યારે રેસ્‍ક્‍યુઅરને હોસ્‍પિટલમાં સારવાર દરમિયાન સમયસર ઓક્‍સિજન અને પૂરતી તબીબી સેવા ન મળવાથી મૃત્‍યુ નીપજ્‍યું હોવાનો ગ્રામજનોએ આક્ષેપ કર્યો હતો.(૩૮.૪)

(10:00 AM IST)