<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 9th August 2025

આપણે સૌએ બાળ સંરક્ષણ ગૃહમાં આવેલા બાળકોનું પુનર્વસન કરી તેમને મુખ્‍ય પ્રવાહમાં લાવવાનું કામ કરવાનું છે : ભાનુબેન

ગાંધીનગરમાં બાળ સુરક્ષા વિષયક વર્કશોપનું આયોજન : મિશન વાત્‍સલ્‍ય અંતર્ગત ચાઈલ્‍ડ વેલ્‍ફેર કમિટી અને જુવેનાઈલ જાસ્‍ટિસ બોર્ડના સભ્‍યો માટે તાલીમ : આપણો ઉદ્દેશ દરેક બાળકને તેનો યોગ્‍ય હક મળે અને તેનું બાળપણ સુરક્ષિત રહે તે હોવો જોઈએ : ભીખુસિહજી પરમાર

(અશ્વિન વ્‍યાસ દ્વારા) ગાંધીનગર : સામાજિક ન્‍યાય અને અધિકારીતા વિભાગ, સમાજ સુરક્ષા પ્રભાગ, સ્‍ટેટ ચાઈલ્‍ડ પ્રોટેક્‍શન સોસાયટી અને સ્‍ટેટ એડોપ્‍શન રિસોર્સ એજન્‍સીના સંયુક્‍ત ઉપક્રમે ગાંધીનગર ખાતે બાળ સુરક્ષા વિષયક વર્કશોપ યોજાયો હતો.  આ કાર્યક્રમનો શુભારંભ સામાજિક ન્‍યાય અને અધિકારીતા મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયા અને રાજ્‍યમંત્રી શ્રી ભીખુસિહજી પરમારે કરાવ્‍યો હતો.

શ્રીમતી ભાનુબેન બાબરીયાએ નવનિયુક્‍ત સભ્‍યોને સંબોધતા જણાવ્‍યું કે, આપણે સૌએ બાળ સંરક્ષણ ગૃહમાં આવેલા બાળકોનું પુનર્વસન કરી તેમને મુખ્‍ય પ્રવાહમાં લાવવાનું કામ કરવાનું છે.

ગંભીર ગુનાઓથી પીડિત બાળકોને યોગ્‍ય રક્ષણ આપી તેમના જીવનમાં નવી આશાનો સંચાર કરવો એ આપણી પ્રાથમિકતા છે. તેમણે વધુમાં જણાવ્‍યું કે, બાળ કલ્‍યાણ સમિતિ અને જુવેનાઈલ જાસ્‍ટિસ બોર્ડ વચ્‍ચેનું સંકલન મજબૂત હોવું ખૂબ જરૂરી છે.

શ્રી ભીખુસિહજી પરમારે જણાવ્‍યું કે, જ્‍યારે કોઈ બાળક કાયદાના સંઘર્ષમાં આવે છે, ત્‍યારે જુવેનાઈલ જાસ્‍ટિસ બોર્ડ તેના માટે આશાનું કિરણ બને છે. આપણો ઉદ્દેશ દરેક બાળકને તેનો યોગ્‍ય હક મળે અને તેનું બાળપણ સુરક્ષિત રહે તે હોવો જોઈએ.

બાળ અધિકાર આયોગના અધ્‍યક્ષ શ્રી ધર્મિષ્‍ઠાબેન ગજ્જરે બાળકોના ઉજ્જવળ ભવિષ્‍ય માટે શિક્ષણ, આરોગ્‍ય અને સુરક્ષાને પ્રાધાન્‍ય આપવાની વાત પર ભાર મૂક્‍યો હતો.

આ પ્રસંગે વિકસતી જાતિ પ્રભાગના નિયામક શ્રી વિક્રમસિહ જાદવે સ્‍વાગત ઉદ્વોધન કર્યું હતું, જેમાં તેમણે નવા સભ્‍યોને અભિનંદન પાઠવી તેમની કામગીરીની રૂપરેખા આપી હતી.

સામાજિક ન્‍યાય અને અધિકારીતા વિભાગના અગ્ર સચિવ શ્રી મોહમ્‍મદ શાહીદે પણ પ્રાસંગિક ઉદ્વોધન કર્યું હતું.

આ કાર્યક્રમમાં ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર શ્રીમતી મીરાબેન પટેલ, જિલ્‍લા પંચાયત પ્રમુખ શ્રીમતી શિલ્‍પાબેન પટેલ, ધારાસભ્‍ય શ્રીમતી રીટાબેન પટેલ, સમાજ સુરક્ષા પ્રભાગના સંયુક્‍ત નિયામક શ્રીમતી હંસાબેન વાળા, તેમજ ચાઈલ્‍ડ વેલ્‍ફેર કમિટી અને જુવેનાઈલ જાસ્‍ટિસ બોર્ડના નવનિયુક્‍ત સભ્‍યો ઉપસ્‍થિત રહ્યા હતા.

(3:02 PM IST)