<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 11th August 2025

સૌરાષ્ટ્રમાં વરસાદનું પ્રમાણ ઘણું અસમાન: 14 તાલુકામાં માત્ર 23% થી 38% જેટલો જ વરસાદ: જાણો સમગ્ર ચિત્ર

સૌરાષ્ટ્રના 11 જિલ્લાના 81 તાલુકામાંથી 40% વિસ્તારમાં 50%થી પણ ઓછો વરસાદ નોંધાયો

અમદાવાદ : આ વર્ષે ચોમાસું ભલે 20 દિવસ વહેલું બેઠું હોય, પરંતુ તેનો ખાસ લાભ સૌરાષ્ટ્રના ખેડૂતોને મળ્યો નથી. ચોમાસાના 45 દિવસ વીતી ગયા હોવા છતાં, સૌરાષ્ટ્રના 11 જિલ્લાના 81 તાલુકામાંથી 40% વિસ્તારમાં 50%થી પણ ઓછો વરસાદ નોંધાયો છે. છેલ્લા એક પખવાડિયાથી વરસાદે વિરામ લેતાં ખેતરોમાં ઉભો પાક મુરઝાઈ રહ્યો છે, જેના કારણે ખેડૂતો ચિંતિત છે. અષાઢ મહિનામાં વરસાદના બે સારા રાઉન્ડ બાદ ખેડૂતોએ કપાસ, મગફળી, અને તલ જેવા ખરીફ પાકનું વાવેતર કર્યું હતું, પરંતુ ત્યારબાદ વરસાદ ખેંચાતા પાક-પાણીનું ચિત્ર ધૂંધળું બન્યું છે.

સત્તાવાર આંકડાઓ મુજબ, સૌરાષ્ટ્રમાં વરસાદનું પ્રમાણ ઘણું અસમાન જોવા મળ્યું છે. 14 તાલુકાઓ એવા છે જ્યાં માત્ર 23% થી 38% જેટલો જ વરસાદ પડ્યો છે, જેમાં પોરબંદર, બગસરા, જાફરાબાદ, અને કોડીનાર જેવા તાલુકાઓનો સમાવેશ થાય છે. જ્યારે 18 તાલુકાઓમાં 31% થી 49% વરસાદ નોંધાયો છે, જેમાં ચોટીલા, પાલીતાણા, કાલાવડ, અને જસદણનો સમાવેશ થાય છે. બીજી તરફ, 22 તાલુકાઓમાં 50% થી 90% વરસાદ પડ્યો છે અને માત્ર 5 તાલુકાઓ - જોડિયા, ગઢડા, સિહોર, ઉમરાળા, અને વલ્લભીપુરમાં 100% વરસાદ નોંધાયો છે.

સૌરાષ્ટ્રના 11 જિલ્લાઓમાં અડધું ચોમાસું વીતી ગયું હોવા છતાં હજુ સુધી એક પણ જિલ્લામાં 100% વરસાદ થયો નથી. સૌથી વધુ વરસાદ બોટાદમાં 85.74% અને સૌથી ઓછો વરસાદ સોમનાથ જિલ્લામાં માત્ર 39.21% નોંધાયો છે. અન્ય જિલ્લાઓની વાત કરીએ તો, રાજકોટમાં 48.88%, મોરબીમાં 59.59%, જામનગરમાં 55.77%, અને અમરેલીમાં 45.67% વરસાદ નોંધાયો છે. આમ, સમગ્ર સૌરાષ્ટ્રમાં સરેરાશ માત્ર 55.91% જ વરસાદ વરસ્યો છે, જે ખેડૂતો માટે ચિંતાનો વિષય બન્યો છે.

(1:15 PM IST)