તા. ૧૮ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૯ બુધવાર
News of Monday, 11th August 2025
અમદાવાદ કોંગ્રેસ સંગઠનમાં નવા પ્રાણ ફૂંકવા 'સંગઠન સૃજન અભિયાન'નો પ્રારંભ : ગુજરાત પ્રદેશ કોંગ્રેસના ઉપપ્રમુખ ગાયત્રીબા વાઘેલા અને પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ પ્રભારી તરીકે નિમાયા
આગામી મહાનગરપાલિકા ચૂંટણી પહેલાં કોંગ્રેસનું માળખું મજબૂત કરવા બે દિવસ સુધી વિવિધ વોર્ડમાં કાર્યકર્તાઓ અને હોદ્દેદારો સાથે બેઠકો યોજાશે : 14 ઓગસ્ટ સુધીમાં રિપોર્ટ રજૂ કરાશે

અમદાવાદ: ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા રાજ્યભરમાં ચલાવવામાં આવી રહેલા 'સંગઠન સૃજન અભિયાન' અંતર્ગત અમદાવાદ શહેર કોંગ્રેસને ફરીથી સક્રિય અને મજબૂત બનાવવાના હેતુથી એક મહત્ત્વપૂર્ણ પહેલ હાથ ધરવામાં આવી છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના ઉપપ્રમુખ ગાયત્રીબા વાઘેલા અને પાટણના ધારાસભ્ય કિરીટ પટેલને અમદાવાદ શહેર સંગઠનના પ્રભારી તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિતભાઈ ચાવડા અને પ્રદેશ કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિક દ્વારા આ નિમણૂક કરવામાં આવી છે.
આ જવાબદારીના ભાગરૂપે, ગાયત્રીબા વાઘેલા અને કિરીટ પટેલે આજે અમદાવાદ શહેરના વેજલપુર, જોધપુર, મકતમપુરા અને સરખેજ સહિતના વિવિધ વોર્ડની મુલાકાત લીધી હતી. અહીં તેમણે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો સાથે સીધો સંવાદ સાધ્યો અને તેમની રજૂઆતો સાંભળી. આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ્ય શહેર સંગઠનના માળખા માટે સક્ષમ વોર્ડ પ્રમુખો અને હોદ્દેદારોની પસંદગી કરવાનો છે.
આ બંને પ્રભારીઓ આગામી બે દિવસ સુધી અમદાવાદ શહેરના જુદા જુદા વોર્ડમાં સંગઠન સૃજન અભિયાન ચલાવી, કોંગ્રેસને ભાજપ સરકાર સામે મજબૂત ટક્કર આપી શકે તેવા કાર્યકરોની શોધ કરશે. તેઓ એવા કાર્યકરોને સંગઠનના મુખ્ય પ્રવાહમાં જોડવાનું કામ કરશે જેઓ પ્રજાના પ્રશ્નોને વાચા આપી શકે અને લોકોના હિતમાં કામ કરી શકે. આ અભિયાન બાદ, તેઓ પોતાના અભિપ્રાય અને ભલામણો સાથેનો રિપોર્ટ તારીખ 14 ઓગસ્ટ, 2025 સુધીમાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિતભાઈ ચાવડા અને પ્રભારી મુકુલ વાસનિકને સોંપશે.
આગામી દિવસોમાં આવનારી મહાનગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયતોની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને કોંગ્રેસનું આ પગલું ખૂબ જ મહત્ત્વનું છે. મજબૂત સંગઠન, સક્ષમ ઉમેદવારો અને પ્રજાભિમુખ મુદ્દાઓ સાથે કોંગ્રેસ ભાજપ સરકારને મજબૂત ટક્કર આપવા માટે સજ્જ થઈ રહી છે, તેવો વિશ્વાસ ગાયત્રીબા વાઘેલાએ વ્યક્ત કર્યો હતો.
(3:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
