તા. ૧૮ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૯ બુધવાર
News of Monday, 11th August 2025
વિરમગામમાં મહિલાએ એક વેપારીને અંધશ્રધ્ધામાં ફસાવી સોનાના દાગીના અને લાખોની ઠગાઈ કરતા તેની ધરપકડ
વેપારીને જે દુકાન ખરીદવાની હતી તે દુકાનની નીચે મોટી માત્રામાં સોનું હોવાનું જણાવી તે સોનુ પણ વેપારીની ઘર સુધી ખેંચી લાવવાની લાલચ આપવા વેપારીએ વિધિ કરવાનું કહ્યું હતું

અમદાવાદ ગ્રામ્યના વિરમગામમાં અંધવિશ્વાસમાં આવીને એક વેપારીએ લાખો રૂપિયા અને દાગીના ગુમાવ્યા છે અને તેની સાથે ઠગાઈ કરનાર તાંત્રિક કોઈ પુરૂષ નહી પરંતુ એક મહિલા છે. જે પોતાને માતાજી આવતા હોવાનું કહીને અનેક લોકોને શિકાર બનાવી રૂપિયા પડાવી ચુકી છે. અંતે તેની સામે ફરિયાદ નોંધાતા પોલીસે તેની ધરપકડ કરી છે.
પોલીસે કોમલબેન જયપાલસિંહ રાઠોડ નામની મહિલાએ એક વેપારીને અંધશ્રધ્ધામાં ફસાવી તેની પાસે રહેલા સોનાના દાગીના અને રોકડ રકમ મેળવી તેની સાથે ઠગાઈ કરતા તેની ધરપકડ કરવામાં આવી છે. વિગતવાર વાત કરીયે તો વિરમગામમાં માંડલ રોડ પર રહેતા અને ફરસાણની દુકાન ધરાવતા વેપારી દિનેશભાઈ જૈન સાથે આ મહિલાએ ઠગાઈ આચરી છે. વેપારીને વર્ષોથી ફરસાણની દુકાન ચાલતી હોય અને જે જગ્યામાં તંત્રનું દબાણ આવવાનું હોવાથી તે દુકાન તોડી પાડવામાં આવવાની હતી, જેથી વેપારીને ધંધાનું નુકસાન જવાનું હતુ, તેમજ તેમણે જે અન્ય દુકાન રાખી હતી તેમાં પણ સોદો ન થતા તે ચિંતામાં ગરકાવ હતા. જે દરમિયાન તેઓના કોટુંબિક સાઢુભાઈના ભત્રીજા પ્રદિપ શેઠ જે હાલોલમાં રહેતો હતો તેને મળવા ગયા હતા. જ્યાં તેઓની મુલાકાત મહિલા આરોપી કોમલબેન રાઠોડ સાથે થઈ હતી, તે પોતે તાંત્રિક હોવાનું જણાવી વેપારીની સમસ્યા દૂર કરવાની બાહેંધરી આપી હતી. વેપારીને જે દુકાન ખરીદવાની હતી તે દુકાનની નીચે મોટી માત્રામાં સોનું હોવાનું જણાવી તે સોનુ પણ વેપારીની ઘર સુધી ખેંચી લાવવાની લાલચ આપવા વેપારીએ વિધિ કરવાનું કહ્યું હતું.
થોડા સમય બાદ કોમલ રાઠોડ વિરમગામમાં વેપારીનાં ઘરે માતાજી બનીને ગઈ હતી, અને તેઓની દુકાન પર દબાણ નહી આવે તેવો ભરોષો અપાવ્યો હતો, તેમનાં તેઓનાં ઘરમાં વિધિ કરવાના નામે સોના ચાંદીનાં દાગીનાં મુકાવડાવી રૂમ બંધ કરીને અડધી વિધિ થઈ છે, જે પૂર્ણ કરવાનું કહ્યું હતું. અધુરી વિધિ પૂર્ણ નહી કરે તો માતાજીનો પ્રકોપ ઉતરશે, મોટુ નુકસાન થશે અને વેપારીનું મોત થશે તેવુ જણાવી ડરાવીને વેપારીનાં ઘરમાં રહેલા સોનાના દાગીનાં તેમજ વિધિ સમયે ભગવાનના શણગાર માટે મંગાવેલા દાગીનાંઓ એમ કુલ મળીને 44.71 લાખની કિંમતનું સોનુ અને વેપારી પાસેથી ટુકડે ટુકડે મેળવેલા 22.50 લાખ લઈને રફુચક્કર થઈ ગઈ હતી.
વેપારી સાથે કુલ 67.21 લાખની છેતરપીંડી થઈ હોવાનું ધ્યાને આવતા આ મામલે વિરમગામ ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી, જે બાદ પોલીસે કોમલ રાઠોડને તેનાં વતન પંચમહાલનાં ગોધરાનાં જીતપુરાથી પકડી પાડી હતી. કોમલ રાઠોડે વેપારી પાસેથી લીધેલા રૂપિયાથી પોતાના મકાનમાં રિનોવેશન કરાવ્યું હતુ તેવામાં તેણે આ રીતે અન્ય કેટલા લોકોને અંધવિશ્વાસમાં ધકેલી રૂપિયા કે દાગીનાં પડાવ્યા અને આટલી મોટી રકમનું શુ કર્યું તે અંગે તપાસ શરૂ કરવામાં આવી છે
(7:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
