<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 11th August 2025

દૂધના પ્રતિ કિલો ફેટના ભાવમાં વધારો કરાયો

સાબર ડેરીનો પશુપાલકોના હિતમાં મોટો નિર્ણયઃદૂધનો પ્રતિ કિલો ફેટનો ભાવ ૯૯૫ રૃપિયા જાહેર કરાયો છે જેમાંથી ૯૬૦ રૃપિયાનો ભાવ વધારો પશુપાલકોને પહેલેથી જ ચૂકવી દેવાયો છે

સાબરકાંઠા, તા.૧૧

સાબરકાંઠાની સાબર ડેરીની ૬૧મી વાર્ષિક સાધારણ સભા શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ અને સફળતાપૂર્વક પૂર્ણ થઈ. સભામાં ડેરી દ્વારા દૂધનો પ્રતિ કિલો ફેટનો ભાવ ૯૯૫ રૃપિયા જાહેર કરાયો છે. જેમાંથી ૯૬૦ રૃપિયાનો ભાવ વધારો પશુપાલકોને પહેલેથી જ ચૂકવી દેવાયો છે, જ્યારે બાકીના ૩૫ રૃપિયાનો વધારો ૧૩ ઓગસ્ટે ચૂકવાશે. સભા દરમિયાન કોઈ જાતના વાદ-વિવાદ કે વિરોધ વિના તમામ નિર્ણયો સર્વસંમતિથી લેવાયા. આ નિર્ણયથી પશુપાલકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો અને તેમણે ડેરીના આ પગલાને આવકાર્યું છે.

આગામી વર્ષથી ૩૦ જૂન પહેલા ભાવફેર ચૂકવવા ઠરાવ કરાયો છે. ચેરમેન-સેક્રેટરી સાથે નિયામક મંડળની મિટિંગો યોજવા પણ ઠરાવ કરાયો છે. મહત્ત્વનું છે કે, મિલ્ક માર્કેટિંગ ફેડરેશનની ચૂંટણી બાદ ડેરીની પ્રથમ સાધારણ સભા યોજાઈ હતી. જેમાં સાબરકાંઠા, અરવલ્લીના ચેરમેન અને સેક્રેટરી હાજર રહ્યા હતા.

સાબરકાંઠા અને અરવલ્લી સહિતના વિસ્તારના સાડા ત્રણ લાખ જેટલા પશુપાલકોને ડેરીના આ ભાવ વધારાના નિર્ણયથી ફાયદો થશે. જણાવી દઈએ કે, સાધારણ સભા યોજાય તે પહેલા જ પશુપાલકોએ આંદોલનની ચિમકી ઉચ્ચારી હતી. પશુપાલકો દ્વારા જાહેરાત કરાઈ હતી કે જો સભામાં યોગ્ય ભાવ નહીં મળે તો ૧૨ ઓગસ્ટથી અચોક્કસ મુદતનું આંદોલન શરૃ કરાશે. ઉલ્લેખનીય છે કે, અગાઉ સાબર ડેરીએ ૩૯૫ રૃપિયા પ્રતિ કિલો ફેટનો ભાવફેર જાહેર કર્યો હતો. જોકે પશુપાલકો ૨૦ ટકા ભાવ ફેરની માગ સાથે આંદોલન પર ઉતર્યા હતા. આ દરમિયાન ૧૪ જુલાઈએ પશુપાલકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. સમગ્ર પંથકના પશુપાલકો રોડ પર આવીને વિરોધ કરી રહ્યા હતા. બાદમાં સાબર ડેરી દ્વારા ભાવફેરનું આશ્વાસન અપાયું હતું. જે અંગે આજની બેઠકમાં અંતિમ નિર્ણય લેવાઈ ચૂક્યો છે.

(9:53 PM IST)