News of Tuesday, 12th August 2025
પાટીદારના દંપતીઓએ ૩ થી ૪ બાળકો પેદા કરવા જોઈએ
આર.પી પટેલના નિવેદન બાદ બે ભાગલા પડયાઃ નિવેદન પર પાટીદાર અગ્રણીઓ અને અન્ય નેતાઓ એ પોતાની પ્રતિક્રિયા આપી હતી

અમદાવાદ,તા.૧૨: વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખ આર.પી. પટેલે પાટીદાર સમાજને લઈને એક મોટું અને ચર્ચાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે, ‘‘પાટીદાર સમાજમાં વન ચાઈલ્ડ અને નો ચાઈલ્ડનો ટ્રેન્ડ વધી રહ્યો છે, જેના કારણે સમાજનું સંખ્યાબળ ધીરે ધીરે ઘટી રહ્યું છે.'' આર.પી. પટેલે અપીલ કરતા કહ્યું કે, પાટીદાર સમાજના દંપતીએ હવે ઓછામાં ઓછા ૩ થી ૪ બાળકોને જન્મ આપવાની જરૂર છે, જેથી સમાજનું અસ્તિત્વ ટકી રહે અને આગામી પેઢી સમાજ માટે મજબૂત આધાર બની શકે.
તેમણે નોંધ્યું કે, ‘‘જેમ જેમ પરિવાર નાના થવા લાગ્યા, તેમ તેમ સમાજમાં કાકા, મામા કે ફૂવા જેવી પરંપરાગત સંબંધો વિલુપ્ત થવા લાગ્યા છે. આજે ઘણા ઘરોમાં આ સંબંધો જોવા પણ મળતા નથી.'' તેમણે જણાવ્યું કે આવનારા સમયમાં હાલત એવી બની શકે કે બજારમાં બોર્ડ લગાવવામાં આવે કે અહીં કાકા, મામા, ફૂવા ભાડે મળશે. તેમના મતે, જો સમાજમાં આ સંખ્યાબળ ઘટવાનું ચાલુ રહેશે તો તેની સીધી અસર સામાજિક અને રાજકીય શક્તિ પર પડશે. તેઓ કહે છે કે, ‘‘ઘટતું સંખ્યાબળ સમાજને રાજકીય રીતે પણ પાછળ ધકેલી શકે છે.''
વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખ આર.પી.પટેલના નિવેદનને અલ્પેશ કથીરીયાનું સમર્થન મળ્યું છે. તેમણે કહ્યું કે કુટુંબ વ્યવસ્થાનો નાશ ન થવો જોઈએ, માત્ર પાટીદાર સમાજ નહીં પરંતુ સમગ્ર સમાજમાં વન ચાઇલ્ડની પોલિસી ચાલે છે, નવદંપતી લગ્ન પછીનું ઉજ્જવળ ભવિષ્ય માટેનું આ પ્રકારે પ્લાનિગ કરતા હોય છે. જો વસ્તી ઓછી હશે તો રાજકીય રીતે કદ ઓછું થશે, જેની વસ્તી ઓછી હશે તેનું પ્રભુત્વ ઘટશે, આ સમગ્ર હિદુ સમાજ માટે ચિતાનો વિષય છે.
વિશ્વ ઉમિયાધામનાં પ્રમુખ આર.પી.પટેલે પાટીદાર સમાજમાં વન ચાઈલ્ડ અને નો-ચાઈલ્ડનો ટ્રેન્ડ ઘાતક હોવાની અને માતા-પિતાએ ૩ થી ૪ બાળકને જન્મ આપવો જોઈએ એવું સૂચન નિવેદન આપ્યું હતું. આ અંગે એસપીજી નાં અધ્યક્ષ લાલજી પટેલની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે આર.પી. પટેલના નિવેદનથી સહમત ના હોવાની વાત કહી છે. તેમણે કહ્યું કે, પાટીદાર સમાજ ખૂબ જ શિક્ષિત અને સમજું છે. માતા-પિતા શિક્ષિત હોવાથી બાળકો અંગે પ્લાનિગ કરતા હોય છે. તેમણે કહ્યું કે, જો સંગઠિત હોઈશું તો ધાર્યા પરિણામ મળતા રહેશે. બાળકો વધારવાથી સત્તામાં ભાગીદારી મળે તેવું નથી
આમ આદમી પાર્ટીનાં નેતા રેશમા પટેલે જણાવ્યું હતું કે વધુ બાળકો હોવાથી સામાજિક કે રાજકીય પ્રગતિ ન થઈ શકે. ૩ બાળક હોવા એ વાત સાથે હું સહમત નથી. લોકોમાં જાગૃતિ હોવી જરૂરી, વધુ બાળકો હોવા એ પરિવાર પર આધાર છે. યુવાનોમાં બેરોજગારી વધી છે, પરિવારનું પાલન કરવું મુશ્કેલ બન્યું છે. મોંઘવારીમાં ત્રણ-ચાર બાળકો પાલવવા અઘરા છે. ઉપરાંત યુવાનો આત્મહત્યા કરી રહ્યા છે, દીકરીઓના પણ ઘણા પ્રશ્નો છે તેવા મુદ્દાઓને લઈને સમાજ જાગૃતિનું કાર્ય થવું જોઈએ નહીં કે ત્રણ ચાર સંતાનો થવાથી સમાજની પ્રગતિ થશે કે રાજકીય પ્રગતિ થશે એવું કશું જ નથી.
(10:23 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
