તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Tuesday, 12th August 2025
૫૦૦ના સીધા ૯૦૦ સાતમ-આઠમ નજીક આવતા જ ખાનગી બસ સંચાલકો બેલગામ
ખાનગી બસ સંચાલકોએ મુસાફરો પાસેથી બમણું ભાડું વસૂલવાનું શરૂ કરતા મુસાફરોમાં રોષ જોવા મળી રહ્યો છે ગુરુવારે અમદાવાદથી જો સૌરાષ્ટ્ર જવું હોય તો ઓછામાં ઓછું હજાર રૂપિયા ભાડું તો ચૂકવવું જ પડશે

અમદાવાદ તા.૧૨: જન્માષ્ટમીના તહેવારને ગણતરીના દિવસો બાકી છે. ઉપરાંત આ વર્ષે જન્માષ્ટમીમાં શુક્રવાર, શનિવાર અને રવિવાર એમ કુલ ત્રણ દિવસનો વિક એન્ડ પણ આવે છે. ત્યારે લોકો સૌરાષ્ટ્રની તરફ ત્રણ દિવસનું મીની વેકેશન પોતાના ગામડા અને ઘરે બનાવવાનું આયોજન કર્યું છે. ત્યારે એક બાજુ એસટીની મોટાભાગની બસોનું રિઝર્વેશન થઈ ગયું છે. ત્યારે ખાનગી બસ સંચાલકો મુસાફરો પાસેથી ખુલ્લેઆમ લૂંટ કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. તેમ વીટીવી જણાવે છે.
અમદાવાદ શહેરમાં નિકોલ બાપુનગર ઠક્કર નગર સહિત અનેક વિસ્તારોમાં સૌરાષ્ટ્રના લોકો વસવાટ કરી રહ્યા છે. અને વાર તહેવારના દિવસે તેઓ અહેવાલની ઉજવણી પોતાના માત્ર વતન જ કરતા હોય છે. જેનો ગેરલાભ હવે ખાનગી ટ્રાવેલ સંચાલકો ઉઠાવી રહ્યા છે. જન્માષ્ટમીને આડે હવે ગણતરીના દિવસો અને કલાકો જ બાકી છે. ત્યારે ખાનગી ટ્રાવેલ બસ સંચાલકોએ જે ટિકિટ રૂા.૫૦૦ ની મળતી હતી. તે જ ટિકિટના ભાવ હાલમાં ૮૦૦ થી ૯૦૦ કરી દેવામાં આવ્યા છે સાથે જ ગુરુવારે એટલે કે છઠના દિવસે જો સૌરાષ્ટ્ર જવું હોય તો ઓછામાં ઓછું હજાર રૂપિયા ભાડું તો ચૂકવવું જ પડશે. ખાનગી બસ સંચાલકોની વાત કરવામાં આવે તો રાજ્ય સરકારનો ખાનગી બસ ઉપર કોઈ જ પ્રકારનો કંટ્રોલ નથી ગુજરાત હાઇકોર્ટ કહે કે પછી દેશની સર્વોચ્ચ ન્યાયાલયનો આદેશ હોય તેમ છતાં પણ અમદાવાદ શહેરમાં ખાનગી ટ્રાવેલ્સ બેફામ રીતે કોઈપણ સમયે એન્ટ્રી અને એક્ઝિટ કરતા જોવા મળે છે. સુપ્રીમ કોર્ટનો આદેશ હોવા છતાં પણ શહેર પોલીસ દ્વારા આ બસોને શહેરની અંદર આવતા રોકવામાં આવતી નથી. જેના કારણે ટ્રાફિકની સમસ્યાઓ પણ સર્જાય છે. એક બાજુ ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટના આદેશનું ઉલંઘન અને બીજી તરફ મુસાફરોને બેફામ રીતે તહેવારોના સમયમાં ડબલ ભાવે અમદાવાદથી સૌરાષ્ટ્રને સુરત તરફ લઈ જવાનો બેફામ ધંધો વધી ગયો છે. હવે તો ગેરકાયદેસર રીતે શહેરમાં પ્રવેશ કરતી ખાનગી બસોથી લોકોને ડર લાગી રહ્યો છે.
આમ એક બાજુ શહેર ટ્રાફિક પોલીસ તો ખાનગી બસ સંચાલકોને છાવરી રહ્યા છે. રાજ્ય સરકારનો ખાનગી બસ સંચાલકો ઉપર કોઈપણ પ્રકારનો કંટ્રોલ નથી. એના કારણે ગુજરાતની ગોળી પ્રજા વધારે પૈસા આપવા માટે પણ મજબૂર બન્યા છે. ત્યારે હવે ખરેખર ખાનગી બસ સંચાલકોને ઉઘાડી લૂંટ મામલે રાજ્ય સરકારનાં ટ્રાન્સપોર્ટ વિભાગ અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ કેવા પગલાં લેશે તે જોવું રહ્યું.(૩૮.૨૯)
(4:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
