<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 12th August 2025

છોટાઉદેપુર જિલ્લામાં લાંબા વિરામ બાદ મેઘરાજાએ કરી મહેર

લોકોને ગરમીથી મળી રાહતઃઆ વરસાદ માત્ર લોકોને ગરમીથી રાહત જ નથી આપતો પરંતુ ખેડૂતો માટે પણ આશાનું કિરણ લઈને આવ્યો

છોટાઉદેપુર, તા.૧૨

 લાંબા સમયના વિરામ અને ગરમીના અસહ્ય ઉકળાટ બાદ આજે છોટાઉદેપુર જિલ્લામાં મેઘરાજાએ મહેર કરી હતી. છેલ્લા બે દિવસથી વાતાવરણમાં ભારે બફારો અને ગરમી હતી. જેના કારણે લોકો પરેશાન થઈ ગયા હતા. ત્યારે આજે વહેલી સવારથી જ આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા હતા અને જોતજોતામાં ધોધમાર વરસાદ શરૃ થઈ ગયો હતો. વરસાદ શરૃ થતાં જ વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી અને લોકોએ ગરમીથી રાહતનો શ્વાસ લીધો હતો.

આ વરસાદ માત્ર લોકોને ગરમીથી રાહત જ નથી આપતો પરંતુ ખેડૂતો માટે પણ આશાનું કિરણ લઈને આવ્યો હતો. વરસાદ ખેંચાતા ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું. કારણ કે ખેતીના પાકને પાણીની તાતી જરૃરિયાત હતી. આ વરસાદથી ખેતીના પાકને જીવનદાન મળ્યું હતું અને ખેડૂતોમાં ખુશીની લહેર વ્યાપી ગઈ હતી. છોટાઉદેપુર શહેર ઉપરાંત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ સારો એવો વરસાદ નોંધાયો હતો. ભારે વરસાદને કારણે રસ્તાઓ પર વરસાદી પાણી વહેતા થયા હતા.

જેના કારણે વાહનચાલકોને થોડી મુશ્કેલી પડી હતી. પરંતુ વરસાદનો આનંદ માણવા માટે લોકો ઘરની બહાર પણ નીકળ્યા હતા. આગામી દિવસોમાં પણ સારો વરસાદ પડે તેવી ખેડૂતો અને સ્થાનિકોમાં આશા છે. જો સારો વરસાદ થશે તો ખેતીનો પાક સારો ઉતરશે અને પાણીની સમસ્યામાં પણ રાહત મળશે. આ વરસાદે સમગ્ર જિલ્લામાં એક નવી ઉર્જા અને ઉત્સાહનો સંચાર કર્યો હતો.

(10:25 PM IST)