<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 12th August 2025

વિફરેલી ગાયે એક મહિલાને નીચે પાડી દઈને હુમલો કર્યો

દહેગામમાં રખડતા પશુઓનો ત્રાસઃમહિલાને હોસ્પિટલમાં દાખલ કરવી પડી હતી તેમજ પગે ફેક્ચર સહિતનું ઓપરેશન કરવાની વારો આવ્યો હતો

દહેગામ, તા.૧૨

દહેગામ શહેરમાં ઘણા લાંબા સમયથી રખડતા પશુઓનો ત્રાસ જોવા મળી રહ્યો છે. રખડતા પશુઓના હુમલામાં એક મહિલા સહિત ત્રણ થી ચાર લોકો ઇજાગ્રસ્ત થવાની ઘટના સામે આવતા નાગરિકોમાં ભારે ડરનો માહોલ સર્જાયો છે.

શહેરમાં રખડતા પશુઓ પર ક્યારે અંકુશ આવશે એવા સવાલો ઊભા થઈ રહ્યા છે. પાલિકાતંત્ર આ મામલે કડકમાં કડક કામગીરી કરશે એની લોકો રાહ જોઈ રહ્યા છે.

દહેગામ જીઈબી કચેરી નજીક વડ પાસે વિફરેલી ગાય એક મહિલાને નીચે પાડી દઈને હુમલો કરતા આ મહિલાના બંને પગે ફેક્ચર થઈ જવાની ઘટના બની છે. દહેગામના વાત્સલ્ય બંગ્લોઝમાં રહેતા આશાબેન શાહ તથા તેમના પતિને પણ વિફરેલી ગાયના હુમલામાં ઇજાગ્રસ્ત થયા હતા. તેમજ અન્ય ૩ વ્યક્તિઓ પણ ગાયના હુમલામાં ઇજાગ્રત થતા સારવાર લેવાની ફરજ પડી છે.

મહિલાને હોસ્પિટલમાં દાખલ કરવી પડી હતી તેમજ પગે ફેક્ચર સહિતનું ઓપરેશન કરવાની વારો આવ્યો હતો. નાગરિકોમાં રખડતા પશુઓ તેમજ માતેલા સાંઢ થી ખૂબ જ ડરનો માહોલ પેદા થયો છે જેના ઉપર અંકુશ લાવવો ખૂબ જ જરૃરી બન્યું છે. શહેરના નાગરિકો પાલિકા પર મીટ માંડી રહ્યા છે ક્યારે રખડતા પશુઓ ઉપર કાયમી અંકુશ લાવશે.

(10:27 PM IST)