<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 13th August 2025

બંગાળની ખાડીમાં સિસ્ટમ સર્જાઈ : ગુજરાતમાં ફરી ચોમાસુ સક્રિયબનશે:મુશળધાર વરસે તેવી આગાહી

14મી ઓગસ્ટથી ગુજરાતમાં ફરી એક વખત વરસાદી માહોલ સર્જાઈ શકે ; કચ્છ અને આસપાસના વિસ્તારોની ઉપર સમુદ્રથી 3.1 કિમીની ઊંચાઈએ એક અપર ઍર સાઇક્લોનિક સર્ક્યુલેશન રચાયું

અમદાવાદ :ગુજરાતમાં મેઘરાજા જાણે રજા પર હોય એવું લાગે છે. વરસાદે વિરામ લીધો છે. પણ બંગાળની ખાડીમાં એક સિસ્ટમનું સર્જન થઇ રહ્યું છે. અને જેના કારણે ગુજરાત સહિત મધ્ય અને પશ્ચિમ ભારતમાં ફરી એક વખત ચોમાસું સક્રિય થઈ શકે છે. અને મૂશળધાર વરસે એવી આગાહી પણ છે.

  ગુજરાતમાં અચાનક ધીમા પડી ગયેલા ચોમાસામાં ફરી હલચલ જોવા મળી રહી છે. ગુજરાતમાં વરસાદ ફરીથી ધીરે ધીરે પોતાના ફોર્મમાં આવી રહ્યો છે. ત્યારે 14મી ઓગસ્ટથી ગુજરાતમાં ફરી એક વખત વરસાદી માહોલ સર્જાઈ શકે છે. જે બાદ ગુજરાતમાં સારો વરસાદ વરસવાની શક્યતા સેવાઈ રહી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, બંગાળની ખાડીમાં એક સિસ્ટમનું સર્જન થશે. જેના કારણે ગુજરાત સહિત મધ્ય અને પશ્ચિમ ભારતમાં ફરી એક વખત ચોમાસું સક્રિય થઈ શકે છે. 

    11મી ઓગસ્ટ સુધીમાં ગુજરાતમાં 64 ટકાથી વધારે વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ દક્ષિણમાં પડ્યો છે. જ્યારે સૌથી ઓછો સૌરાષ્ટ્રમાં નોંધાયો છે. હવામાન વિભાગના બુલેટિન પ્રમાણે રાજ્યના કેટલાક જિલ્લામાં સારો વરસાદ પડવાની શક્યતા છે અને આગામી દિવસોમાં ઓછામાં ઓછા 13 જિલ્લામાં ભારે વરસાદ પડે તેવી સંભાવના છે. કચ્છ અને આસપાસના વિસ્તારોની ઉપર સમુદ્રથી 3.1 કિમીની ઊંચાઈએ એક અપર ઍર સાઇક્લોનિક સર્ક્યુલેશન રચાયું છે તેમ પણ હવામાન વિભાગ જણાવે છે. ભારતમાં જે રાજ્યો હાલમાં વરસાદની અછત ભોગવી રહ્યા છે ત્યાં પણ ચોમાસું હવે સક્રિય થવાનું છે. તેમાં ગુજરાત, રાજસ્થાન અને મધ્ય પ્રદેશનો સમાવેશ થાય છે.

    સુરત, વલસાડ, મુંબઈ, થાણેના પટ્ટામાં ભારે વરસાદ પડશે તેમ સ્કાયમૅટનું કહેવું છે. ખાસ કરીને 17 અને 18 તારીખે ગુજરાતના ઘણા વિસ્તારોમાં જોરદાર વરસાદ પડવાનો છે. આગામી સાત દિવસની આગાહી જોવામાં આવે તો 12 ઑગસ્ટે ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં છૂટાછવાયાં સ્થળોએ ભારે વરસાદ થવાની શક્યતા છે.આ ઉપરાંત બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરુચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દાદરા નગર હવેલીમાં વરસાદ પડશે. આ દરમિયાન ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં પવનની ઝડપ 30થી 40 કિમી પ્રતિ કલાક જોવા મળશે.

  સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-SEOCનું કહેવું છે કે રાજ્યમાં ચાલુ ચોમાસું સિઝનમાં સાર્વત્રિક વરસાદના પરિણામે 11 ઓગસ્ટની સ્થિતિએ સરેરાશ 64 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ 68 ટકાથી વધુ વરસાદ દક્ષિણમાં જ્યારે પૂર્વ-મધ્યમમાં 55.54 ટકા, ઉત્તર ગુજરાતમાં 66.21 ટકા, કચ્છમાં 65.13 ટકા જ્યારે સૌરાષ્ટ્રમાં 56.31 ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે. 82 ટકા વિસ્તારમાં ખરીફ વાવેતર પૂર્ણ થયું છે. રાજ્યના 52 ડેમ 70થી 100 ટકા વચ્ચે ભરાયેલા છે. સરદાર સરોવર ડેમમાં 75 ટકાથી વધુ જળસંગ્રહ છે.

(12:27 AM IST)