News of Wednesday, 13th August 2025
અમદાવાદ એસજી હાઈવે પરના કેફેના માલિક સહીત ત્રણ યુવકો થાર કારમાંથી દેશી હથિયાર સાથે પકડાયા
સીટીએમ પાસેનાં એક્સપ્રેસ હાઈવે પર વાહન ચેકિંગ દરમિયાન કારમાંથી હથિયાર મળ્યા : દેશી હાથ બનાવટની પિસ્ટલ અને જીવતા કારતુસ કબ્જે

અમદાવાદના એસજી હાઈવે પર કેફે ધરાવનાર યુવક હથિયાર સાથે ઝડપાયો છે, ટ્રાફિક પોલીસ દ્વારા વાહન ચેકિંગ દરમિયાન થાર કારમાંથી કેફેના માલિક સહિત 3 યુવકોને પકડી તેમની પાસેથી દેશી હાથ બનાવટની પિસ્ટલ અને જીવતા કારતુસ કબ્જે કર્યા છે. આ હથિયાર શા માટે રાખવામાં આવ્યું હતુ અને તે ક્યાંથી લાવ્યો હતો તે દિશામાં પોલીસે તપાસ કરતા ચોંકાવનારા ખુલાસા થયા છે. ..
પોલીસ કસ્ટડીમાં દેખાતા આ ત્રણેય યુવકોના નામ નિમેષ ખાખરિયા, સેન્ડી નિરૂપમ અને કિરણ પરમાર છે. આ ત્રણેય યુવકોની આઈ ડિવિઝન ટ્રાફિક પોલીસે ધરપકડ કરી છે. ટ્રાફિક પોલીસની ટીમ 12મી ઓગસ્ટે સીટીએમ પાસેનાં એક્સપ્રેસ હાઈવે પર વાહન ચેકિંગ કરી રહી હતી, જે દરમિયાન એક થાર કાર નજરે પડતા તેને પોલીસે રોકી હતી. કારમાં આ ત્રણેય શખ્સો હાજર હતા, જોકે પોલીસને જોઈને નિમેષે પોતાની પાસે રહેલી પિસ્ટલ તેના મિત્ર સેન્ડી પાસે ફેંકી દીધી હતી, જેથી પોલીસને શંકા જતા તપાસ કરતા દેશી હાથ બનાવટની પિસ્ટલ અને 6 જીવતા કારતુસ મળી આવ્યા હતા. જેથી આ મામલે રામોલ પોલીસ સ્ટેશનમાં આર્મસ એક્ટનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
પકડાયેલા આરોપીઓમાં નિમેષ એલિસબ્રિજ વિસ્તારનો, સેન્ડી નિરૂપમ કઠવાડાનો અને કિરણ પરમાર ગોતાનો રહેવાસી છે. પોલીસની પ્રાથમિક પુછપરછમાં સામે આવ્યું કે આ હથિયાર નિમેષ ખાખરીયાનું હતું, તેણે 3 મહિનાં પહેલા જુહાપુરાનાં એક વ્યક્તિ પાસેથી 40 હજાર રૂપિયામાં ખરીદ્યું હતું. નિમેષ ખાખરીયા એસજી હાઈવે પર ડોન કા અડ્ડા નામથી કેફે ધરાવે છે. તેનાં કેફેના નામનું ટ્રેડમાર્ક કરાવ્યું હોવા છતાં જયેશ પટેલ નામનાં વ્યક્તિએ આ જ નામથી કેફે શરૂ કર્યા હતા, જેમાં નિમેષ કેસ જીતી ગયો હતો, જે બાદથી તેને જયેશ દ્વારા ધમકીઓ આપવામાં આવતી હતી તે કારણથી તેણે સ્વ બચાવ માટે આ હથિયાર ગેરકાયદેસર રીતે ખરીદ્યું હતું.
જોકે નિમેષ ખાખરીયા પાસે હથિયાર હતું તે બાબતથી તેની સાથે કારમાં સવાર મિત્રો પણ અજાણ હતા. ત્રણેય મિત્રો વલસાડ ખાતે કોફીનાં વેપારનો માલ આપવા માટે નીકળ્યા હતા. પકડાયેલો આરોપી સેન્ડી નિરૂપમ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સનાં કામ સાથે જોડાયેલો છે, કિરણ પરમાર ખાનગી નોકરી કરે છે, આરોપીઓ જે ગાડીમાં નીકળ્યા હતા તે ગાડી જોન્ટી નામનાં મિત્રની છે, તેવામાં પોલીસે હાલ તો આ આરોપીને હથિયાર આપનાર જુહાપુરાનાં શખ્સની શોધખોળ હાથ ધરી છે
(6:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
